Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


બલં બલવતાં ચાહં કામરાગવિવર્જિતમ્ ।
ધર્માવિરુદ્ધો ભૂતેષુ કામોઽસ્મિ ભરતર્ષભ ॥ ૧૧॥

બલમ્ બલવતામ્ ચ અહમ્ કામરાગવિવર્જિતમ્

ધર્માવિરુદ્ધ: ભૂતેષુ કામ: અસ્મિ ભરતર્ષભ

ચ - અને

ભૂતેષુ - સર્વ પ્રાણીઓમાં

ધર્માવિરુદ્ધ: - ધર્મને અનુકૂળ (એવો)

કામ: - કામ (ભોગની ઈચ્છા)

અસ્મિ - હું છું.

ભરતર્ષભ - હે ભારતશ્રેષ્ઠ !

બલવતામ્ - બળવાનોનું

કામરાગવિવર્જિતમ્ - કામના અને આસક્તિરહિત

બલમ્ - બળ

અહમ્ - હું (છું)

કામ અને રાગ વિનાનું બળવાનોનું બળ હું છું. હે ભરતશ્રેષ્ઠ ! પ્રાણીઓમાં રહેલો ધર્માનુકૂળ જે કામ (અન્નપાન આદિની ઈચ્છા) તે પણ હું છું. (૧૧)

ભાવાર્થ

આ શ્લોકોમાં દ્રશ્ય તરફ ઈશારો કરીને તેમાં અદ્રશ્ય રહેલા પોતાના સ્વરૂપ તરફ પ્રભુ ઈશારો કરે છે.

  • દ્રશ્ય મરચામાં (સાકાર) અદ્રશ્ય (નિરાકાર) તીખાશ હું છું.

  • દ્રશ્ય ગોળમાં (સાકાર) અદ્રશ્ય (નિરાકાર) ગળપણ હું છું.

  • દ્રશ્ય પાણીમાં (સાકાર) અદ્રશ્ય (નિરાકાર) રસ હું છું.

  • દ્રશ્ય કચુકોમાં (સાકાર) અદ્રશ્ય (નિરાકાર) ખટાશ હું છું.

પાણી દ્રશ્ય છે, પરંતુ તેને પીવાથી પીધા પછી જે અનુભવમાં આવે છે તે રસ છે. આ રસ આંતરિક અનુભૂતિ છે. પ્રત્યેક વસ્તુમાં જે આંતરિક અનુભવમાં ઉતરે છે તેનું નામ રસ. તમામ રસ અદ્રશ્ય છે. જીવનમાં જે કાંઈ આપણો ઘેરો અનુભવ છે તે રસનો અનુભવ છે. સૌંદ્રય રસ છે, પ્રેમ રસ છે, આનંદ રસ છે અને ઉપનિષદની ઘોષણા છે કે બ્રહ્મ રસ છે. (રસો વૈ.સ:) ગુલાબનું ખીલેલું ફૂલ દ્રશ્ય છે પરંતુ તેમાં રહેલું સૌંદર્ય જુદું પાડીને તમે દેખાડી ના શકો. અસલમાં સૌંદર્ય ફૂલમાં નથી. સૌંદર્ય ફૂલના અનુભવમાં તમારી અંદર જે બોધ (જ્ઞાન) પેદા થાય છે તે રસમાં છે. એટલા માટે ફૂલને તોડી નાખીને તમે ખોળવા માંડો તો કેમિકલ્સ મળે, રાસાયણિક વસ્તુઓ મળે; પરંતુ રસ (આંતરિક અનુભૂતિ) ના મળે.

પ્રભાસ્મિ શશીસુર્યયો : સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ છે તે હું છું.

પ્રણવ: સર્વ વેદેષુ : પ્રણવ એટલે ૐકાર. તમામ શાસ્ત્રો નષ્ટ થઇ જાય, એકલો ૐ શબ્દ બચી જાય તો બધા શાસ્ત્રો બચી ગયા સમજો. પરંતુ ૐ શબ્દ ખોવાઈ જાય તો કોઈ શાસ્ત્ર બચે નહિ.

આમ જોવા જાઓ તો -

ૐ બિલકુલ અર્થહીન (meaningless) શબ્દ છે.

ૐ માં કોઈ અર્થ નથી. કોઈ ફિલોસોફી નથી. કોઈ દર્શન નથી.

ૐ શબ્દ એક અર્થમાં બિલકુલ absurd છે. તેમાંથી કોઈ અર્થ નીકળતો નથી.

ૐ આ નાનકડા શબ્દમાં ભારતની સમસ્ત મંત્રયોગની સાધનાને બીજની માફક પૂરી દીધી છે. ભારતમાં જે કાંઈ આંતરજીવનમાં અનુભવો કર્યા છે અને જેટલી વિધિઓ મનુષ્યે સત્ય તરફ યાત્રા કરવાની વિકસિત કરી છે તે તમામ બીજમંત્રની માફક ૐમાં સમાયેલી છે.

ૐ માં અ - ઉ - મ આ ત્રણ મૂળ ધ્વનિઓની જોડ છે. તમામ શબ્દોનો વિસ્તાર ૐનો વિસ્તાર છે. ૐ તમામ વેદોની secret key (master key) છે.

