તું મારામાં મનવાળો, મારો ભક્ત તથા મને પૂજનારો થા અને મને નમસ્કાર કર, એમ મારામાં અંતઃકરણને જોડી મારા પરાયણ થયેલો તું મને જ પામીશ. (૩૪)
ભાવાર્થ:
મન્મના: ભવ એટલે કે
ભગવાન જ સર્વ શક્તિમાન, સર્વજ્ઞ, સર્વલોક મહેશ્વર, સર્વાતીત, સર્વમય, નિર્ગુણ, સગુણ, નિરાકાર, સાકાર, સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્યના સાગર અને પરમ પ્રેમાસ્પદ છે એ પ્રમાણે ભગવાનના ગુણ પ્રભાવ - તત્વ અને રહસ્યનો યથાર્થ પરિચય થઇ જવાથી જયારે ભક્તને એ નિશ્ચય થઇ જાય કે એક માત્ર ભગવાન જ મારુ સર્વસ્વ છે ત્યારે જગતની કોઈ પણ વસ્તુમાં તેની જરા પણ રમણીય બુદ્ધિ રહે નહીં. એ અવસ્થામાં સંસારના કોઈ પણ દુર્લભમાં દુર્લભ ભોગોમાં પણ તેનું મન આકર્ષાય નહીં અને ત્યારે આ લોક અને પરલોકની સમસ્ત ભૌતિક સુખ સામગ્રીમાંથી તેનું મન સર્વથા હટી જાય અને ત્યારે તે અનન્ય ભક્તિ અને પરમ શ્રદ્ધાથી ભગવાનનું જ ચિંતન કરે અને એવું ચિંતન તેના પ્રાણનો આધાર બની જાય અને ક્ષણ માત્ર પણ તેની વિસ્મૃતિ તેનાથી સહન ના થઇ શકે તેને ખરો મન્મના - મારામાં ચિત્ત રાખનારો કહી શકાય.
મદ્ ભક્ત: ભવ
એટલે કે ભગવાન જ પરમગતિ છે - એ જ એક માત્ર ભર્તા અને સ્વામી છે - એ જ એક માત્ર પરમ આશ્રય અને પરમ આત્મીય સંરક્ષક છે એવું માનીને તેની ઉપર નિર્ભર થઇ જાય. - પ્રભુના પ્રત્યેક વિધાનમાં સંતુષ્ટ રહે - પરમાત્માની આજ્ઞાનું અનુસરણ કરે - ભગવાનનાં નામ - રૂપ - ગુણ - પ્રભાવ - લીલા આદિનું શ્રવણ, કીર્તન, સ્મરણમાં મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને નિમગ્ન રાખે અને પ્રભુના રાજીપા માટે જ પ્રત્યેક કર્મ કરે તે મદભક્ત: થયો ગણાય.
મદ્યાજી ભવ -
મંદિરમાં જઈને પરમાત્માના મંગલમય શ્રીવિગ્રહનું યથાવિધિ પૂજન કરે, સુવિધા અનુસાર પોતાના ઘરમાં પોતાના ઇષ્ટદેવ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરે તેનું વિધિપૂર્વક શ્રદ્ધા અને પ્રેમથી પૂજન કરે, પરમાત્માની સેવાના કાર્યમાં પોતાને સંલગ્ન રાખે, નિષ્કામ ભાવથી યજ્ઞાદિના અનુષ્ઠાનથી પ્રભુની પૂજા કરે, માતા - પિતા - બ્રાહ્મણ - ગુરુજનો અને સાધુઓ સહિત સમસ્ત પ્રાણીઓને ભગવાનનું સ્વરૂપ સમજીને અંતર્યામી રૂપે પરમાત્મા બધાયમાં વ્યાપ્ત છે એવું જાણીને તમામનું યથા યોગ્ય પૂજન - આદર સત્કાર કરે અને તન - મન - ધનથી બધાને યથાયોગ્ય સુખ પહોંચાડે તથા બધાને સુખ પહોંચાડવાની યથાયોગ્ય ચેષ્ટા કરે તે ખરો મદ્યાજી મારુ પૂજન કરનારો ગણાય.
મામ્ નમસ્કુરુ
સમષ્ટિ જગતનાં તમામ પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિ, ચરાચર ભૂત પ્રાણીમાત્ર પરમાત્માનો સમષ્ટિ દેહ છે તેમ માનીને અને તમામને ભગવદ્ સ્વરૂપ સમજીને બધાને નમસ્કાર કરે.
ચો.
સિયારામમય સબ જગ જાની, કરોઉ પ્રણામ જોરી જુગપાની.
આત્માનમ્ યુક્ત્વા -
એટલે કે આત્માનો મારામાં એકીભાવ કરીને.
આ શ્લોકમાં આત્મા શબ્દ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સહિત શરીરને માટે વપરાયો છે. એટલે કે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર વગેરેને મારામાં પ્રયુક્ત કરીને - મારામાં, મારા કામ માટે, મારા રાજીપા માટે જોડી દઈને મત પરાયણ ભગવદ્ પરાયણ થઇ જઈશ એટલે તું મને જ પામીશ, એટલે કે મારામય થઇ જઈશ.
પરમાત્માનો આ ઉપદેશ બહુ જ કિંમતી છે અને તે જ ખરો આખરી અંતિમ ઉપદેશ છે. એટલા માટે પરમાત્માએ આ ઉપદેશની પુનરાવૃત્તિ કરીને ૧૧ મા અધ્યાયના અંતે અને ૧૮ મા અધ્યાયના અંતભાગમાં ફરીથી અર્જુનને ઉપદેશ આપ્યો છે કે -