Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ ।
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ ૧૨॥

મોઘાશા: મોઘકર્માણ: મોઘજ્ઞાના: વિચેતસઃ

રાક્ષસીમ્ આસુરીમ્ ચ એવ પ્રકૃતિમ્ મોહિનીમ્ શ્રિતાઃ

રાક્ષસીમ્ - રાક્ષસી

ચ - અને

આસુરીમ્ - આસુરી

મોહિનીમ્ - મોહ (ભ્રાંતિ ઉપજાવનારી)

પ્રકૃતિમ્ - સ્વભાવને

શ્રિતાઃ - વશ થઇ (ભગવદ ભાવરહિત) જાય છે.

એવ - વળી

વિચેતસઃ - વિપરીત બુદ્ધિવાળા (તેઓ)

મોઘાશા: - વ્યર્થ આશા રાખનારા

મોઘકર્માણ: - વૃથા કર્મ કરનારા

મોઘજ્ઞાના: - વૃથા જ્ઞાન મેળવનારા

આવા વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા, અને વિપરીત બુદ્ધિના લોકો મારી રાક્ષસી, આસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશા લેનારા હોય છે. (૧૨)

ભાવાર્થ

માણસ અનિર્મિત - અપૂર્ણ ચેતના છે.

જાનવરોની પાસે પૂરું વ્યક્તિત્વ છે. એક ગાય પૂરેપૂરી ગાય છે. એક કૂતરું પૂરેપૂરું કૂતરું છે. પરંતુ માણસ પૂરેપૂરો માણસ નથી હોતો. એટલે માણસને કહેવું પડે છે કે તુ માણસ થા - હેવાન મટી જા. જાનવરોમાં કોઈ રાક્ષસ નથી હોતો. કારણકે જાનવરોમાં કોઈ દેવતા નથી હોતો. જયારે માણસમાં કોઈક દૈવી સંપત્તિના અને કોઈ રાક્ષસી આસુરી સંપત્તિના હોય છે. આદમી સુનિશ્ચિત નથી - તે સૃજનની પ્રક્રિયામાં છે. તેથી આદમી બંને તરફ જઈ શકે છે. માનવ જીવન તો સ્વર્ગ - નરક - અપવર્ગની નિસરણી છે. આ નિસરણીથી માણસ ઉપર સ્વર્ગમાં પણ જઈ શકે અને નીચે નરકમાં પણ જઈ શકે અને ધારે તો અપવર્ગ (મોક્ષ) પણ પ્રાપ્ત કરી શકે. આ સગવડ પશુ-પક્ષી તિર્યક યોનિમાં નથી. જીવન હંમેશા ચાલતું રહેવાનું. માણસ જો દેવ બનવા નહી ધારે તો દાનવ બનવા લાગશે. જીવન અટકવાનું નથી. સારું તે તમારું.

રાક્ષસી પ્રકૃતિ - વિના કારણ - વિના સ્વાર્થ માત્ર બીજાઓને દુઃખી કરે તેમનું અનિષ્ટ કરે તે રાક્ષસી પ્રકૃતિ.

આસુરી પ્રકૃતિ - પોતાનો સ્વાર્થ સાધવા માટે - કામ અને લોભને વશ થઈને બીજાઓનું બગાડે અને દુઃખી કરે તે આસુરી પ્રકૃતિ.

મોહની પ્રકૃતિ - પ્રમાદ અને મોહને વશ થઈને બીજાઓનું બગાડે તે મોહની પ્રકૃતિ.

મોઘાશા - મોઘ કર્માણ: - મોઘજ્ઞાના: વિચેતસઃ એટલે કે વ્યર્થ આશા - વ્યર્થ કર્મ - વ્યર્થ જ્ઞાન - નર્યું અજ્ઞાન જેનામાં છે તેવા લોકો રાક્ષસી આસુરી અને મોહની પ્રકૃતિને વશ થાય છે.

રેતીમાંથી તેલ કાઢવા જાઓ તો તે કદાપિ નીકળે નહી છતાં તેને માટે (મોઘાશા:) વ્યર્થ આશાઓ સેવે, (મોઘકર્માણ:) વ્યર્થ કર્મ કરે, રેતીમાંથી તેલ કાઢવાનું વ્યર્થ જ્ઞાન (મોઘજ્ઞાના:) મેળવે તેવા મહા અજ્ઞાનીઓ (વિચેતસઃ:) ગણાય. તેવી જ રીતે સંસારમાં સુખની છાંટ નથી. (અનિત્યમ અસુખમ્ લોકમ) અને જે દુઃખનો દરિયો છે (દુઃખાલયમ્ અશાશ્વાતમ્) તેવા સંસારમાંથી સુખ મેળવવા માટે માણસ મોટી મોટી આશાઓ રાખતો હોય તો તે વ્યર્થ છે. (મોઘાશા:) તેમ જ સંસારમાંથી સુખ મેળવવા ગમે તેવા દુષ્કર કર્મ (મહેનત) કરતો હોય તો તે કર્મ પણ વ્યર્થ છે. (મોઘ કર્માણ:), તેમ જ સંસારમાંથી સુખ મેળવવા, ઇન્દ્રિયો બહેકે અને ઇન્દ્રિયોના વિષયો વકરે તેવા ભૌક્તિક સુખો (worldly materialistic objects for sense gratification) પ્રાપ્ત કરવા માટેનું ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરે તો તે જ્ઞાન પણ વ્યર્થ છે. (મોઘ જ્ઞાના:) અને આ પ્રકારની બધી વ્યર્થ આશાઓ - ક્રિયાઓ અને જ્ઞાન માટે વલખા મારનારા બધા અજ્ઞાનીઓ જ છે.(વિયેતસ:)

