વળી બધા ભૂતો મારામાં રહેલા નથી (એમ પણ કહેવાય) મારુ ઐશ્વર્યયુક્ત યોગબળ તું જો! ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. (૫)
ભાવાર્થ:
આ શ્લોકો અતકર્ય છે. Illogical છે. તર્કથી નહીં સમજાય. આ ગણિતથી પણ નહીં સમજાય. આ એક એવું રહસ્ય (secret) છે જેને જેટલું વધારે ખોળો તેટલું વધારે રહસ્યપૂર્ણ બનતું જાય. મેગ્નેટ દેખાય પરંતુ મેગ્નેટિઝમ ના દેખાય. લોહચુંબક દેખાય. ટાંકણીઓ ઉભી થતી દેખાય પરંતુ ચુંબકીય શક્તિ અદ્રશ્ય રહે. દરેક પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિનો એકે એક અણુ પરમાણુ એકબીજાને સખત આકર્ષણ શક્તિથી જોડાઈ રહ્યો છે તેથી આખું જગત ટકી રહ્યું છે. આ આકર્ષણ શક્તિ (પરમાત્મા) અદ્રશ્ય છે. "મયા તતમિદં સર્વં." પદાર્થના બે અણુઓ એકબીજા સાથે આપસમાં ચોંટી ના રહે તો અસ્તિત્વ વિખરાઈ જાય, બે શરીર આપસમાં ના આકર્ષાય તો જીવન વિખરાઈ જાય. બે મન આપસમાં ના ખેંચાય તો સૃષ્ટિનું સૌંદ્રય વિખરાઈ જાય. બે આત્માઓ આપસમાં ઐક્ય ના અનુભવે તો પરમાત્માના અસ્તિત્વની સાબિતી ના રહે.
દેહનું દેહ પ્રત્યેનું આકર્ષણ તેનું નામ મોહ (Lust).
મનનું મન પ્રત્યેનું આકર્ષણ તેનું નામ પ્રેમ (Love).
આત્માનું આત્મા (પરમાત્મા) પ્રત્યેનું આકર્ષણ તેનું નામ ભક્તિ (Devotion).
આ અદ્રશ્ય આકર્ષણ શક્તિ તેનું નામ પરમાત્મા.
મયા તતમિદં સર્વં જગદવ્યક્ત મૂર્તિના. પદાર્થ એક બીજાને ખેંચે છે. તેથી અસ્તિત્વ સંગઠિત છે. - Organized છે. શ્રદ્ધાયુક્ત છે ઈશ્વર ક્યાં છે એમ પૂછવાને બદલે શ્રદ્ધા ક્યાં છે એમ પૂછો. કારણકે શ્રદ્ધા ના હોય તો ઈશ્વરનો કોઈ અનુભવ નહીં થાય. દરકે આકર્ષણ સૃજનાત્મક creative છે અને વિકર્ષણ destructive છે.
આ બે શ્લોકોમાં પરમાત્મા સાત વાતો કહે છે. દેખીતી રીતે બધી વાતો વિરોધાભાસી દેખાય છે.
(૧) મયા તતમિદં સર્વં જગદવ્યક્ત મૂર્તિના
આ આખું જગત મારા અસલ અવ્યક્ત સ્વરૂપથી બરફમાં રહેલા જળની માફક - સાકાર બરફમાં રહેલા નિરાકાર જળની માફક - પરિપૂર્ણ રીતે વ્યાપ્ત છે.
(૨) મત્ સ્થાનિ સર્વ ભૂતાનિ
તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ, ભૂત પ્રાણીમાત્ર - All becoming મારા અંતર્ગત સંકલ્પના આધારે સ્થિત છે - તમામ ભૂત મારામાં છે એટલે કે મારા આધાર પર ટકી રહ્યા છે જેવી રીતે માટી (કારણ) ના આધારે ઘડો (કાર્ય) ટકી રહ્યું છે. બધું સમાવી શકે તે વ્યાપક. બધામાં સમાઈ શકે તે વ્યાપ્ત. તડકાના ટોપલા ના ભરાય. આકાશને ગલેફ ના ચઢાવાય.
