જેઓ અનન્ય ભાવે મારુ ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય (મારામાં) જોડાયેલાઓના યોગ (અપ્રાપ્તની પ્રાપ્ત) તથા ક્ષેમ (પ્રાપ્તિની રક્ષા)નો ભાર હું ઉઠાવું છું. (૨૨)
ભાવાર્થ:
યોગક્ષેમમ્ : ભગવદ્સ્વરૂપની પ્રાપ્તિનું નામ યોગ અને ભગવદ્પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનની રક્ષાનું નામ ક્ષેમ.
ઉપાસતે : ઉપાસના બહુ કઠણ છે. - ઉપાસના અને વાસનામાં ભેદ છે. આપણી તો ઉપાસના પણ વાસના છે. કોઈ પણ વાસનાથી મંદિરમાં જાઓ તો ત્યાં ઉપાસના સંભવ નથી. નિષ્કામ સાધના જ ઉપાસના બને. નિષ્કામ સાધના એટલે માત્ર એક પરમાત્માની જ ચાહના, બીજી કોઈ ચાહના જ નહીં. અને તે પણ પરમાત્મા માટે જ - બીજા કોઈ કારણથી નહીં. ઉપ + આસના = તેના સાન્નિધ્ય માત્રમાં જાણે બધું જ મળી ગયું. વાસના સકામ હશે - કાંઈક માગવા માટે હશે તો જે માંગો છો તે, જેની પાસેથી માંગો છો તેના કરતા શ્રેષ્ઠ બની જશે. આ જગતમાં આપણે જેટલા સંબંધો બાંધીએ છીએ તે બધા સકામ - સકારણ હોય છે. પરમાત્મા પ્રત્યેની ભક્તિ અહૈતુકી (અકારણ) કોઈ પણ શરત વગર નિષ્કામ હોય તો જ તે ઉપાસના થાય.
યોગક્ષેમ - યોગ એટલે વ્યક્તિની પરમાત્મામય થઇ જવાની ઘટના. માણસ જ્યાં સુધી પરમાત્મા પાસે કાંઈ ને કાંઈ માંગતો હોય છે, ત્યાં સુધી તે પરમાત્મા કરતા પોતાની જાતને વધારે અક્કલવાળો સમજતો હોય છે. પરમાત્મા દયાળુ પણ છે અને ન્યાયી પણ છે. Mercy seasons justice. તમે માંગો અને ના મળે, અગર તો સુખ માંગો અને દુઃખ મળે, અગર તો ન્યાય નીતિથી ચાલો, છતાં અન્યાય થાય તો પણ તેમાં પરમાત્માની કરુણા અને ન્યાયીપણામાં જરા પણ શંકા ના કરે તે જ ખરું ભક્તહૃદય કહેવાય. કારણ કે પરમાત્મા બહુ જ વિચાર કરીને તમને સુખદુઃખ આપે છે. દુઃખ પણ તમારા આત્મકલ્યાણ માટે, અંતઃકરણની શુદ્ધિ માટે આપે છે. તમારા યોગક્ષેમની પરમાત્મા ખુબ ચિંતા કાળજી રાખે છે. તમે ખોટો માથે બોજો લઈને ફરો છો - જેને પરમાત્મા પ્રત્યે - જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નથી તે જ ખરો આસ્તિક છે. તેનું આખું જીવન તેને માટે એક અનુગ્રહ - Gratitude છે. એના પ્રાણનો એક એક સ્વર ધન્યવાદથી ભરેલો છે - જે કાંઈ છે તેને માટે.
ના આપ્યું - કાંઈ નહીં - કદાચ તેમાં મારુ હિત હશે.
ખાવાનું ના મળ્યું - હશે કાંઈ નહીં - ભલે, ભૂખ્યા રાખવામાં મારુ હિત હશે.
જેવી તેની મરજી. તેરી ખુશીમેં મેરી ખુશી હૈ.
Let Thy will be done.
ઉપાસક ભક્તને ન કોઈ સાધનાની જરૂર છે - ન તો કોઈ સાધનની. યજ્ઞ - દાન - તપ - વ્રત કશાયની જરૂર નથી. પરમાત્મા ખુદ તેને ખોળતા આવશે. "તું મને મળ" એવી માંગણી પણ વાસના છે - હું નિર્વાસના થઇ જઈશ, ત્યારે તું બધે જ મને દેખાઈશ. હું તને મળેલો જ છું. તું મને મળેલો જ છે, કારણ કે મારે તારા સિવાય બીજું કાંઈ મેળવવું નથી.
વાસના જ આપણા અહંકારનો આધાર છે - અહંકાર શૂન્યતા એ જ ઉપાસના - એ જ શૂન્ય પરમાત્માની સન્નિધિ. જેમ આપણે આંધળાને કહીએ કે તું પ્રકાશ છે કે નહીં તેની ભાંજગડ છોડ. પહેલા તો તું તારી આંખનો ઈલાજ કર. જે દિવસે આંખ સારી થઇ જશે તે દિવસે પ્રકાશ એની મેળે અનુભવમાં આવશે. અહંકારનો મોતિયો નીકળી જશે કે, તુરત જ પરમાત્માના સાન્નિધ્યનો અનુભવ થશે. અહંકારનો લય થતા જ ઉપાસના સિદ્ધ થશે. ઉપાસનાનો અર્થ પ્રતિપળ પરમાત્માની ઉપસ્થિતિનો અનુભવ. “રામ રામ”ના બરાડા પાગલની માફક તાળીઓ પાડીને પાડવાથી દા'ડો નહીં વળે - સતત સ્મરણ જરૂરી છે, શ્વાસેશ્વાસમાં, હૃદયની પ્રત્યેક ધડકનમાં. ઉપાસનામાં કાંઈ પણ માંગવાની વાસના નથી.જે કાંઈ પણ માંગતો નથી તેને જ સર્વસ્વ (પરમાત્મા) મળે છે. વાસનાથી ભરપૂર વ્યક્તિ દરિદ્રીની માફક મરે છે. વાસના ભિક્ષાપાત્ર છેં જે કદાપિ ભરાતું નથી. ઉપાસનાથી ભરપૂર વ્યક્તિ સમ્રાટનો સમ્રાટ (રામતીર્થ) બને છેં. ઉપાસના એટલે સ્વયંની અંદર છુપાયેલી પરમ સંપદાનો અનુભવ. પ્રાર્થનામાં કાંઈ પણ માંગણી ના હોય તે ખરી પ્રાર્થના. પ્રાર્થનામાં પરમાત્મામાં લીન થવાની પ્રક્રિયા હોય છેં. પ્રાર્થનામાં દીનતા નથી - લીનતા છેં. ગલત પ્રાર્થના - વાસનાથી ભરાયેલી પ્રાર્થના - બંધનને મજબૂત કરે છેં.
God looks
Not at the oratory of our prayers, How eloquent they are;
Nor at the Geometry, How long they are;
Nor at the arithmetic, How many there are;
Nor at the logic, How methodical they are;
But he looks at their sincerity, How spiritual they are.