બારી મથે ઘૃત હોઈ બરું સિકતાતે બરું તેલ,

બિનુ હરિ ભજન ન ભવ તરીય યહ સિદ્ધાંત અપેલ.

(ઉત્તરકાંડ - રામ ચરિત માનસ)

પાણીને વલોવીને ઘી કાઢવાનો અને રેતીને પીલીને તેલ કાઢવાનો પુરુષાર્થ વ્યર્થ છે. તેવી જ રીતે સાંસારિક ભૌતિક પદાર્થોમાંથી સુખ (આનંદ) મેળવવાનો પુરુષાર્થ, આશાઓ અને તેને માટેનું જ્ઞાન વ્યર્થ છે.

મોઘશા એટલે વ્યર્થ આશા - વ્યર્થ આશામાં ને આશામાં માણસ જીવે છે. He is pulled by વાસના and pushed by પ્રારબ્ધ. ગઈકાલે જે નથી મળ્યું તે આવતીકાલે મળશે. આ વ્યર્થ આશા. જુવાનીમાં જે ન પામ્યા તે ઘડપણમાં શું પામશો? દા'ડે પાડા ના પારખી શક્યા તે રાતે હીરા શું પારખવાના હતા. દુઃખી થાય છે, પીડા પામે છે. છતાં વિત્તેષણા - પુત્રેષણા - લૌકેષણાથી ભરપૂર એવી - જીવેષણામાં ઢસરડા કરે છે - કારણ ? વ્યર્થ આશા. ગઈકાલે કરેલી ભૂલ આજે પણ કરીએ છીએ અને આવતીકાલે પાછા એ જ ભૂલ કરવાના અને મોત સામે આવીને ઉભું રહેશે છતાં વ્યર્થ આશાઓમાં તણાવાની ભૂલ બદલવાના નહી. પોતાની અંદર પડેલા સુખને ભૂલીને બહારથી સુખ મેળવવાની આશા - તે દુરાશા - મોઘાશા.

સુખસ્ય દુઃખસ્ય ન કોऽપિ દાતા, પરો દદાતિ ઈતિ કુબુદ્ધિ: એષા।

અહં કરોમિ ઈતિ વૃથા અભિમાનઃ, સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ॥

સુખનું કારણ તમે પોતે જ છો અને દુઃખનું કારણ પણ તમે પોતે જ છો. ગુરુત્વાકર્ષણના નિયમ વિરુદ્ધ તમે ચાલ્યા, દોડ્યા અને તેથી તમારો ટાંટિયો ભાગ્યો તેમાં કોઈનો શું દોષ? તમે ધ્યાન રાખ્યું નહી અને તેથી દીવાલની સાથે અને તેમાં ચોઢેલા ખીલા સાથે તમારું કપાળ અથડાયું અને તેથી મોટું ઢીમણુ થયું તેમાં દીવાલનો કે ખીલાનો શો દોષ? દુઃખનું કારણ જીવન નથી. જીવન તો પરમાત્માનું સ્વરૂપ છે. દુઃખનું કારણ જીવન જીવવાની અણઆવડત છે. જીવન જીવવાના નિયમથી વિરુદ્ધ ચાલો તો દુઃખ જ આવે. વૃથા વ્યર્થ આશા એટલે નિયમ વિરુદ્ધ ચાલવાની આશા. જેટલું ધન એકઠું કરશો તેટલી આત્મામાં નિર્ધનતા પ્રગટ થવાની. પૈસાદારો આત્મદ્રષ્ટિથી અત્યંત ગરીબ છે એટલા માટે તો અમીરોના દીકરા બુદ્ધ - મહાવીર અમીરી છોડીને સડક ઉપર ભીખ માંગવા નીકળી પડ્યા. ગરીબોનું તો પેટ જ ખાલી છે જયારે અમીરોનો તો આત્મા જ ખાલી છે - પેટ ભરવું એટલું મુશ્કેલ નથી. આત્મતૃપ્તિ મેળવવી મુશ્કેલ છે. અમીરો આત્મતૃપ્તિ - કૃતકૃત્યતા - fulfilment નો અનુભવ નહી કરી શકે. બેન્ક બેલેન્સ ઇનર (આત્મ) બેલેન્સ નહી બની શકે. તિજોરી ભરતા જશો તેમ તેમ તેટલો આત્માનંદ ખાલી થતો જશે. ધન એકઠું કરીને ખાલીપણું (emptiness) મટાડું એવી આશા ને મોઘાશા - વ્યર્થ આશા મૂઢતા કહેવાય. ધન એકઠું કરવામાં અસફળ થાય તો તો અસફળ, પરંતુ સફળ થાય તો ય તે અસફળ જ રહે. ધનથી તિજોરી ભરાય - આત્મા ન ભરાય. આમાં ધનનો દોષ નથી. ધન ખરાબ નથી. ધન બહારની વસ્તુ છે. આત્મા અંદર છે. આ નિયમ નહી સમજવાથી માણસ વ્યર્થ આશામાં - મોઘાશામાં ઘસડાય છે. બેન્ક બેલેન્સ વધતું જાય તેમ અહંકાર વધતો જાય - અહંકાર જેટલો પ્રબળ થતો જાય તેટલો આત્મા નિર્બળ થતો જાય - મૂઢતાનું પહેલું લક્ષણ મોઘાશા.

