આ પ્રકૃતિ અપરા (જડ) છે. પણ હે મહાબાહો !
આથી બીજી મારી પરા - ચેતન પ્રકૃતિને જીવરૂપ તુ જાણ કે, જેના વડે આ જગત ધારણ કરાય છે. (૫)
ભાવાર્થ
ઉપર ચોથા શ્લોકમાં જણાવેલી આઠ અંગોવાળી મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ એટલે કે નિમ્નશ્રેણીની નીચેની પ્રકૃતિ કહે છે. તેની સામી પાર (beyond) મારી પરા પ્રકૃતિ છે, એમ પરમાત્મા કહે છે.
આ મારી બીજી જીવરૂપા પરા પ્રકૃતિ એટલે કે ચેતન પ્રકૃતિ છે કે જેનાથી આ સંપૂર્ણ જગત ધારણ કરાય છે. આ પરા પ્રકૃતિને ઓળખવાની જે પ્રક્રિયા ટેકનિક(technic) છે, તે જ સમસ્ત યોગોનો સાર છે.
સ્વયંની અંદર આ પરા આ beyond ક્યાં શરુ થાય છે? શરીરમાં નહી, કારણ કે શરીર તો પદાર્થ (matter) છે, મનમાં પણ નહી, કારણ કે મન પણ બહારથી સંગ્રહિત વિચારોની જોડ છે. બુદ્ધિમાં પણ નહી, કારણ કે બુદ્ધિ પણ સૂક્ષ્મતમ અગ્નિનું રૂપ છે. અહંકારમાં પણ નહી, કારણ કે અહંકાર પણ સ્વનિર્મિત ધારણા છે.
શરીર, મન, બુદ્ધિ અને અહંકારને સાક્ષીરુપે જો જોઈ શકાય કે આ શરીર, મન, બુદ્ધિ, અહંકાર મારા છે; પરંતુ હું તે નથી, પરંતુ તેનાથી અલગ વિચક્ષણ મારુ સ્વરૂપ છે એવો સાક્ષીભાવ પ્રગટ થાય તો જ આ પરા પ્રકૃતિ(beyond) જે બધાને ધારણ કરનારી છે તે જીવભૂતા ચેતનાનો અનુભવ થઇ શકે.
શરીર, મન, બુદ્ધિ અને અહંકાર પ્રત્યેક ક્ષણે બદલાતા હોય છે, પરંતુ જે અંદર રહેલ ચેતના છે તે કદાપિ બદલાતી નથી.
હું શરીર નથી, તે હું શરીરનો સાક્ષી થઈને જાણી શકું. શરીરથી અલગ ઉભો રહીને દ્રષ્ટાપદે સાક્ષી રૂપે જોઈ શકું. જોવા માટે, જે જોવાનું છે તેનાથી અલગ હોવું પડે. Perception માટે Perspective (અલગતા - ફાસલો) હોવો જોઈએ. એ જ પ્રમાણે હું વિચારોનો પણ સાક્ષી થઇ શકું. હું અંતર્મુખ થઈને સાક્ષીરુપે અંદર જોઈ શકું કે મારામાં ક્રોધ ભભૂકી રહ્યો છે, લોભ સરકી રહ્યો છે, કામ ચાલી રહ્યો છે. અહંકાર અત્યંત સૂક્ષ્મતમ હોવાથી અને અહંકારથી તો આપણે identified હોવાથી અહંકારને સાક્ષીરુપે જોવામાં તકલીફ પડે છે.
અહંકારને પણ સાક્ષીરુપે જોવાની (Technic) ટેકનિક આવડે તો તે પરા (beyond) ચેતનાને જોઈ શકાય.
આપણે દર્પણની સામે ઉભા રહીએ છીએ, ત્યારે તેમાં મોઢું દેખાય છે તેના કરતા અહંકાર વધારે દેખાય છે. આપણે કોઈની સાથે હાથ મેળવીએ છીએ, ત્યારે આપણે તેને મળીએ છીએ તેના કરતા અહંકાર વધારે હાથ મેળવતો હોય છે.
આપણે શરીર, મન, બુદ્ધિ, અહંકાર વગેરે નોકરોની સાથે ભળી ગયા છીએ, તે નોકરોમાં અધ્યાસ (આત્મબુદ્ધિ) થઇ ગયો છે, તેના માલિકને તો આપણે જોયો જ નથી. શરીર, મન, બુદ્ધિ, અહંકાર એ લોકો બધા નોકરો છે એમ જયારે સાક્ષીભાવે તેમનાથી અલગ ઉભા રહીને જોઈશું ત્યારે ખબર પડશે કે આ બધાનો માલિક બીજો જ કોઈ છે. જે આ બધાને ધારણ - પોષણ કરે છે અને તે પરા ચેતના તે મારુ જ સ્વરૂપ છે, તે માલિક મારાથી જરા પણ અલગ નથી.