શ્રી પરમાત્મને નમઃ
અધ્યાય ૯
રાજવિદ્યા રાજગુહ્ય યોગ
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય ।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥ ૯॥
ન ચ મામ્ તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનઞ્જય
ઉદાસીનવત્ આસીનમ્ અસક્તમ્ તેષુ કર્મસુ
ન નિબધ્નન્તિ - બાંધતા નથી (કારણ કે)
તેષુ - તે
કર્મસુ - કર્મોમાં (હું)
ઉદાસીનવત્ - તટસ્થની પેઠે
અસક્તમ્ - આસક્તિરહિત
આસીનમ્ - રહેલો છું.
ચ - પરંતુ
ધનંજય - હે અર્જુન !
તાનિ - તે (સર્જન વગેરે)
કર્માણિ - કર્મો
મામ્ - મને
(છતાં) હે ધનંજય ! તે કર્મોમાં હું આસક્તિરહિત અને ઉદાસીન પેઠે રહેલો હોવાથી તે કર્મો મને બંધન કરતા નથી. (૯)
ભાવાર્થ:
સવાલ થાય છે કે પરમાત્મા જગતની ઉત્પત્તિ - સ્થિતિ - લય કરે છે તે કર્મો તેમને બંધનકર્તા કેમ ના થાય. તેના જવાબમાં ભગવાન આગળ બોલ્યા છે કે -
જન્મ કર્મ ચ મે દિવ્યમેવં યો વેત્તિ તત્ત્વતઃ ।
ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન ॥
(ગીતા - ૪/૯)
ન માં કર્માણિ લિમ્પન્તિ ન મે કર્મફલે સ્પૃહા ।
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥
(ગીતા - ૪/૧૪)
ભગવાન કહે છે કે - હું મારા જીવનકાળ દરમ્યાનમાં જે કાંઈ કર્મ કરું છું તે
(૧) સમષ્ટિના કલ્યાણ માટે કરું છું - મારા એક વ્યક્તિગત સ્વાર્થ માટે કરતો નથી અને
(૨) તેથી તે કર્મ હું રાગદ્વેષથી પ્રેરાયા સિવાય અનાસક્ત ભાવે કરું છું. અને
(૩) તેમાં મારો કોઈ કર્તાપણાનો અહંકાર નથી. અને
(૪) તે તમામ કર્મ હું નિષ્કામ ભાવથી કરું છું. કર્તાપણાના અહંકાર સિવાય કરેલા કર્મમાં કર્તૃત્વ હોતું નથી તેથી ભોક્તૃત્વ આવતું નથી.
યસ્ય નાહઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ ન હન્તિ ન નિબધ્યતે ॥
(ગીતા - ૧૮/૧૭)
પરમાત્મા તમામ કર્મ ખેલ - નાટકની માફક અનાસક્ત ભાવે કરે છે. જયારે આપણે ખેલ - નાટક પણ પગાર - કીર્તિની આસક્તિથી કરીએ છીએ - શતરંજના ખેલમાં રમતમાં પણ માણસના રાગદ્વેષ પડેલા છે. જેમાંથી વેરઝેર પેદા કરે છે. ક્રિકેટની રમતમાં પણ રાજકારણ અને ઝગડા સમાયેલા હોય છે. પત્તા રમવામાં પણ માણસ કુશળ હોય કે ના હોય તો પણ પાગલ થઇ જાય છે. તેમાં પણ તે એક જાતનો તણાવ - Tension અનુભવે છે. કર્મમાં માણસ Tension (તણાવ) અનુભવે તો તે
Attention - Concentration - Meditation
નહીં કરી શકે. દરેક કર્મ સ્વાભાવિક - સહજભાવે - અનાસક્ત ભાવે કર તો તેમાં tension ના થાય અને તો જ કર્મમાં તે Attention અને Concentration સિદ્ધ કરી શકે. નાનું બાળક જેમ અનેક રમકડાં સાથે રમતા રમતા તેમાંના કોઈપણ રમકડાં પ્રત્યે રાગદ્વેષ રહિત થઈને તેને તોડે અગર જોડે એવા સહજ અનાસક્ત ભાવથી માણસ કર્મ કરે તો તે કર્મ બંધન ના કરે. બાળક રેતીનું મકાન ચણે અને ઊંઘ આવે એટલે તેને તોડી ફોડીને માની ગોદમાં સુઈ જાય તેવી રીતે માણસ આખું જીવન ઘડે અને અંતકાળે જીવનથી અલગ થઈને કાળરૂપ પરમાત્માંને સમર્પિત થઇ જાય.
પરમાત્માના તમામ કર્મોને લીલા કહે છે. લીલા શબ્દનો other word કોઈ ભાષામાં નથી. તેને Game અગર તો Divine Game પણ ના કહેવાય. Game માં ઓછામાં ઓછી બે વ્યક્તિ હોય, જયારે આ જગતમાં તો પરમાત્મા એકલો જ રમી રહ્યો છે તેથી તેમાં અંચઈ નથી. વ્યાસ નારાયણ શ્રીમદ્ ભાગવતમાં લખે છે -
રેમે રમેશો વ્રજસુંદરીભિ: યથાર્ભક: સ્વ પ્રતિબિંબ વિભ્રમ: |
જગતનું સૃજન એ તો પરમાત્માના આનંદની અભિવ્યક્તિ છે. જેમ મોર આનંદના અતિરેકમાં (Over-whelmed with joy) કળા કરે છે તે મોરના આનંદની અભિવ્યક્તિ છે. તેવી રીતે આ જગત પરમાત્માના આનંદની અભિવ્યક્તિ છે અને તે તેની લીલા છે. માણસ પણ જો પોતાના જીવનને લીલા બનાવી દે તો તે વખતે તે પણ ઈશ્વરીય બની જાય.
કર્મ કરે ત્યાં સુધી ગુલામ, લીલા કરે તે જ ક્ષણે મુક્ત.
કામ કરવામાં કામના - ચિંતા રહે. લીલામાં નિષ્કામતા - નિશ્ચિન્તપણુ - કર્મફળમાં સ્પૃહા નહિ.
કર્મ સ્વયં બંધનકર્તા નથી. પરંતુ કર્મના ફળની આસક્તિ બંધનકર્તા છે.
કોઈ કર્મ પાપ નથી, કોઈ કર્મ પુણ્ય નથી. કર્તાના ભાવ પ્રમાણે કર્મ પાપ અગર પુણ્ય બને છે.