દ્વેષરહિત એવા તને હું આ ગુહ્યમાં ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. (૧)
ભાવાર્થ:
અનુસુચવે એટલે દોષદ્રષ્ટિ રહિત ભક્ત. જીવનને જોવાની બે પ્રકારની દ્રષ્ટિ હોય છે. એક વિધાયક (positive) અને બીજી નકારાત્મક (Negative) દોષદ્રષ્ટિ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેનો જેવો ભાવ તેને તેવું જગત - જીવન દેખાય - જેવું આપણને દેખાય છે તે આપણા જ ભાવનું પ્રત્યક્ષીકરણ છે.
જિનકી રહી ભાવના જૈસી | પ્રભુ મૂરતિ તિન્હ દેખી તૈસી ||
(બાલકાંડ દોહા - ૨૪૦/૪)
તટસ્થ દ્રષ્ટિથી જુઓ તો જ જગતનું - જીવનનું સત્ય સમજાય. પરંતુ દરેક વ્યક્તિ દ્રષ્ટિને છોડીને (અલગ કરીને) તથ્ય જોઈ શકતો નથી.
In every act of Perception, the perceiver is involved.
In every act to Observation, the observer is involved.
કોઈપણ જ્ઞાન વ્યક્તિની દ્રષ્ટિ (ભાવ)થી મુક્ત હોતું નથી. જાણવામાં જાણનારો સમાવિષ્ટ થઇ જાય છે. આપણે જે જોઈએ છીએ તેમાં આપણી આંખની (દ્રષ્ટિની) છાપ પડી જાય છે અને પછી તેમાં આપણે આપણી પોતાની વ્યાખ્યા ઉમેરીએ છીએ તેથી નિર્ભેળ સત્ય પકડાતું નથી. વ્યાખ્યારહિત નિરીક્ષણ અસંભવિત બની જાય છે. આપણે જગતને - જીવનને નિર્ભેળ, નિર્દોષ, નિષ્પક્ષપાતી (અનસૂય) - નિર્લેપ દ્રષ્ટિથી જોતા નથી. તેથી જગતનું - જીવનનું સત્ય સમજાતું નથી. તમે એક વૃક્ષ જુઓ તો તેમાં તમારી દેખવાની ક્ષમતા - વ્યાખ્યા - મનોભાવ - મન:સ્થિતિ બધું સંમિલિત થઇ જાય છે. દુઃખી મન:સ્થિતિમાં સુંદર વસ્તુ પણ કુરૂપ દેખાય અને Vice versa. જગત સારું પણ છે અને ખરાબ પણ છે જગત સારું પણ નથી અને ખરાબ પણ નથી. જગત કેવું છે તેનું ખરું સત્ય જાણવું હોય તો તટસ્થ દ્રષ્ટિથી જુઓ તો આખું જગત તમને ભગવદ્સ્વરૂપે દેખાશે જેમાં સારું ખરાબ બધાંયનો સમન્વય છે. બંગલામાં રસોડું અને જાજરૂ બંને છે. તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસો. બંને જરૂરી છે.
દોષરહિત દ્રષ્ટિ તે ભક્તનું મુખ્ય લક્ષણ છે. (અનસૂયવે) જ્યાં સુધી બુદ્ધિ તર્ક લડાવે ત્યાં સુધી દોષદૃષ્ટિ રહેવાની. દોષરહિત દ્રષ્ટિ માટે શ્રદ્ધા મુખ્ય છે અને શ્રદ્ધાવાનને જ જ્ઞાન વિજ્ઞાન સહિતનું ગુહ્યતમ સત્ય કહેવાય
નરસિંહ - જલારામ - સગાળશાની માફક જે બુદ્ધિને પરમાત્માના ચરણમાં ગીરો મૂકે તેને જ અને તો જ સત્ય સમજાય. સાચાને જૂઠું અને જૂઠાને સાચું ઠરાવવા બુદ્ધિ - તર્ક લડાવવા પડે; પરંતુ ખરેખર શું સાચું છે તે જાણવા માટે હૃદયથી (બુદ્ધિ - તર્કથી નહિ) ખરા નિષ્કપટ હૃદયથી સવાલ ઉઠાવવો પડે અને જે સવાલનો જવાબ હૃદયથી આવે તેને સંદેહ નહીં પરંતુ સત્સંગ કહેવાય.
