Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૭

જ્ઞાનવિજ્ઞાન યોગ


જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે ।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥ ૨૯॥

જરામરણમોક્ષાય મામ્ આશ્રિત્ય યતન્તિ યે

તે બ્રહ્મ તત્ વિદુઃ કૃત્સ્નમ્ અધ્યાત્મમ્ કર્મ ચ અખિલમ્

બ્રહ્મ - બ્રહ્મને

કૃત્સ્નમ્ - સંપૂર્ણ

અધ્યાત્મમ્ - અધ્યાત્મને

ચ - તથા

કર્મ - કર્મને (પ્રભુપ્રાપ્તિના ઉપાયને)

અખિલમ્ - સંપૂર્ણપણે

વિદુઃ - જાણે છે.

યે - જેઓ

મામ્ - મારો

આશ્રિત્ય - આશ્રય કરી

જરામરણ - જરામરણથી

મોક્ષાયયતન્તિ - છૂટવા માટે યત્ન કરે છે.

તે - તેઓ

તત્ - તે

જેઓ મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે, તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ જાણે છે. (૨૯)

ભાવાર્થ :

મારુ શરણ સ્વીકારીને જન્મ - મૃત્યુ - જરા - વ્યાધિમાંથી મુક્ત થવા જે યત્ન કરે છે, તે બ્રહ્મને તથા સંપૂર્ણ અધ્યાત્મને તથા સમસ્ત કર્મને પણ સમજી જાય છે.

આ નાનો શબ્દ 'શરણં'માં ધર્મનો સમસ્ત સાર સમાયેલો છે. શરણ એટલે "હું"પણાના અહંકારનો સંપૂર્ણ ત્યાગ.

ડગમગ ઠાલી શાને કરે,

તારું ધાર્યું નહીં થાય, તારું ધાર્યું નહીં થાય,

ગમતું થાશે ગોવિંદનું.

કોઈનું જાણ્યું નહીં જાય, કોઈનું જાણ્યું નહીં જાય.

કરીએ શ્રીકૃષ્ણ ઉપાસના (શરણ)

આવી અસહાય - helpless અવસ્થાની પરમાત્મા સમક્ષ અનુભૂતિપૂર્વકની સમજણ - તેનું નામ શરણ. ભગવદ્ ઈચ્છાને સ્વાધીન થનારના જીવનમાંથી દુઃખ સદાને માટે વિદાય થઇ જાય છે. મારી મરજીમાં દુઃખ છે, પરમાત્માની મરજીમાં કદાપિ દુઃખ હોય જ નહિ. પરમાત્માના શરણાગતને મોત તો જરૂર આવે છતાં તે પોતે મરે નહીં. તેના જીવનમાં સુખદુઃખની તમામ ઘટનાઓ તો જરૂર ઘટિત થાય, પરંતુ તે બધી ઘટનાઓ બહાર રહી જાય અને પોતે તેની પાર નીકળી જાય. અસલમાં અહંકારથી અધિક કોઈ દુઃખ નથી, પીડા નથી.

પરંતુ માણસના હૃદયમાં - રૂંવે રુંવામાં - એટલો બધો અહંકાર "મૈં મૈં" ભરેલો છે કે તેમાં પરમાત્માને પ્રવેશ કરવાની જગ્યા જ નથી. આમ અહંકાર જ તેને સમર્પિત થવા દેતો નથી.

જિંદગી એક ઘણી જ ગહન મજાક છે. આખી દુનિયાને જીતનાર નેપોલિયન આખરે એક નાનામાં નાના ટાપુ સેન્ટ હેલિનામાં કેદી થઈને મર્યો. 'શરણ' અદ્દભુત શબ્દ છે. શરણનો અર્થ એ છે કે, 'હું કહું છું કે હવે હું નથી - માત્ર તું જ છું." Thy will be done. તેરી ખુશીમેં મેરી ખુશી હૈ કહેતાંની સાથે શૂળી ઉપર ચઢેલો જીસસ માણસ મટીને પરમાત્મા થઇ ગયો, નર મટીને નારાયણ બની ગયો. અહંકાર માણસને દુશ્મન હોવા છતાં પરમમિત્ર જેવો લાગે છે. "શરણં" એ શબ્દ નથી, પરંતુ અનુભૂતિ છે. Relax your mind and body totally in the lap of God. આવો અનુભવ દિવસમાં બની શકે તેટલી વખત કરો. શરણનો અર્થ છે - Opening to God, total/absolute surrender (Resignation) to God. પછી તો હું શરણે આવ્યો છું એવું કહેવું પણ નહીં પડે. કારણ કે પછી એવું કહેનાર (અહમ્) પણ નહીં બચે. Be a light unto yourself.

જે દિવસે "હું શરણે આવ્યો છું" એવું કહેનાર પણ નહીં બચે તે દિવસે હું પણ તને નહીં કહું કે "મામ્ એકં શરણં વ્રજ (ગીતા - ૧૮/૬૬). પૂરી ગીતાનો સાર શરણાગતિ છે.