તો પછી પવિત્ર બ્રાહ્મણો, ભક્તો તથા રાજર્ષિઓ પરમ ગતિ પામે એમાં કહેવું જ શું? માટે અનિત્ય અને સુખરહિત આ લોકને પામી તું મને ભજ. (૩૩)
ભાવાર્થ:
ઉપરોક્ત અત્યંત દુરાચારી અને ચાંડાલ વગેરે પાપ યોનિના જીવોને પણ જો ભક્તિ દ્વારા પરમગતિ મળે છે તો પછી (કિં પુન:) પુણ્યશીલ બ્રાહ્મણો અને ભક્ત રાજર્ષિઓને તો જરૂર મળે.
અનિત્યમ્ - અસુખમ્ લોકમ્ આ મનુષ્યલોક - પૃથ્વીલોક અનિત્ય છે અને પાછું અસુખમ્ છે એટલે કે તેમાં સુખની છાંટ પણ નથી. મનુષ્ય જન્મ દુર્લભ હોવા છતાં ભગવદ્ અનુગ્રહથી ભગવદ્પ્રાપ્તિ માટે જ મળ્યો છે. આ લોકમાં ઇન્દ્રિયજન્ય સુખો પાછળ ફાંફા મારવા જતા મુખ્ય લાભ ગુમાવી બેસશો. આ લોકમાં કોઈ પણ પદાર્થમાં સુખ છે જ નહીં - માત્ર સુખનો આભાસ છે, ભ્રાંતિ છે - બાકી ખરેખર તો આ સંસાર દુઃખાલયમ - અશાશ્વતમ છે.
એક ભક્ત કવિ ઋષિરાજે ઘેર ઘેર ફરીને સુખિયા અને દુખીયાઓની વસ્તી ગણતરી (census) કરેલી છે.
તેમાં તેમને માલુમ પડયું કે માત્ર સંતો જ સુખી છે બીજા બધા જ આ જગતમાં દુઃખી છે.
સદા સુખીયા જગતમાં સંત, દુરિજન દુખીયા રે
ના'વે અકળામણનો અંત, મુરખમાં મુખિયા રે
રાત દિવસ રૂવે સહુ રાંક ભૂખે મન ભટકે રે
વડો પૂર્વજન્મનો વાંક, ખરેખરો ખટકે રે
તાલેવંતને અંતરત્રાસ ઝંખના છે ધનની રે
રખે થઇ જાશે ધનનો નાશ મહાવ્યાધિ મનની રે
સુવાસણને ધણીનો સંતાપ, હુકમ કરે હાળી રે
વિધવાના પુરણ પાપ ઉંમર ઓશિયાળી રે
પુત્રવંતીઓ ચૂંટે પેટ છકી ગયા છૈયા રે
કરું ક્યાં લગી તારી વેઠ કાળા મોંના કહીયા રે
જેની રહી છે કુંવારી કૂખ એ તો ઢાળે આંસુ રે
દા'ડી સંભારે દારુણ દુઃખ જનમ ગયો ફાંસુ રે
વણપરણેલા મનમાં મૂંઝાય, ફોગટ જેવા ફરીયે રે
પરણેલા પુરણ પસ્તાય, હવે શું કરીએ રે
કુળવાન કરે કકળાટ દેવા માંહી ડૂબ્યા રે
આઠે પહોર અખંડ ઉચાટ, ભજન એથી ભૂલ્યા રે
ઓછા કુળવાળા અકળાય વધી પડ્યા વાંઢા રે
પ્રભુ સરજાવ્યાં શીદને આંહય ન સરજાવ્યા ઢાંઢા રે
ડાહ્યાનાં દિલ દા'ડી દુભાય ભોગે થયા ડાહ્યા રે
ઘડી જંપ્યા નહીં ઘરમાંય કર્યા લોકે કાહ્યા રે
મૂરખ મનમાંહી મૂંઝાય પશુ જેવા પાક્યા રે
ખૂણે જઈને નિસાસા ખાય ઝૂરી ઝૂરી થાક્યા રે
ભણેલાને જડે નહીં ભેદ ગયું સુખ છેટે રે
વાંચી વાંચી ઉથામ્યા વેદ જાણ્યું બ્રહ્મ ભેટે રે
દયાવંતને અંતરે દાઝ દુખે ભરે ડગલું રે
ભરતે છોડ્યું આખું રાજ તો યે થયા મૃગલું રે
મહાદુઃખ ધરે મહીપાલ ઘણા વેરી ગાજે રે
ઝેર દીધાની અંતરે ફાળ દા'ડી દિલ દાઝે રે
રાણીઓને તો નહીં સુખ લેશ, સોકલડીયો સાળે રે
કાળજેથી મટે નહીં ક્લેશ બઁધીખાને ઝૂરે રે
ભોગ લાગ્યા રે લીધો ભેખ બોલે એવું બાવા રે
લાધ્યો અજ્ઞાનમાં આનંદ તેથી થયા આવા રે
જોગી થઈને સાધે વન જોગ, સિદ્ધિઓને સારું રે
વાધે અંતરવાસના રોગ, વડુ દુઃખ વારુ રે
દેવલોકમાં વળીયો દાટ જરાયે ના ઝંપ્યા રે
ઇન્દ્રને આઠે પહોર ઉચાટ ત્રાસે જોઈ તપીયા રે
જેને પરપંચ ઉપર પ્રીત એને દુઃખ દરીયા રે
સત્યમાર્ગની સમજે રીત સુખે એ તો ઠરીયા રે
શ્રીમદ્ ભાગવતમાં કહે છે કે -
લબ્ધ્વા સુદુર્લભમિદં બહુ સંભવાન્તે
માનુષ્યમર્થદમનિત્યમપીહ ધીરઃ ।
તૂર્ણં યતેત ન પતેદનુમૃત્યુ યાવત્
ન્નિઃશ્રેયસાય વિષયઃ ખલુ સર્વતઃ સ્યાત્ ॥
(શ્રીમદ્ ભાગવત - ૧૧/૯/૨૯)
નૃદેહમાદ્યં સુલભં સદુર્લભં
પ્લવં સુકલ્પં ગુરુકર્ણધારમ્।
મયાનુકૂલેને નભસ્વતેરીતમ્
પુમાન્ ભવાબ્ધિન્ન તરેતે સ આત્મહા ||
(શ્રીમદ્ ભાગવત - ૧૧/૨૦/૧૭)
ઇદં શરીરં શતસન્ધિ જર્જરં
પતત્ય અવશ્યં પરિણામ પેશલમ્
કિં ઔષધં પૃચ્છસિ મૂઢ દુર્મતે
નિરામયં રામરસાયનં પિબ॥