હે કુંતીપુત્ર ! જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઇ બીજા દેવતાઓને પૂજે છે, તેઓ પણ અવિધિપૂર્વક મને જ પૂજે છે. (૨૩)
ભાવાર્થ:
વેદશાસ્ત્રોમાં જે જે દેવતાઓનું વર્ણન આવે છે તે તમામ દેવતાઓ આખરે તો પરમાત્માના જ અંગભૂત છે અને પરમાત્મા જ આ તમામ દેવતાઓના સ્વામી છે - અને ખરેખર તો પરમાત્મા પોતે જ તે તે દેવતાઓના રૂપમાં પ્રગટ છે. આ હકીકત માણસો બરાબર સમજતા નથી. અને તેથી તેઓ જુદા જુદા દેવતાઓને (અન્ય દેવતા:) પરમાત્માથી ભિન્ન સમજીને સકામભાવથી સ્વર્ગાદિ ઇન્દ્રિયજન્ય સાંસારિક સુખોની પ્રાપ્તિ માટે અને ભૌક્તિક કામનાઓની સિદ્ધિ માટે તે તે અન્ય દેવતાઓની પૂજાનું શાસ્ત્રોમાં વિધાન હોય તે પ્રમાણે શાસ્ત્રોક્ત યજ્ઞાદિ કર્મો દ્વારા શ્રદ્ધાપૂર્વક પૂજન કરે તો પણ તેમનું પૂજન "અવિધિપૂર્વકમ" એટલે કે અજ્ઞાનપૂર્વક છે, કારણ કે તમામ દેવતાઓ મારા જ અંગભૂત હોવાથી તેઓ સાચા અર્થમાં તો : "મામેવ યજન્તિ" મારુ જ પૂજન કરી રહ્યા હોય છે.
આકાશાત્ પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ્ |
સર્વદેવ નમસ્કાર: કેશવં પ્રતિ ગચ્છતિ ||
કપાળમાં જ માત્ર ચાંલ્લો કરો તો પણ આખા શરીરનું પૂજન કર્યું ગણાય.
અન્ય દેવોની ભક્તિના સંસ્કાર ચિત્ત પર પડે છે તે પરમાત્માની ભક્તિ તરફ લઇ જવામાં સહાયક થાય છે - એટલો ફાયદો જરૂર થાય, પરંતુ ધીરે ધીરે અન્ય દેવોની ભક્તિ છોડીને આખરે તો વ્યાપક પરમાત્માનું જ શરણ લેવું મુખ્ય લક્ષ્ય છે. છેક સુધી માત્ર વાસનાઓ અને કામનાઓની તૃપ્તિ માટે જ ફક્ત બીજા બીજા દેવોની પાછળ પાછળ ભમ્યા કરવું તે બરાબર નથી.
તદ્દન નિષ્કામ ભાવથી કાંઈ પણ અપેક્ષા કે માંગણી વગર પરમાત્માની સન્મુખ થવું જોઈએ. સૂર્યની સામે હાથ જોડીને ઉભો ઉભો પ્રાર્થના કરે કે "હે સૂર્યનારાયણ મને પ્રકાશ આપો" તો સમજવું કે તે માણસ આંધળો હોવો જોઈએ, નહીં તો પ્રકાશ માંગવાની જરુરીયાત જ નથી.
બીજા બીજા દેવોની ઉપાસનામાં વાસનાની ગંધ છે. અત્યંત વાસનાંરહિત ઉપાસનાથી પ્રભુ પ્રાપ્ત થાય છે - બીજા દેવોની ઉપાસના - પૂજા (Rituals) છે, ક્રિયાકાંડ છે. જયારે પરમાત્માની પૂજા તો માત્ર તેના સાંનિધ્યની સતત અનુભૂતિમાં જ છે, તેમાં બીજી કોઈ વિધિની જરૂરિયાત રહેતી નથી. તેમાં બીજી વિધિઓ તો માત્ર ધોખાબાજી જ છે અને તેથી તે 'અવિધિપૂર્વકમ' એટલે કે અજ્ઞાનજનિત છે.