મોઘકર્માંણ: - વ્યર્થ કર્મ - વૃથા કર્મ

ક્રોધ વૃથા કર્મ છે - છતાં દરરોજ કરીએ છીએ - ક્રોધનો અર્થ પરાઈ મૂર્ખતા કાજે પોતાની જાતને સજા. માત્ર હાનિ - નુકશાન જ થાય અને ફાયદો બિલકુલ ના થાય એવું તમામ કર્મ તે વૃથાકર્મ. અહંકારને વધારવા માટે કરેલા તમામ કર્મ વૃથાકર્મ - પાપકર્મ. મકાન ઊંચું બાંધવાથી આત્માની ઊંચાઈ ના વધે - અહંકારની ઊંચાઈ વધે. એમ તો પક્ષીઓ તમારા કરતા વધારે ઊંચે ઉડે છે. ભૌક્તિક ઊંચાઈ આત્માની ઊંચાઈ આગળ તુચ્છ છે. નેપોલિયન - સિકંદરનો આત્મા મરતી વખતે દીન - દરિદ્રીની માફક ઝૂરતો હતો. નિ:સ્વાર્થ અને સદ્ભાવપૂર્વક કોઈના ભલા માટે કરેલું એક નાનામાં નાનું કર્મ અંતઃકરણમાં આનંદ અને પ્રસન્નતાની ઝલક પેદા કરે તે સાર્થક કર્મ અને તેને જ શાસ્ત્રોમાં પુણ્યકર્મ કહે છે. સ્વાર્થ બુદ્ધિથી કરેલું પુણ્યકર્મ પણ નિરર્થક છે. સ્વર્ગ એટલે બધું સસ્તું નથી. પુણ્યકર્મથી સ્વર્ગ નથી મળતું. પુણ્યકર્મ પોતે જ સ્વયં સ્વર્ગ છે.

મોઘજ્ઞાના: એટલે વૃથાજ્ઞાન - નિરર્થકજ્ઞાન. જે જ્ઞાન પોતાની આત્મોન્નતિ માટે કશાય કામમાં ના આવે તો તે જ્ઞાન નિરર્થક છે. આમ જુઓ તો આ દુનિયામાં જ્ઞાન અઢળક છે - જરૂરિયાત કરતા પણ વધારે છે. એટલે તો "પર ઉપદેશ કુશળ બહુ તેરે" વધારેમાં વધારે ઉપદેશ - સલાહ લેવાય છે - દરેક વ્યક્તિ મહાજ્ઞાનીનો અહંકાર લઈને ફરે છે - અજ્ઞાની તો અંધકારમાં અટવાય જ છે જયારે કહેવાતો (so called) જ્ઞાની તો મહાઅંધકારમાં અફળાય જ છે. આ મિથ્યા જ્ઞાન મૂઢતા છે. જ્ઞાનનો એક માત્ર ઉપયોગ ફક્ત બીજાઓને જ્ઞાની બનાવવામાં જ થાય પરંતુ તે જ્ઞાન જો પોતાના સ્વયંના ઉત્કર્ષ અભ્યુદય માટે કશાય કામમાં ન આવે તો તે જ્ઞાન મિથ્યાજ્ઞાન - વ્યર્થજ્ઞાન કહેવાય. ભલે થોડુંક જ જ્ઞાન પણ જો તે આત્મોન્નતિના ઉપયોગમાં આવે તો તેટલું જ્ઞાન પણ સાર્થક જ્ઞાન કહેવાય - બાકીનું બધું વ્યર્થ જ્ઞાન કહેવાય.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34