(૩) નતુઅહં તેષુ અવસ્થિત:
એટલા માટે વાસ્તવમાં હું તેમનામાં સ્થિત નથી એટલે કે તેમના આધારે હું નથી. ઘડાના (કાર્યના) આધારે માટી (કારણ) નથી. ઘડો ના હોય તો પણ માટી હોય. જગત ના હોય તો પણ પરમાત્મા હોય. મોજા ના હોય તો પણ સમુદ્ર હોય. બરફ (સાકાર - કાર્ય) ના હોય તો પણ પાણી (નિરાકાર - કારણ) હોય.
(૪) ન ચ મત્ સ્થાનિ ભૂતાનિ
અને વળી તે બધા ભૂત પ્રાણી પદાર્થ વસ્તુ વ્યક્તિ માત્ર મારામાં સ્થિત નથી. કારણની અપેક્ષાએ (માટી - પાણી - સમુદ્ર - પરમાત્માની અપેક્ષાએ) કાર્યનું (ઘડો - બરફ - મોજા - જગતનું) અસ્તિત્વ નથી.
નિરાકાર માટી(કારણ)નું સાકારરૂપ ઘડો (કાર્ય) છે.
નિરાકાર પાણી(કારણ)નું સાકારરૂપ બરફ (કાર્ય) છે.
નિરાકાર સમુદ્ર(કારણ)નું સાકારરૂપ મોજા (કાર્ય) છે.
નિરાકાર પરમાત્મા(કારણ)નું સાકાર રૂપ જગત (કાર્ય) છે.
સાકાર (કાર્ય)મા નિરાકાર (કારણ) સંપૂર્ણરુપે વ્યાપ્ત છે, તત છે, પરંતુ નિરાકાર (કારણ) સાકાર (કાર્ય)થી તદ્દન સ્વતંત્ર છે. - અલગ છે. સાકાર (કાર્ય)ની absenceમાં પણ - અનુપસ્થિતિમાં પણ - તે ના હોય તો પણ - નિરાકાર (કારણ)નું અસ્તિત્વ મટી જતું નથી. રૂપ અને આકાર કોઈ વસ્તુ નથી હોતી. માટીની અપેક્ષાથી દેખીએ તો માટી જ માટી છે - ઘડો છે જ નહીં. એ જ પ્રમાણે કારણરૂપ પરમાત્માની અપેક્ષાથી જોઈએ તો કારણરૂપ પરમાત્માથી અતિરિક્ત બ્રહ્માંડરૂપ કાર્યનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. બ્રહ્મ જ સત્ય છે. પદાર્થ માત્ર (બુશકોટ વગેરે) મિથ્યા છે. પદાર્થમાત્રની વ્યવહારિક સત્તા છે.
(૫) પશ્ય મે યોગમ્ ઐશ્વરમ્
આ મારો ઈશ્વરીય યોગ જુઓ - જયારે મૂળ કારણની દ્રષ્ટિથી જોઈએ તો માત્ર પરમાત્મારૂપ કારણનું જ અસ્તિત્વ શેષ રહી જાય છે. અને કાર્યરૂપ જગતનું અસ્તિત્વ તે કારણરૂપ પરમાત્માના અસ્તિત્વ સિવાય કાંઈપણ શેષ જ નથી રહેતું. તો આ એક અપૂર્વ વસ્તુ થઇ જાય છે એટલા માટે તેને "ઈશ્વરીય યોગ” કહે છે. કાર્યરૂપ જગતમાં કારણ રૂપ પરમાત્માને જોવા, વ્યક્તમાં અવ્યક્તને જોવું, સ્થૂળમાં સૂક્ષ્મને જોવું, સાકરમાં નિરાકારને જોવું, જડમાં ચેતનને જોવું, સગુણમાં નિર્ગુણને જોવું, વિકારીમાં નિર્વિકારને જોવું, તેને "ઈશ્વરીય યોગ" થયો કહેવાય.
