હે ધનંજય! મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કોઈ નથી; દોરામાં મણકાઓનાં સમૂહની પેઠે આ સર્વ મારામાં પરોવાયેલું છે. (૭)
ભાવાર્થ (શ્લોક ૬-૭)
સંપૂર્ણ ભૂત પ્રાણીમાત્ર, જડ, ચેતન, સ્થૂળ, સૂક્ષ્મ તમામ ભૂત (Becomings) આ બે (અપરા અને પરા) પ્રકૃતિઓથી જ ઉત્પત્તિવાળા છે. અને હું સંપૂર્ણ જગતની ઉત્પત્તિ તથા પ્રલયરૂપ છું. અર્થાત સંપૂર્ણ જગતનું મૂળ કારણ હું છું.
મારા સિવાય કિંચિત માત્ર પણ બીજી વસ્તુ નથી. આ સંપૂર્ણ જગત સૂત્રમાં સૂત્રના મણિઓની માફક મારામાં ગુંથાયેલું છે.
માળાના મણકાઓ પ્રગટ છે તેવી રીતે જગત પ્રગટ છે. મણકાઓમાં પરોવેલો દોરો જેવો અપ્રગટ છે, તેમ પરમાત્મા અપ્રગટ છે. પરંતુ આ જે અપ્રગટ (દોરો - પરમાત્મા) છે તેના જ આધારે આ પ્રગટ (મણકા - જગત) ટકી રહ્યું છે. અપ્રગટ (દોરો - પરમાત્મા) ઉપર જ પ્રગટ (મણકા - જગત) આધારિત છે.
જીવનના આધારોમાં સદા અદ્રશ્ય છુપાયેલું છે. વૃક્ષ દેખાય છે, પરંતુ તેનો આધાર જડ - મૂળિયાં દેખાતા નથી. ફળ - ફૂલ - પાંદડા - ડાળીઓ તોડી નાખો તો પણ તેની જડ - મૂળિયાં છે તો નવા અંકુર ફૂટશે. જગત દેખાય છે તેનો આધાર (અદ્રશ્ય) પરમાત્મા છે. અદ્ગશ્યની ખોજ ધર્મ છે. દ્રશ્યમાં ગુંચાઈ જવું સંસાર છે. મણકાઓમાં જે ગુંચાઈ જાય છે તે દોરાથી વંચિત રહી જાય છે - સંસારમાં ફસાઈ પડે છે તે પરમાત્માથી વંચિત રહી જાય છે.
ભગવાન કહે છે કે - હું છુપાયેલો Hidden ગુપ્ત અપ્રગટ છું. જે પ્રગટ છે તે માત્ર પ્રકૃતિ છે અને આ જે પ્રગટ જગત દેખાય છે તે ઉપરોક્ત આઠ પ્રકારની (અષ્ટધા) પ્રકૃતિનો માત્ર ખેલ - પ્રપંચ છે, જે તમામનો આધારરૂપ હું દોરો છું.
પરમાત્મા છે, તો બતાવો? આ સવાલ મૂળમાં જ ખોટો છે. It is basically wrong. પરમાત્મા અણુએ અણુમાં સર્વત્ર વ્યાપ્ત છે અને અદ્રશ્ય છે. દરેક મણકામાં ધાગો - દોરો મોજૂદ છે. દરેક મૂર્તમાં અમૂર્ત (પરમાત્મા) મોજૂદ છે. જે કાંઈ વ્યક્ત છે તેમાં અવ્યક્ત (પરમાત્મા) મોજૂદ છે. સ્થૂળમાં સૂક્ષ્મ રૂપે, જડમાં ચેતન રૂપે, દ્રશ્યમાં અદ્રશ્ય રૂપે, સાકારમાં નિરાકાર રૂપે, સગુણમાં નિર્ગુણ રૂપે, મરચામાં તીખાશ રૂપે, ગોળમાં ગળપણ રૂપે, આંબલીમાં ખટાશ રૂપે, શેરડીમાં મીઠાશ રૂપે પરમાત્મા તમામ પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિમાં અવ્યક્ત રૂપે પરિપૂર્ણ રૂપે પરમાત્મા મોજૂદ છે.
જે કાંઈ આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, નાકથી સૂંઘી શકાય છે, જીભથી ચાખી શકાય છે, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરી શકાય છે તે તમામ ઇંદ્રિયોની પકડમાં આવનાર તમામ દ્રશ્ય જગત - તે પ્રકૃતિ છે અને તેમાં છુપાયેલ અદ્રશ્ય - અવ્યક્ત પરમાત્મા તે ઇન્દ્રિયાતીત છે - ઇંદ્રિયોની પકડની બહાર છે.