शब्द : खे

આકાશ દેખાય, આકાશમાં બધી વસ્તુઓ દેખાય, માત્ર શબ્દ ના દેખાય. શબ્દ (અદ્રશ્ય) હું છું. શબ્દ દેખાતો નથી. પરંતુ આખું આકાશ શબ્દથી ભરેલું છે.

દિલ્હીમાં બોલાયેલા રેડીઓ સ્ટેશન ઉપરના શબ્દો આઠ કે દસ સેકન્ડમાં મુંબઈમાં પકડી શકાય તો તે શબ્દો દસ વર્ષ પછી કે દસ હજાર વર્ષ પછી પકડવામાં વૈજ્ઞાનિકોને ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના ખરી, કારણ કે શબ્દ ઉત્પન્ન થાય છે પછી તે શબ્દ મરી જતો નથી. આ જગતમાં કોઈ પણ શબ્દ જયારે બોલાય કે તુરત જ રેકોર્ડેડ થઇ જાય છે માટે એવો કોઈ બૂરો કે નઠારો શબ્દ ના બોલવો જે તમારું રેકોર્ડ બની જાય, ખરાબ બોલવું એના કરતા ચૂપ રહેવું હજાર દરજ્જે સારું.

પૌરુષમ નૃષુ : પુરુષોમાં જે પુરુષત્વ (અદ્રશ્ય) છે તે હું છું.

પુણ્યો ગંધ: પૃથિવ્યામ ચ - પવિત્ર ગંધ (સુગંધ) એ છે જે જીવન ઉર્જાને ઉપર ઉઠાવે. અપવિત્ર ગંધ એ છે જે જીવન ઉર્જાને નીચેની બાજુ - કામવાસનાની બાજુ ઘસડી જાય.

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધથી આ પ્રસંગમાં તેના કારણરૂપ તન્માત્રાઓનું ગ્રહણ છે - આ વાતને સ્પષ્ટ કરવા માટે તેની સાથે પવિત્ર (પુણ્ય) શબ્દ જોડવામાં આવ્યો છે.

આપણા શરીરમાંથી દુર્ગંધ આવે અને શુકદેવજી, મહાવીર વગેરેના શરીરમાંથી સુગંધી આવે - ગુલાબની સુગંધી જુદી અને લીમડાના પાનની સુગંધી જુદી. પૃથ્વી એની એ હોવા છતાં - કારણ?

ધ્યાનની ગહેરાઈઓમાં શરીરમાંથી એક વિશેષ પ્રકારની પવિત્ર સુગંધ નીકળે છે, જયારે કામવાસનાથી ઘેરાયેલા શરીરમાંથી એક પ્રકારની દુર્ગંધ આવે છે, કારણ કે શરીરની ગ્રંથિઓમાં ઉર્જા નીચેની તરફ વહે છે તેવું ફિઝિયોલોજિસ્ટો - શરીરશાસ્ત્રીઓ માનતા થયા છે.

તેજશ્ચાસ્મિ વિભાવસૌ - આપણે હજુ સુધી કદાપિ પ્રકાશ જોયો નથી. માત્ર પ્રકાશિત વસ્તુઓ જોઈ છે. પ્રકાશને જોવો અસંભવ છે. પ્રકાશ અદ્રશ્ય (પરમાત્મા) છે.

તેજ : તેજસ્વિનામ્ અહં - તપસ્વીઓની તેજસ્વીતા ( Hallo - પ્રકાશનો પુંજ) હું છું. તેજ અમૃતત્વ છે - શરીર મરણધર્મા છે. તપસ્વીઓમાં 'તપશ્વર્યા' નહિ, પરંતુ 'તેજ' હું છું. તેજનો અર્થ તપસ્વીઓમાં એ કે જે મરણધર્માં નથી, જે કદાપિ મરતું નથી (તેજ). તેજ એક અત્યંત આકલ્ટ (Aucult) એક ગુપ્ત રહસ્ય છે. મહાવીર, બુદ્ધ જેવાઓની આભાઓમાં તે હોય છે. જે અદ્રશ્ય હોય છે અને X-ray કે કેમેરામાં પણ તે પકડાતું નથી.

પરમાત્મા સ્વયં પોતાનો પરિચય આપે છે, પરંતુ પરમાત્મા એટલા વિરાટ છે અને શબ્દો એટલા નાના છે કે પરમાત્મા પણ પોતાનો સ્વયં પરિચય આપે તો પણ સદા અધૂરા જ પડે.

અંગુલી નિર્દેશથી જેમ ચંદ્ર દેખાડી શકાય છે. ખુદ ચંદ્રને આંગળી અડાડયા વગર, તેવી રીતે શબ્દોના ઇશારાથી બ્રહ્મનો પરિચય કરાવવા ઉપરોક્ત શ્લોકોમાં પ્રયાસ કરેલો છે - જો કે બધાય ઈશારા અધૂરા જ છે. તેમાં માત્ર આંશિક સૂચનાઓ છે.