પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે; દેવોને પૂજનારા દેવોને પામે છે પણ મારા ભક્તો મને પામે છે. (૨૩)
ભાવાર્થ:
કામનાઓથી પ્રેરિત થઈને કોઈ દેવ-દેવીને કરેલી પ્રાર્થના ફળ તો જરૂર આપે છે, પરંતુ તે ફળ ક્ષણિક હોય છે. કોઈ પણ સુખ સદા ટકતું નથી. તમામ સુખ "આગમાવાયિન: અનિત્યા:" (ગીતા - ૨/૧૪) હોય છે. અલ્પબુદ્ધિવાળા માણસો બહુ મોટું મૂલ્ય આપીને બહુ નાની વસ્તુ ખરીદવા રાજી હોય છે. ઉગ્ર તપશ્ચર્યા કરીને ક્ષુદ્ર કામનાઓની માગણી કરે છે. દેવ - દેવીઓ પાસે અલ્પજીવી સુખ માગવાથી ભીખ માંગવાનું ચાલુ રહે છે. એક ભિખારીએ ચક્રવર્તી રાજા પાસે માગણી કરી કે મારુ ભીખ માંગવાનું ચપ્પણીયું ભાગી ગયું છે તે નવું અપાવો - તેના જેવો ઘાટ છે. બુદ્ધિમાન માણસ તો તે કહેવાય કે જે જીવનની પરમ આવશ્યક વસ્તુ (સંતોષ સહિત ભગવદ્ભક્તિ)ની યાચના કરે. નચિકેતાએ યમરાજા પાસેથી તમામ ભૌતિક સુખોને બદલે મૃત્યુનું રહસ્ય જાણવાની યાચના કરી કે જેથી તે અમૃતત્વને પ્રાપ્ત થાય.
પરમ શ્રેય કલ્યાણ માંગે તે બુદ્ધિમાન.
સાંસારિક સુખોની માગણી કરે તે અલ્પબુદ્ધિ.
અંતે દુઃખદાયી સુખોની માગણી કરે તે બુદ્ધિહીન.
આખી દુનિયાને જીતી લીધા પછી પણ સિકંદર રોતો રોતો મર્યો.
દેવ - દેવીઓ પાસે ક્ષણભંગુર સુખ માંગવા કરતા અનંત આનંદની પ્રાપ્તિ માટે પરમાત્મા પાસે જાઓ તો ઓછી મહેનતે વધારે લાભ મળશે. પરમાત્મા તો માણસની જરૂરિયાત અને લાયકાત કરતા પણ અધિક તેને આપી શકે છે. પરમાત્માનો ઉપકાર માનો કે તેમણે ભલે પગમાં પહેરવાનાં બૂટ નથી આપ્યા. પરંતુ કેટલાકને તો બૂટ પહેરવા માટે પગ પણ નથી આપ્યા. "નથી" ના દુઃખમાં "છે" ના સુખને ભૂલી જશો તો વધારે દુઃખી થશો.
પરમાત્માએ વગર માંગે આંખ - કાન - નાક - જીભ આપ્યા તેને પણ તમે પરમાત્માના દર્શન કરવામાં, તેના ગુણ ગાવામાં - સાંભળવામાં ઉપયોગ કરીને સાર્થક કરતા નથી અને બીજી ક્ષણભંગુર ક્ષુલ્લક વસ્તુઓની માંગણીઓ કરવામાં નાહક શક્તિ વેડફી નાખો છો, એ નરી મૂઢતા છે.