બુદ્ધિનો પડદો હટી જાય ત્યારે જ હૃદય સત્ય તરફ ઉન્મુખ થાય. જયારે અંદર મન બદલાય ત્યારે બહાર શરીરના કણેકણ બદલાઈ જાય. કારણ કે શરીર તે મનની છાયામાત્ર છે. શરીર જે કાંઈ છે તે મનનું પ્રતિકૂલન (reflection) છે. નકારાત્મક મન બુદ્ધિ અને તર્ક લડાવે, જયારે વિધેયાત્મક મન હૃદયથી સમજવા પ્રત્યન કરે.
આઠ અધ્યાય સુધી અર્જુને બુદ્ધિ - તર્ક લડાવીને અનેક પ્રશ્નો પૂછ્યા. હવે તે પાત્ર થયો છે. તેથી તેને (અનસૂયવે) પરમાત્મા જ્ઞાન - વિજ્ઞાન (secret) સહિતનું ગુહ્યતમ (most secret) કહેવા તત્પર થયા છે.
નકારાત્મક દ્રષ્ટિ હંમેશા વિશ્લેષણ - analysis માંગે છે. એટલે કે ફૂલમાં સૌંદર્ય જોવા માટે ફૂલના ટુકડા કરીને ખોળે છે. પરંતુ ફૂલનું સૌંદર્ય ફૂલની પૂર્ણતામાં - સમગ્રતામાં - Totality માં છે. તેને તોડવાથી તેની અખંડતા અને સૌંદર્ય નષ્ટ થાય છે. પરમાત્મા પરિપૂર્ણ - અખંડ સમગ્રતામાં છે. તે Total/absolute existence સંપૂર્ણ અસ્તિત્વ છે - તેને લેબોરેટરીમાં ઇન્દ્રિયો - બુદ્ધિ - તર્ક દ્વારા જોવા અને સાબિત કરવા જશો તો તે નહીં બને - પ્રેમ શું છે તે જાણવું હોય તો લેબોરેટરીમાં તેના ટુકડા કરવાથી ના જણાય - કારણ કે પ્રેમ કોઈ વસ્તુગત નથી. તેવી જ રીતે પરમાત્મા કોઈ વસ્તુગત નથી.
Positive દ્રષ્ટિ તે જીવનને તોડીને નહીં પરંતુ જીવનને જોડીને જોવાની દ્રષ્ટિ છે. જેની દોષદૃષ્ટિ નષ્ટ થઇ ગઈ છે તે ભક્ત કહેવાય અને તે જીવનને નકારાત્મક ઢંગથી - દ્રષ્ટિથી નહીં પરંતુ વિધાયક દ્રષ્ટિથી જુએ છે. ભક્તનો અર્થ જે જોડે - વિભક્તનો અર્થ જે તોડે. જ્યાં સુધી બુદ્ધિની દોડધામ બંધ ના થાય ત્યાં સુધી ભક્તિનો ઉદય ના થાય. ભક્ત મૂર્ખ ના હોય અને મૂર્ખ હોય તે ભક્ત ના થઇ શકે. ભક્તમાં બુદ્ધિ તો ઘણી જ હોય પરંતુ તે તેણે પરમાત્માના ચરણમાં ગીરો મુકેલી હોય - સમર્પિત કરેલી હોય - તે અનન્ય શરણાગતિ. Total Submissions = Absolute resignation to God કહેવાય. ભક્તની સામે પુસ્તકો - બુદ્ધિ બધું બેકાર છે. ભક્તનું ચિત્ત નિષ્પ્રશ્ન હોય છે. સંશય રહિત હોય છે. ભક્તિ નપુંસક નથી. તેમાં શ્રદ્ધા જન્મે છે. બુદ્ધિની અસમર્થતામાં શ્રદ્ધા જન્મે છે. બુદ્ધિના મરઘટ ઉપર શ્રદ્ધાના બીજ અંકુરિત થાય છે.
આઠ અધ્યાય સાંભળ્યા પછી હવે અર્જુનની ખોજ પિપાસા બની ગઈ છે. હવે તેની ખોજ intellectual inquiry નથી. પરંતુ હૃદયની અભીપ્સા છે. જ્યાં સુધી હૃદયમાં ભક્તિભાવ પેદા ના થાય ત્યાં સુધી જ્ઞાન ખતરનાક છે - ગોપનીય છે. ભક્તિ વગરનું જ્ઞાન હિરોશિમા - નાગાસાકી જેવી દશા કરે. ઓપેનહેમર અને આઇન્સ્ટાઇનની અંતિમ ક્ષણો પશ્ચાતાપપૂર્ણ - અપરાધપૂર્ણ Full of guilt આત્મઘાતી સિદ્ધ થઇ. તેમનું જ્ઞાન હિતકારીને બદલે ખતરનાક નીવડ્યું.