તે જલ્દી ધર્માત્મા થાય છે અને શાશ્વત શાંતિ પામે છે; હે કુંતીપુત્ર ! તું નિશ્વય જાણ કે 'મારો ભક્ત નાશ પામતો નથી' (૩૧)
ભાવાર્થ:
ચેતનાની ધારા સંસાર તરફથી પાછી વાળીને પરમાત્માની સન્મુખ વહેવા લાગે અને તે પણ ઘેરા નિર્ણયપૂર્વક તો પાપીને પણ પાવન થતા વાર ના લાગે - ગટરનું પાણી ગંગાજીમાં ભળી જાય તો તે આચમનને યોગ્ય થઇ જાય.
ભગવાન કહે છે -
સન્મુખ હોઈ જીવ મોહી જબહી | જન્મ કોટિ અઘ નાસહિ તબહી ||
મમ દર્શન ફળ પરમ અનૂપા | જીવ પાવ નિજ સહજ સરૂપા || (માનસ)
અનેક જન્મોનો અંધકાર પણ એક જ ક્ષણે સૂર્યની સન્મુખ થાય તો તે અંધકાર (ક્ષિપ્રં) તાત્કાલિક નષ્ટ થઇ જાય. પરમાત્મા પ્રત્યેની એક અનન્ય ધારા - એક અનન્ય ભાવ પરમાત્મા તરફ વહેવા લાગે તે જ ક્ષણે તેને જગતનાં તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ - વ્યક્તિમાં પરમાત્માની ઝાંખી થાય, પછી તે કોઈની સાથે દુરાચાર કરી શકે જ નહીં.