આ જ્ઞાન (બધી) વિદ્યાઓનો રાજા, (બધા) રહસ્યોનો રાજા, સૌથી શ્રેષ્ઠ પવિત્ર, શ્રેષ્ઠ ધર્મયુક્ત, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું, આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે. (૨)
ભાવાર્થ:
રાજવિદ્યા એટલે સમસ્ત વિદ્યાઓમાં શ્રેષ્ઠ. આ જ્ઞાન સનાતન (અવ્યય) છે તેથી આ જ્ઞાનથી યુક્ત થનાર પણ અવિનાશી (સનાતન) થઇ જાય. આ જ્ઞાન (સુસુખમ) ઘણું જ સુગમ છે જે અભ્યાસ Practice કરે તેને માટે. માત્ર વાંચીને - સાંભળીને બેસી રહે તેને માટે તો દુર્ગમ છે. કળિયુગમાં ભક્તિ સુગમ સાધન છે. પરંતુ તેને માટેની પાત્રતા એટલે પવિત્ર હૃદય હોય તો જ - નહીં તો ભક્તિ પણ સુગમ સાધના નથી. સુસુખમ્ (ઘણું જ સરળ) છે તેનો અર્થ કશું જ ના કરવું પડે તેવો નથી. તેને માટે હૃદયની પવિત્રતા - પાત્રતા કેળવવા ઘણું બધું કરવું પડે. આ કાંઈ Sudden Enlightement નથી. પરંતુ gradual enlightement છે. પાણી ૯૯ ડિગ્રી સુધી ગરમ થઇને પાછું વળે તો ઠંડુ પડી જાય. ૧૦૦ ડિગ્રી ઉપર છલાંગ મારે તો જ કામનું - તો જ વરાળ થાય, (રૂપાંતરણ Transformation થાય). એક પણ ડિગ્રી ઓછી હોય તો બધું બેકાર. ભક્ત હૃદય ૧૦૦ ડિગ્રી ઉપર ઉકળતું વ્યક્તિત્વ છે. માટે રાતોરાત ભક્ત થઇ જવાતું નથી. ૧૦૦ ડિગ્રી પહોંચતા વાર લાગે. પછી તો એક ક્ષણના ૧૦૦માં ભાગમાં છલાંગ મારી શકાય. તેમાં કોઈ શોર્ટ કટ નથી. અડધા કલાકમાં મોક્ષ ના મળે. મળે તો ક્ષણના ૧૦૦માં ભાગમાં મળે. પરંતુ ત્યાં સુધી પહોંચતા હજારો જન્મ લેવા પડે.
પ્રત્યક્ષાવગમમ્ - પ્રત્યક્ષ ફળ આપવાવાળું. જીવનમાં અનુભવથી વિશેષ કોઈ સુગમતા નથી. આ જ્ઞાન માત્ર અનુભવ - પ્રતીતિ - પોતાનાથી પોતાનો સાક્ષાત્કાર કરાવનારું છે. પરંતુ તે જો જીવનમાં વણાય તો, ઉતરે તો - માત્ર સાંભળવાથી, વાંચવાથી, અને તોતા રટણથી નહીં.