પરંતુ હે અર્જુન ! મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિઓનો આશ્રય લઇ મને સર્વ ભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે જાણીને અનન્ય મનથી ભજે છે. (૧૩)
ભાવાર્થ
મહાત્માન: એટલે નિષ્કામ અનન્ય પ્રેમી ભગવદ્ભક્ત કે જે ભગવદ્દ પ્રેમમાં સદા સરાબોર રહે અને જે ભગવદ્પ્રાપ્તિ માટે સર્વથા યોગ્ય હોય. દૈવી પ્રકૃતિ એટલે દૈવી સ્વભાવ.
માણસ ધારે તો નરમાંથી નારાયણ પણ થઇ શકે, અગર તો નરમાંથી નરાધમ - વાનર - પણ થઇ શકે.
"મામ ભૂતાદિમ્ અવ્યયં જ્ઞાત્વા" એટલે કે મને તમામ ભૂતોના સનાતન કારણ અને નાશરહિત અક્ષય કારણ જાણીને દૈવી પ્રકૃતિને આશ્રિત થયેલા મહા આત્માઓ વેશ્યાના ઘરમાં બેસીને પણ પરમાત્મા સુધી પહોંચી જાય છે. જયારે રાક્ષસી - આસુરી - મોહિની પ્રકૃતિના જીવો મંદિરમાં બેસીને પણ પરમાત્માને પામતા નથી. કદાચ આંતરિક રીતે વેશ્યાને પણ પોતાના જીવન પ્રત્યે તિરસ્કાર છૂટે અને સંતના જીવનને ધન્ય માનીને તેવા જીવન માટે ઉત્સુક બને. જયારે એક સંત પણ બાહ્ય આડંબરનો અંચળો ઓઢીને આંતરિક રીતે વેશ્યાના જીવનમાં ડોકિયાં કરવા ઉત્સુક બને. વેશ્યા કદાચ સતત મંદિર સામું જોયા કરે અને સાધુ આંતરિક રીતે વેશ્યાલય માટે લલચાય તેવું પણ કદાચ બને. આ ઘટના આંતરિક છે. જે બહાર ના દેખાય પણ પરમાત્માને તો તે દેખાય જ. જિંદગી એટલી સીધી હોત તો બધી વેશ્યાઓ નરકમાં જ જાત અને બધા સાધુઓ સ્વર્ગમાં બેઠા હોત. પરંતુ ખરેખર એવું નથી. એટલા માટે પરમાત્મામાં અનન્ય (અન-અન્ય) ભાવ સતત રાખવો પડે છે.