સર્વ જગત આ ત્રિગુણમય ભાવોથી મોહિત છે; (માટે) એઓથી પર અને વિકારહિત મને જાણતું નથી. (૧૩)
ભાવાર્થ
જે સત્ત્વ - રજ - તમથી મોહિત છે તે મારા તત્ત્વને નહીં જાણી શકે. આ એક મહાન ક્રાંતિકારી સૂત્ર છે. રજોગુણ - તમોગુણથી મોહિત થયેલા જ માત્ર નહીં, પરંતુ સત્ત્વગુણથી મોહિત થયેલા કહેવાતા સજ્જનો - ધાર્મિકો - સમાજસેવકો - વિદ્વાનો - પંડિતો પણ પરમાત્માના તત્ત્વને નહિ જાણી શકે. સત્ત્વગુણથી હિપ્નોટાઇઝડ થયેલા પણ પરમાત્માના તત્ત્વને ના જાણી શકે તે વાત સમજવી કઠણ જટિલ છે.
પરમાત્માથી અતિરિક્ત બધું જ સંમોહન છે - સત્ત્વગુણ પણ, શુભકર્મ પણ જો પરમાત્માને સમર્પિત થયા વગરનું હોય તો તે માત્ર મોહ છે. અને તેનાથી પણ અહંકાર નિર્મિત થાય છે.
સમાજસેવકો અને કહેવાતા સાધુઓ સત્ત્વગુણથી સંમોહિત (hypnotised) થઈને જગત આખાનું કલ્યાણ કરવાના ઝંડા લઈને નીકળી પડે છે તે લોકોના પોતાના જ દીવા ખરેખર તો ઓલવાઈ ગયેલા હોય છે, તો પછી તે બીજાના દીવા કેવી રીતે પેટાવી શકવાના? ખરેખરે તો તે લોકો જેનું કલ્યાણ કરવા જશે તેને ઉલ્ટાનો મુશ્કેલીમાં મુકશે. માણસ પોતે પોતાનું જ કલ્યાણ કરે તો ય બસ છે. આખી દુનિયાને સુધારવાનો પરમાત્માએ તેને ઈજારો આપ્યો નથી, તેમ જ તે તેની એકલાની જવાબદારી પણ નથી અને સામર્થ્ય પણ નથી. એકલા પરમાત્મા જ તમામ જીવોનું એકલા હાથે આત્યંતિક કલ્યાણ કરી શકે તેમ છે. માટે અહંકાર - હું પદ - મદનો ત્યાગ કરીંને પરમાત્માના ચરણમાં સમર્પિત થઇ જઈને માત્ર નિમિત્ત માત્ર થઈને પરમાત્માના રાજીપા માટે કર્મ કરતા રહેવું.
"હું એટલો સ્વાર્થી નથી કે મારા એકલાનું કલ્યાણ કરું, મારી સાથે હું બધાનું કલ્યાણ કરીશ." આ પણ એક પ્રકારનો સાત્ત્વિક અહંકાર (pious egoism) છે. લોકકલ્યાણ કરવાના જુસ્સામાં (feverમાં) માણસ કેટલીક વખત આત્મકલ્યાણ ચૂકી જાય છે. પોતાને સુધારવો મુશ્કેલ પડે છે એટલે લોકો દુનિયાને સુધારવા નીકળી પડે છે. આવા સત્ત્વગુણનું તો મારણ પણ નથી, પરંતુ તેને ઘાયલ કરવો જોઈએ
પરમાત્માને પામવા માટે એકલી અસદ્દવૃત્તિઓ જ નહિ, પરંતુ સદ્દવૃત્તિઓને પણ છોડવી પડે. મુક્ત થવું હોય તો એકલી લોખંડની જંજીરો જ નહિ, પરંતુ સોનાની જંજીરો પણ તોડવી પડે. ભલે સોનાની છે, પરંતુ આખરે તે જંજીરો છે - આભૂષણો નથી. પ્રકૃતિના ગુણોથી ઉપરવટ થઈને પરમાત્માને સમર્પિત ના થાય ત્યાં સુધી કોઈ સજ્જન સાધુતાને - આત્મકલ્યાણને પ્રાપ્ત નહિ કરી શકે.
જે સાધુ ક્રોધને હૃદયમાં દબાવીને, છુપાવીને અક્રોધી બને, ચોરી અંદર છુપાવીને અચોર બને - શાહુકારી કરે, પરિગ્રહને અંતરમાં છુપાવીને અપરિગ્રહી બને, અહંકારને હૃદયમાં છુપાવીને વિનમ્ર બને, જે આ બધી બિમારીઓને અંતરમાં છુપાવીને - અંતરમાં જ્વાળામુખી ઉકળતો રાખીને બાહ્ય શાંતિના દેખાવનો પ્રયાસ કરે તો તે સાચો સાધુ - સંત ના થઇ શકે. જેના હૃદયમાં કોઈ સંઘર્ષ નથી - વિપરીતની સંભાવના નથી - માયાના ગુણોના ઉકાટા વારંવાર આવતા નથી અને તેનાથી જે સંમોહિત થતો નથી, તે જ પરમાત્માને જાણી શકે છે.
()
પરમાત્માની સહાયથી જ પ્રકૃતિને હરાવી શકાય. પરમાત્મામાં પ્રકૃતિ છે, પ્રકૃતિમાં પરમાત્મા નથી. પ્રકૃતિમાં આદમી છે, આદમીમાં પ્રકૃતિ નથી.
એકલા આદમી પ્રકૃતિથી લડશે તો હારશે, કારણ કે પ્રકૃતિ આદમીથી મોટી છે, વિરાટ છે.
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ (ગીતા - ૩/૩૩)
તમે ક્રોધથી હારી જાઓ છો, કારણ કે ક્રોધ પ્રકૃતિનો જ હિસ્સો છે. એટલે તમે હજાર વખત ક્રોધ નહીં કરવાનો નિર્ણય કરો છો તો પણ ક્રોધ કરો છો અને પછી પસ્તાવો કરો છો - માટે તમે પ્રકૃતિ સાથે લડશો તો હારશો. પરંતુ તમે જો પરમાત્માનો સહારો લેશો તો પરમાત્મા પ્રકૃતિને હરાવશે. માણસ તો સમુદ્રના મોજામાં તરતું એક તણખલું છે. સાગર પરમાત્મા, મોજું પ્રકૃતિ અને તમે તે મોજામાં તરતું તણખલું જ છો.
માણસની પ્રકૃતિ સાથેની સીધી લડાઈ અસંભવ છે, પરંતુ જો માણસ પરમાત્માને સમર્પિત થઇ જાય, નારાયણ પરાયણ થઇ જાય તો તુરત જ લડાઈ સમાપ્ત થઇ જાય. પરમાત્માને દેખતા જ પ્રકૃતિ શાંત થઇ જાય - જેમ શિક્ષકને દેખતા જ છોકરા શાંત થઇ જાય.
પરમાત્માને સમર્પિત થયા વગર સાત્ત્વિક થવાની ચેષ્ટા કરવી તે પ્રકૃતિ સામે લડવાની ચેષ્ટા કરવા બરાબર છે.