"વિનશ્યત્સુ અવિનશ્યન્તમ ય: પશ્યતિ સ: પશ્યતિ || (ગીતા ૧૩/૨૭)
(૬) ભૂતભૃત્ ન ચ ભૂતસ્થ:
અસક્તમ્ સર્વભૂત્ ચૈવ || (ગીતા ૧૩/૧૪)
તમામ ભૂતપ્રાણીમાત્રને ધારણ કરનાર હું છું. પેદા કરનાર - ધારણ કરનાર અને વિલીન કરનાર હું છું. હું જગતનું નિમિત્ત કારણ છું અને ઉપાદન કારણ પણ હું જ છું.
યથોર્ણનાભિઃ સૃજતે ગ્રહણતે ચ, યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવન્તિ |
યથા સત: પુરુષાત કેશલોમાનિ, તથાક્ષરાત સંભવતિ ઇહ વિશ્વમ્ ||
યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે, યેન જાતાનિ જીવન્તિ |
યત પ્રયાન્તિ અભિસંવિશન્તિ, તદ વિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ ઇતિ ||
ન ચ ભૂતસ્થ : આટલું હોવા છતાં હું ભૂતોમાં નથી રહેતો એટલે કે હું ભૂતોના આધાર પર નથી રહેતો. એટલા માટે હું અલિપ્ત છું. હું જગતનું અધિષ્ઠાન છું. તેથી જગતમાં જે કાંઈ વિકારો (change of form) છે અગર ફેરફારો દેખાય છે. તથા જગતના તમામ પ્રાણીપદાર્થ ભૂતમાત્રના જે કાંઈ ગુણ દોષો છે અગર તો મળ - વિક્ષેપ - આવરણો છે તે તમામથી હું પર છું. એટલે કે હું આકાશની માફક અલિપ્ત છું.
(૭) મમાત્મા ભૂતભાવન
રજ્જુમાં સર્પનો જેમ ભાસ થાય છે તેવી રીતે પરમાત્મામાં જગતનો માત્ર ભાસ થાય છે. જગત પરમાત્માનો આભાસ છે - વિવર્ત છે. પરમાત્માથી પેદા થયેલી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી.
"પરમાત્મા (રામ) અતકર્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહિં સયાની."
પરમાત્મા કહે છે - તું સમજવાથી સમજી શકે તેવો હું નથી, તું જાણવાથી જાણી શકે તેવો હું નથી. તું ઓળખવાથી મને ઓળખી શકે તેવો પણ હું નથી. તું જાણવાનું છોડ, સમજવાનું છોડ, ઓળખવાનું છોડ, તું ગણિત છોડ, તર્ક છોડ તો જ તું મને જાણી શકીશ કારણ કે હું અતકર્ય છું.
અતકર્યનો અર્થ છે - હું રહસ્ય છું. રહસ્યનો અર્થ છે - કોઈપણ સિદ્ધાંત - કોઈપણ નિયમ મને ઘેરી નહીં શકે. હું પારા જેવો છું. તું તર્કની મુઠ્ઠીમાં મને બાંધવા જઈશ તો હું વિખરાઈ જઈને બહાર છટકી જઈશ. બુદ્ધિ જયારે જીવનના સત્યને પકડવા જાય છે કે તુરત જ સત્ય છટકી જાય છે - હું તને એ જ બતાવવા માંગુ છું કે "હું છું". આ જે કાંઈ તને દેખાય છે તેમાં હું, દેખાય એવી રીતે, છુપાયેલો છું. આ આખું જગત મારામાં સ્થિત છે. અને તેમાં બધામાં હું છું અને છતાં તને કહું છું કે આ જગત પણ મારામાં નથી અને છતાં ફરીથી હું કહું છું કે આ જગતમાં કણેકણમાં હું સમાયેલો છું - વ્યાપ્ત છું.