હું સર્વ ભૂતોમાં સમાન છું. મારો (કોઈ) દ્વેષ - પાત્ર નથી કે પ્રિય નથી; તો પણ જેઓ મને ભક્તિથી ભજે છે, તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું. (૨૯)
ભાવાર્થ:
કીટ પતંગથી માંડીને બ્રહ્મા સુધી તેમ જ તમામ જડ, ચેતન પ્રાણી - પદાર્થ વસ્તુ, વ્યક્તિમાં અંતર્યામી રૂપે પરમાત્મા સમભાવથી વ્યાપ્ત છે તેથી તેમનામાં કોઈની પણ પ્રત્યે કદાપિ રાગ - દ્વેષ અગર પ્રિય - અપ્રિય ભાવ હોય જ નહીં, પરંતુ જે ભક્તો વિશુદ્ધ અંતઃકરણથી મારી ભક્તિ કરે છે, તેમનામાં હું વિશેષ રૂપે દેખાતો હોઉં છું અને તેઓ પણ મારામાં વિશેષરૂપે તન્મયતા અનુભવતા હોય છે. જેવી રીતે સૂર્યનારાયણ કોઈ પણ રાગદ્વેષ, પ્રિય - અપ્રિયતાનો ભાવ રાખ્યા સિવાય તમામ પ્રાણી, પદાર્થને સમભાવથી પ્રકાશિત કરે છે, તેમ છતાં દર્પણ વગેરે સ્વચ્છ પદાર્થોમાં વિશેષ રૂપે પ્રતિબિંબિત થાય છે. તથાપિ સૂર્યનારાયણમાં કોઈ વિષમતા હોતી નથી, તેવી જ રીતે શુદ્ધ અંતઃકરણવાળા ભક્તોના હૃદયમાં પરમાત્મા વિશેષ રૂપે પ્રગટ થાય છે. જયારે મલિન અંતઃકરણમાં પ્રગટ દેખાતા નથી તેથી કરીને પરમાત્મામાં કોઈ વિષમતા નથી, પરંતુ તેમાં ભક્તિનો મહિમા રહેલો છે.
જેમ કોઈ ડોક્ટર એક દર્દીને આખો બાટલો ભરીને દવા આપે છતાં એક જ રૂપિયો ફી લે, જયારે બીજા દર્દીને નાની શીશીમાં દવા આપે અને પચીસ રૂપિયા ફી લે તો તેમાં આપણી દ્રષ્ટિમાં આપણી અણસમજને લીધે ડોકટરનો દર્દીઓ પ્રત્યેના વ્યવહારમાં વિષમતા દેખાય, પરંતુ ડોક્ટરનો તો બંને દર્દીઓ પ્રત્યે સમભાવ જ હોય છે. એક દર્દીને માત્ર દહીં સિવાય બીજું કાંઈપણ નહીં ખાવાની સલાહ આપે અને બીજા દર્દીને બિલકુલ દહીં નહીં ખાવાની સલાહ આપે તેમાં ડોક્ટર બંને દર્દીઓની નાડી તપાસીને સલાહ આપતા હોય છે, તેમાં વિષમ ભાવ જરા પણ હોતો નથી. તેવી જ રીતે પરમાત્માના હાથમાં દરેક જીવાત્માની નાડી હોય છે અને દરેક જીવની નાડ તપાસીને તે પ્રમાણે તેના કલ્યાણ માટે તેને સુખ-દુઃખ આપતા હોય છે, તેમાં પરમાત્માનો વિષમભાવ હોતો નથી.
