આ જગતનો પિતા, માતા, ધાતા (કર્મફળ આપનાર) અને પિતામહ હું છું; જાણવા યોગ્ય, પવિત્ર ૐકાર, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. (૧૭)
ભાવાર્થ:
ધાતા એટલે ધારણ કારણ. જે ધારણ કરે તે ધર્મ. ધારયતિ ઇતિ ધર્મ: ધર્મ શબ્દનો ખરો અર્થ Religion નથી. મઝહબ પણ નથી. મઝહબનો અર્થ છે પંથ, sect, સંપ્રદાય. Religion શબ્દનો મૌલિક અર્થ છે રિલીગેર - જેનાથી આપણે બંધાયા છીએ. ભારતીય શાસ્ત્રો ધર્મને એક બંધન નથી માનતા, પરંતુ એક મુક્તિ માને છે. ધર્મ એક ગ્રંથિ નથી, જેનાથી આપણે બંધાયા છીએ, પરંતુ ધર્મ એક સ્વતંત્રતા છે જેમાં આપણે મુક્ત થઇ શકીએ. જેવી રીતે ઝાડના મૂળિયાં જમીનમાં ફેલાયેલા છે, છતાં જમીન ઝાડનું બંધન નથી. પરંતુ ઝાડ જમીન ઉપર ખડું છે. મૂળિયાં અને જમીન વચ્ચે પ્રાણનો સંબંધ છે. જમીનને બંધન માનીને જો ઝાડ તે બંધનમાંથી મુક્ત થવા કોશિશ કરે તો તે હેઠું જ પડે - મરે. મૂળિયાં બંધન નથી. મૂળિયાં તો ઝાડનો પ્રાણ છે અને પૃથ્વીએ ઝાડને બાંધ્યું નથી, પરંતુ ઝાડને જીવન આપ્યું છે. મૂળિયાં ઝાડના દુશ્મન નથી. ઝાડને ઊંચે જવા માટે તે રુકાવટ નથી કરતા, પરંતુ સહયોગી મદદકર્તા છે. જમીન જેમ ઝાડને ધારણ કરે છે તેમ ધર્મ (પરમાત્મા) સમષ્ટિ - જગતને ધારણ કરે છે. માટે તે પરમાત્મા ધાતા - ધારણ કરનાર છે. ઝાડ ધારે તો પણ તે જમીનથી અલગ થઇ શકે નહીં. તેમ જગત ધારે તો પણ તે ધર્મથી - પરમાત્માથી અલગ થઇ શકે નહીં. પરમાત્મા આપણા ધાતા - ધારણ કરનાર છે. તેને આપણે ભૂલી શકીએ, પણ દૂર ના થઇ શકીએ. તેનું આપણે વિસ્મરણ કરી શકીએ પરંતુ વિચ્છિન્ન ના થઇ શકીએ. આપણે માત્ર તેને ભૂલી શકીએ પરંતુ ખોઈ નહીં શકીએ. ઝાડ દ્રશ્ય છે. મૂળિયાં અદ્રશ્ય છે. જગત દ્રશ્ય છે. પરમાત્મા અદ્રશ્ય છે. ઝાડ નાસ્તિક થઇ જાય અને મૂળિયાનો ઉપકાર ના માને અગર તો દેખાતા નથી, માટે તેનું અસ્તિત્વ ના સ્વીકારે તો પણ મૂળિયાં (ધાતા) તેને ધારણ કરી રાખે, તેવું જ પરમાત્માનું સમજવું.
આ જગતમાં કોઈ ચીજ isolated નથી. અલગ અલગ નથી. જગત એક શ્રુંખલા છે - કડીઓની જોડ છે. કોઈ ચીજ વિચ્છિન્ન નથી. બધાયની જડ મૂળ પરમાત્મા છે. અગર જો હું અલગ છું તો જીવન એક સંઘર્ષ છે અને જો હું એક છું તો જીવન સમર્પણ છે. તમામ મોજા - લહેર - તરંગ સાગરમાંથી ઉઠે છે, ઉત્પન્ન થાય છે. સાગર જ તેમને ધારણ કરે છે, સ્થિત કરે છે અને અંતે તે સાગરમાં જ લય પામે છે.
