પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર - એમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે. (૪)
ભાવાર્થ
આ શ્લોકમાં પરમાત્માએ પ્રકૃતિને આઠ હિસ્સાઓમાં વિભાજીત કરી છે. પંચ મહાભૂત - મન - બુદ્ધિ અને અહંકાર.
અગ્નિ મહાભૂત (original becoming) છે. આધારભૂત છે. આજે વિજ્ઞાનની ખોજ ઈલેક્ટ્રીસીટી ઉપર ગઈ છે. વિજ્ઞાન આજે જેને વિદ્યુત (ઈલેક્ટ્રીસીટી) કહે છે તેને જ ભારતના અંતર્મનિષિઓ અગ્નિ કહે છે. વિદ્યુત પણ અગ્નિનું જ એક રૂપ છે એટલે અગ્નિ મૂળતત્વ (original becoming) છે.
પૃથ્વી અગ્નિનું એક રૂપ છે Solid. અગ્નિનું ઘનીભૂત રૂપ - ઠોસ રૂપ - Solid રૂપ - તે પૃથ્વી છે.
અગ્નિનું બીજું રૂપ છે - જળ (fluid liquid) પ્રવાહી.
અગ્નિનું ત્રીજું રૂપ છે વાયુ (gas).
વિજ્ઞાન પણ કહે છે કે પદાર્થની ત્રણ સ્થિતિ છે - Solid, liquid and Gas. પ્રત્યેક અસ્તિત્વવાન ચીજ ત્રણ રૂપમાં પ્રગટ થઇ શકે છે. અગ્નિ મૂળતત્વ છે. અગ્નિ જયારે પ્રગટ થાય ત્યારે ત્રણ રૂપોમાં પ્રગટ થાય છે. પદાર્થનું એક રૂપ ઠોસ - ઘન Solid, બીજું રૂપ જલીય liquid અને ત્રીજું રૂપ વાયુ ગેસીય gas.
આ અગ્નિને પ્રગટ થવા માટે જે જગ્યા જોઈએ તેને આકાશ (Space) કહે છે. કોઈ પણ ઘટના બને તેને માટે સ્થળ (Space) અગર સમય (Time) જોઈએ. કઈ જગ્યાએ (Space આકાશ) અને કેટલા વાગે (કયા સમયે Time) આ ઘટના બની. આઇન્સ્ટાઇને સાબિત કર્યું છે કે Time and Space (સ્થળ અને સમય) બે ચીજો નથી, એક જ ચીજ છે - સ્પેસ-ટાઈમ કન્ટીનમ. સમય અને સ્થળ (Time and Space) એક જ ચીજ (આકાશ)નાં બે પહેલું છે.
ઉપર પ્રમાણે પ્રકૃતિના પંચમહાભૂતો (Original Becoming) પાંચ રૂપો છે. અને તેના ત્રણ અંતરરૂપો છે - મન, બુદ્ધિ અને અહંકાર.
આ જગતમાં અહંકારનું અસ્તિત્વ સૂક્ષ્મતમ છે.
બધાંયથી વધારે પહેલી ચીજ કહી પૃથ્વી - અને બધાંયમાં અંતિમ ચીજ કહી અહંકાર. પૃથ્વી બધાંયમાં મોટી અને સ્થૂળ ચીજ છે. અહંકાર બધાંયમાં સૂક્ષ્મ - બારીક - delicate ચીજ છે. આ જગતમાં જે સૂક્ષ્મતમ અસ્તિત્વ છે, તે અહંકાર છે અને જે સ્થૂળતમ અસ્તિત્વ છે તે પૃથ્વી છે.
મનનો અર્થ છે સચેતનતા. જે આપણી અંદર Consciousness છે. આપણી અંદર જે મનન કરવાની શક્તિ છે તેનું નામ મન છે. મનનું ઘણું રૂપ જાનવરોમાં પણ છે. જાનવર પણ મનથી જીવે છે, પરંતુ તેમની પાસે બુદ્ધિ નથી. બુદ્ધિ એ મનનું Specialized રૂપ છે.
ફક્ત મનન નહી, બલ્કે તર્કયુક્ત - તર્કસરણીબદ્ધ ચિંતનનું નામ બુદ્ધિ છે અને બુદ્ધિની પણ પાછળ જયારે કોઈ બહુ બુદ્ધિનો ઉપયોગ કરે છે ત્યારે અંદર એક બીજી સૂક્ષ્મતમ ચીજનો જન્મ થાય છે, જેનું નામ અહંકાર (હું - ego) છે.
સર્વાધિક કઠણાઈ અહંકાર સાથે હોય છે. અહંકાર વાયુ કરતા પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. તેથી વાયુ માફક અહંકાર જયારે ચાલતો હોય ત્યારે તેનો સ્પર્શ પણ માલૂમ પડતો નથી. જેને પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તેને પ્રકૃતિની બહારની બહાર નીકળવું પડશે.
જીવાત્મા પ્રકૃતિનો ગુલામ છે. પરમાત્મા પ્રકૃતિનો માલિક છે. માલિક - શુદ્ધ આત્મા - પ્રકૃતિથી ઘેરાઈને (under the influence of પ્રકૃતિ) જીવાત્મા બની ગયો છે. જીવાત્મા પ્રકૃતિથી પર થાય તો તે શુદ્ધ આત્મા જ છે.
પ્રકૃતિ અને પરમાત્માનો તફાવત
જે કાંઈ રચાય છે, રચી શકાય છે તે પ્રકૃતિ.
જે રચી શકાતું નથી, (પણ છે જ) તે પરમાત્મા.
જે કાંઈ બને છે - બની શકે છે - બનાવી શકાય છે - બનાવટ છે - તે પ્રકૃતિ.
જે બની શકતું નથી (સ્વયં બનેલું જ છે) તે પરમાત્મા. જે નિર્મિત થાય છે તે પ્રકૃતિ.
જે અનિર્મિત છે - અસૃષ્ટ છે - uncreated છે, સ્વયંભૂ છે તે પરમાત્મા.
અહંકાર પણ નિર્મિત થાય છે. નાના બાળકમાં અહંકાર નથી હોતો. પછી નિર્મિત થાય છે. પ્રકૃતિના બધા by-products અહંકાર વગેરે manufactured હોય છે. કોઈ અહંકાર હિંદુ, કોઈ જૈન, કોઈ મુસલમાન, કોઈ યુરોપિયન, કોઈ જાપાનીઝ વગેરે અહંકાર પણ Made in India, England, Japan, U.S.A. વગેરે હોય છે. પૃથ્વીથી માંડીને અહંકાર સુધીના આઠ પ્રકારના જે કાંઈ by-products છે તે બધા પ્રકૃતિનાં છે. બુદ્ધિ પણ પ્રકૃતિ છે. મન પણ પ્રકૃતિ છે. આ બધું બનેલું - બનાવેલું છે. તેની પાર જે અસૃષ્ટ - uncreated છે તે original real છે, તે પરમાત્મતત્ત્વ છે.