જેવી રીતે અગ્નિના સાન્નિધ્યમાં ઊભેલાને ટાઢ મટી જાય છે અને દૂર ઊભેલાને ટાઢ મટતી નથી, તેમાં અગ્નિનો કોઈ પ્રત્યે અનુગ્રહ કે પક્ષપાત હોતો નથી અને વળી અગ્નિ ખુદ પોતે પોતાની મેળે કોઈની નજીક જઈને કોઈની ટાઢ ઉડાડે અગર તો કોઈનાથી આઘો જતો રહીને કોઈને ટાઢે મરવા દે તેવો કોઈ રાગદ્વેષ અગ્નિમાં હોતો નથી, પરંતુ દરેક પ્રત્યે સમભાવ હોય છે, તેવી જ રીતે પરમાત્મામાં પણ સમભાવ હોય છે.
એક બાપને બે દીકરા હોય તેમાં મોટો દીકરો નાના દીકરાને દુઃખી કરે તો બાપ નાના દીકરાનું ઉપરાણું લે છે અને નાનો દીકરો મોટા દીકરાને દુઃખી કરે તો બાપ મોટા દીકરાનો પક્ષ લે છે, છતાં પણ બાપનું વાત્સલ્ય બંને દીકરાઓ પ્રત્યે સમભાવવાળું જ હોય છે. તેવી જ રીતે પરમાત્મા કોઈ વખત દેવોનો પક્ષ લઈને દાનવોને હરાવતા દેખાય છે, તો કોઈ વખત તે દાનવોનો પણ પક્ષ લેતા હોય છે. છતાં દેવો અને દાનવો બંને પ્રત્યે પરમાત્માનો સમભાવ હોય છે.
માનસ રામાયણ ઉત્તરકાંડમાં ભગવાન કહે છે -
મમ માયા સંભવ સંસારા | જીવ ચરાચર વિવિધ પ્રકારા ||
સબ મમ પ્રિય સબ મમ ઉપજાએ | સબ તે અધિક મનુજ મોહિ ભાઍ ||
તિન્હ તે પુનિ મોહિ પ્રિય નિજ દાસા | જેહિ ગતિ મોરી ન દૂસરી આસા ||
ભગતિવંત અતિ નીચઉ પ્રાણી | મોહિ પ્રાણપ્રિય અસિ મમ બાનિ ||
એક પિતા કે વિપુલ કુમારા | હોહિ પૃથક ગુણ શીલ અચારા ||
કોઉ પંડિત કોઉ તાપસ ગ્યાતા | કોઉ ધનવંત સુર કોઉ દાતા ||
કોઉ પિતુ ભગત બચન મનકર્મા | સપનેહુ જાન ન દૂસર ધર્મા ||
સો સુત પ્રિય પિતુ પ્રાન સમાના | જદ્યપિ સો સબ ભાંતી અયાના ||
અખિલ વિશ્વ યહ મોર ઉપાયા | સબ પર મોહિ બરાબરી દયા ||
તિન્હ મહ જો પરિહરિ મદ માયા | ભજૈ મોહિ મન બચ અરુ કાયા ||
પુરુષ નપુંસક નારી વા, જીવ ચરાચર કોઈ |
સર્વભાવ ભજ કપટ તજી, મોહિ પરમ પ્રિય સોઈ || (દોહા - ૮૭ ક)
પરમાત્માની કૃપા તો સદા સર્વદા સતત બધાયની ઉપર સમભાવથી વરસતી હોય છે. પરંતુ જેનું તગારું ઊંધું મૂકેલું છે તે આ કૃપાવર્ષાને ઝીલી શકતા નથી - તેમાં પરમાત્મામાં કોઈ વિષમતા નથી. વિષમતા તગારું ઊંધું રાખનારની છે. પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેનો અર્થ બે વ્યકતિ સામસામે ઉભા રહે તેવી જાતનો નહીં પરંતુ બે દર્પણો સામસામે ગોઠવ્યા હોય તો બંને દર્પણોમાં સામેનું દર્પણ અનંત અનંત દેખાય તેમ વ્યક્તિની ચેતના પરમાત્માની સન્મુખ થાય તો બંનેમાં પરમાત્માની ચેતનાના અનંત રૂપો પ્રગટ થાય. પરમાત્મા અનન્ત છે.