પરમાત્માને પ્રાપ્ત કરવાના અનેક માર્ગ છે તેમ પરમાત્માના રૂપ પણ અનેક છે જગતના માતા - પિતા - ધાતા - પિતામહ બધું જ પરમાત્મા છે,
વેદ્યમ્ પવિત્રમ્ ૐ કારમ્
જાણવા યોગ્ય પવિત્ર ૐકાર હું છું. ૐકારનો અનુભવ આ જગતનો આત્યંતિક અંતિમ અનુભવ છે - The absolute ultimate experience. ૐ કારનો અર્થ છે - જે દિવસે વ્યક્તિ પોતાનો વિશ્વની સાથે એકતાનો અનુભવ કરે તે દિવસે જે ધ્વનિ, સંગીત વરસે, તે દિવસે જે મૂળ મંત્રનો ગુંજારવ થાય તે મૂળ મંત્રનું નામ ૐ કાર. આપણને જે સંગીતનો પરિચય છે તે તો સંઘર્ષનું સંગીત છે જે ટકરાહત આહતથી (બે ટકરાવાથી) પેદા થાય છે. ૐકાર અનાહત નાદ છે. આપણે જે બોલીએ છીએ અગર ધ્વનિ પેદા કરીએ છીએ તે એક વ્યાઘાત (disturbance) છે. જયારે બધા વ્યાઘાત શાંત થઇ જાય - બધી તાળીઓ બંધ થઇ જાય - તમામ સંઘર્ષ ખોવાઈ જાય - જયારે આખું જગત વિરાટ શાંતિમાં લીન થઇ જાય ત્યારે પણ, એ સન્નાટામાં પણ, એક ધ્વનિ સંભળાય તે ૐકાર - સન્નાટાનો ધ્વનિ - Voice of Silence - શૂન્યનો સ્વર ૐકાર. ૐકાર એ એક જ ધ્વનિ છે જે પેદા કરાયેલો નથી તેથી તે મિટાવી શકાતો નથી, જે Basic Reality છે. તમે જે બેઠા બેઠા ૐ ૐ બોલો છો તે તો માત્ર ઉચ્ચાર છે. મનના - ચિત્તના બધા શોરગુલ બંધ થઇ જાય, ત્યારે જ આ સૂક્ષ્મતમ ધ્વનિ સંભળાય જે સદાકાળ મોજૂદ છે. આ સમસ્ત અસ્તિત્વનું મૂળ ઉપકરણ તે ધ્વનિ (sound) છે અને વિદ્યુત એ તો ધ્વનિનો એક પ્રકાર છે. મનથી એકે એક ધ્વનિને, એકે એક શબ્દને, એકે એક વિચારને છોડતા જાઓ અને મન જયારે નિર્ધ્વનિ - soundless થઇ જાય, ત્યારે ૐ કાર સંભળાય. આ પરમ ધ્વનિને પહોંચનારા જેટલા શાસ્ત્રો છે તે હું છું.
ઋક - સામ - યજુર્વેદ પણ હું છું. વેદો એટલે પુસ્તક નહીં. વેદનો અર્થ જ્ઞાન. જ્યાં પણ જ્ઞાન હોય તે વેદ. બાઇબલ - કુરાને શરીફ - વગેરેમાં જે જ્ઞાન છે તે પણ વેદ. જરથોસ્ત, મહાવીર, બુદ્ધ, કબીર વગેરે જે કોઈ જ્ઞાનની વાતો કહી ગયા છે અગર તો હવે પછી જે કોઈ જ્ઞાનીઓ જ્ઞાનની વાતો કરશે તે બધું વેદનો જ હિસ્સો કહેવાય. વેદ એક વિકાસમાન જ્ઞાનધારા છે. વેદ કોઈ સીમિત કિતાબ નથી. એટલા માટે વેદનો કોઈ લેખક જ નથી. વેદોના પુસ્તકો ભગવાન લખવા નહોતા બેઠા. વેદ કોઈ એક વ્યક્તિની ચોપડી નથી. જ્ઞાન તો આગળ વહેતુ જ ચાલ્યું જાય છે. જયારે ચોપડી તો છેલ્લે પાને પુરી થઇ જાય છે. વેદોનું છેલ્લું પાનું કદાપિ આવવાનું નથી અને પહેલું પાનું કદાપિ કોઈને જડવાનું નથી. માટે વેદો અનાદિ છે, અનંત છે, બ્રહ્મ સ્વરૂપ છે, શીખોનો પણ વેદ છે - ગુરુગ્રંથ. જ્ઞાન તો ગંગાના જેવી એક ધારા છે.
આ શ્લોકમાં ત્રણ જ વેદોનું પરમાત્મા નામ લે છે. કારણ કે ૧૫ માં શ્લોકમાં ત્રણ પ્રકારના મનુષ્ય બનાવ્યા છે - કર્મમાર્ગી, ભક્તિમાર્ગી, અને જ્ઞાનમાર્ગી. ત્રણ પ્રકારનું મન છે - ત્રણ પ્રકારનું જ્ઞાન છે. પરમાત્મા વિચારપૂર્વક કહે છે કે ત્રણેય વેદો હું છું, એટલે જ હું જ સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે. વેદ એટલે encyclopedia of knowledge. કોઈ નિષ્કામ કર્મથી પોતાનો કર્તાપણાનો અહંકાર છોડીને મને પ્રાપ્ત થાય છે. કોઈ પ્રેમથી પ્રેમીને ડુબાડીને (ભક્તિ ભાવથી) મને પ્રાપ્ત થાય છે. કોઈ જ્ઞાનમાર્ગથી દ્વૈતની પાર જઈને અદ્વૈતમાં એટલે કે મારામાં પ્રવેશ કરી જાય છે.