એમ તું શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટીશ અને સંન્યાસયોગ(કર્મફળત્યાગ)થી યુક્ત ચિત્તવાળો તું સંપૂર્ણ મુક્ત થઇ મને પામીશ. (૨૮)
ભાવાર્થ:
આવી રીતે સંપૂર્ણ શરણાગતિ Total submission - with no withholding - અશેષભાવથી પૂરેપૂરા - સમગ્રીભૂત રૂપથી સમર્પિત થનાર પરમાત્માનો હિસ્સો બની જાય છે. બધું જ છોડી દે તે પરમાત્મા સાથે એકત્વ - ઐક્ય સાધી શકે. સંપૂર્ણ કર્મ અને કર્તૃત્વનો અહંકાર છોડીને સંપૂર્ણ સમર્પણ કરે તે સંન્યાસથી યુક્ત (સંન્યાસયોગ યુક્તાત્મા) થઇ શકે, માત્ર ભગવા લૂગડાં પહેરવાથી નહીં. બહારના કપડાં ધોળા હોવા છતાં આંતરિક રૂપાંતરણ થવું જોઈએ - તો જ શુભ - અશુભ બંને પ્રકારના કર્મોથી મુક્ત થવાય. કારણ કે અશુભ કર્મ લોખંડની બેડી છે તો શુભ કર્મ સોનાની બેડી છે, પરંતુ આખરે તો તે બંને બંધન જ છે.
ભગવદ્ ભક્તે કૃષ્ણાર્પણ બુદ્ધિથી સર્વ કર્મ કરવા - છોડવા નહીં. "બ્રહ્માર્પણમ્ બ્રહ્મહવિઃ" (ગીતા - ૪/૨૪) એ જ્ઞાનયજ્ઞનું તત્ત્વ જ અહીં ૨૭માં શ્લોકમાં ભક્તિની પરિભાષામાં કહ્યું છે.
'મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્ય' (ગીતા - ૩/૩૦) મારામાં સર્વ કર્મનો સંન્યાસ કરીને તું લડ એવું અર્જુનને ત્રીજા અધ્યાયમાં કહેલું છે અને પાંચમા અધ્યાયમાં બ્રહ્મને કર્મ અર્પણ કરી સંગ (આસક્તિ) રહિત કર્મ કરનારને તે કર્મના બંધનનો લેપ થતો નથી (ગીતા - ૫/૧૦) એવું ફરીથી કરેલું છે. ગીતા પ્રમાણે આ જ ખરો સંન્યાસી હોવાથી (ગીતા - ૧૮/૨) આ પ્રમાણે એટલે ફળની આશા છોડીને (સંન્યસ્ય) સર્વ કર્મ કરનાર પુરુષ જ 'નિત્ય સંન્યાસી' (ગીતા - ૫/૩) કહેવાય.
કર્મત્યાગ રૂપ સંન્યાસ ગીતાને માન્ય નથી.શ્રીમદ્ ભાગવતમાં નૃસિંહ ભગવાન પ્રહલાદને કહે છે કે,
મય્યાવેશ્ય મતસ્તાત કુર કર્માણિ મત્પર
(શ્રીમદ્ ભાગવત - ૭/૧૦/૨૩)
મારામાં ચિત્ત પરોવી સર્વ કર્મ કર.