ધર્મ જે છે તે (Science of the hidden) અદ્રશ્ય (પરમાત્મા) નું વિજ્ઞાન છે, જયારે વિજ્ઞાન (Science) જે છે તે પ્રગટ જગતની ખોજ (discovery) છે.
પરમાત્મા કહે છે કે - ઇન્દ્રયોની પાર, ઇન્દ્રિયોથી પર, ઇન્દ્રિયાતીત જે કાંઈ છે તે હું (પુરુષ) છું અને ઇંદ્રિયોની પકડમાં જે આવે છે તે જગત (પ્રકૃતિ) છે. પરમાત્મા સિવાય પુરુષ (પુરમાં રહેનારો અદ્રશ્ય) કોઈ નથી. હું સકળ જગતનો પ્રભવઃ (સૃષ્ટા - creator ) છું. એટલું જ નહિ પરંતુ સકળ જગતનો પ્રલય: (the destroyer - પ્રલય કરનાર) પણ હું જ છું. જે બનાવી શકે છે તે જ મિટાવી શકે છે. જે જીવાડી શકે છે તે જ મારી પણ શકે છે. જીવાડવા તે પરમાત્માની કૃપા છે તો મારવા - મિટાવવા તે પણ તેની કૃપા જ છે. જે માત્ર જીવાડવામાં ભગવદ્દકૃપા દેખે છે, પરંતુ તેના મારમાં જે પ્યાર દેખતો નથી, તેના ક્રોધમાં જે કરુણા દેખતો નથી, તેના મારમાં અને ક્રોધમાં જે ભગવદ્દકૃપા દેખતો નથી, તે સાચો સંત નથી, સાચો ભક્ત નથી.
"સર્જન પણ મારુ છે તો વિસર્જન પણ મારાથી જ છે. મારામાંથી જ બધું ઉદ્ભવે છે અને આખરે મારામાં જ તે બધું લય પામે છે. તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિનો જન્મ અને મૃત્યુ બંને હું જ છું." પરમાત્માના આ વક્તવ્યમાં એક મહાન વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.
જીવનની આખી ગતિ વર્તુળાકાર છે. જેમાં જે જ્યાંથી શરુ થાય છે ત્યાં જ તે સમાપ્ત થાય છે. જન્મ જે બિંદુ ઉપર ઘટિત થાય છે એ જ બિંદુ ઉપર મૃત્યુ પણ ઘટિત થાય છે. મૃત્યુ જન્મથી વિપરીત નથી, પરંતુ જન્મની સાથે જોડાયેલું એક બીજું કદમ છે. અને વિનાશ (લય) એનો માત્ર વિશ્રામ છે. સર્જન શ્રમ છે - વિસર્જન વિશ્રામ છે. જીવન શ્રમ છે, મૃત્યુ વિશ્રામ છે.
મૃત્યુ પરમાત્માનું જ સ્વરૂપ છે. જે મૃત્યુને મિત્ર માને છે તે જ સાચું જીવી જાણે છે. જેને મૃત્યુ દુઃખદાયી નથી દેખાતું, તેને જીવનમાં પણ કશુંય દુઃખદાયી ના નીવડે. મૃત્યુ જેનું મિત્ર બની જાય તેનું જીવન મહામિત્ર બની જાય. જીવન અને મૃત્યુ બંનેની એક સાથે સ્વીકૃતિ અદ્ભૂત છે, કારણકે જીવન અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ છે. એટલે ભગવાન કહે છે કે બંને હું જ છું. ભલો પણ હું જ છું અને બૂરો પણ હું જ છું. જીવનનાં સમસ્ત દ્વંદ્વો સંયુક્ત હોય છે, અલગ નથી હોતા. જીવનમાં તમામ વિરોધો (દ્વંદ્વો) ને આત્મસાત્ કરવા એ જ વેદાંતનો સાર છે. સુખ આવે ત્યારે તો બરાબર, પરંતુ દુઃખ આવે ત્યારે પણ પરમાત્માને ધન્યવાદ આપે અને તેમાં ભગવદ્ અનુગ્રહ દેખે તે વ્યક્તિને પછી મંદિરમાં જવાની જરૂર નથી. ખુદ મંદિર જ તેની આજુબાજુ ખડું થઇ જાય!