દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે. ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને મને પૂજનારા મને પામે છે. (૨૫)
ભાવાર્થ:
દેવવ્રતાઃ - એટલે દેવતાઓને પૂજનારા દેવતાઓને પ્રાપ્ત થાય છે. તમે જેનામાં શ્રદ્ધા કરો છો તે તમારું Maximum - શ્રેષ્ઠતમ - અંતિમ બિંદુ થઇ જાય અને તે તમારા ભવિષ્યની લકીર બની જાય - તમે જે થવા માંગો છો તે તમારું શ્રદ્ધાપાત્ર થઇ જાય. જે વ્યક્તિ જેનામાં શ્રદ્ધા કરે તે ધીરે ધીરે તેના જેવો જ થઇ જાય માટે શ્રદ્ધા બહુ વિચાર કરીને હોશિયારી અને બુદ્ધિમાનીથી કરવી, કારણ કે તે શ્રદ્ધા પછી જયારે જીવનનો ઢાંચો બની જાય ત્યારે તેમાં આખરે તમે ઢળી જાઓ. અનેક કામનાઓની તૃપ્તિ માટે લોકો દેવતાઓને ભજે છે. પરંતુ દેવતાઓ પોતે પણ વાસનાઓથી ઘેરાયેલ હોય છે. ઇન્દ્ર બાપડો ચોવીસે કલાક પોતાનું સિંહાસન સાબૂત રાખવાની ચિંતામાં સતત ડરતો, ગભરાતો રહેતો હોય છે અને જો કોઈને ઉગ્ર તપશ્ચ્રર્યા કરતો દેખે તો તરત જ તેના તપનો ભંગ કરાવવા કામદેવને અપ્સરાઓ સાથે મોકલતો હોય છે - જયારે આપણે વરસાદ જોઈતો હોય તો ઇન્દ્રનો યજ્ઞ કરીને તેનું પૂજન વગેરે કરીએ છીએ. સત્ત્વગુણી લોકો સત્વગુણી દેવોની ઉપાસના કરે છે. રજોગુણી લોકો રજોગુણી દેવોની ઉપાસના કરે છે અને તેમની મારફતે પોતપોતાની કામનાઓની પૂર્તિ કરે છે.
દેવતાઓનું શ્રદ્ધાપૂર્વક પૂરા પ્રયત્નપૂર્વક પૂજન કરીને કોઈ વ્યક્તિ કદાચ પૂરેપૂરો સફળ થાય તો તે બહુ બહુ તો દેવતા બની જાય - તેનાથી ઉપર ના જઈ શકે, પરંતુ મોક્ષની તુલનામાં દેવતા થવાની સ્થિતિ તે કાંઈ બહુ ઊંચી અવસ્થા નથી, કારણ કે દેવોને પણ પુણ્ય ખતમ થઇ જતા મૃત્ય લોકમાં પાછા ગબડવું પડે છે. દેવોને પણ જો મુક્ત થવું હોય તો તેમને પણ મનુષ્ય લોકની ચોકડીમાં પાછા આવીને મોક્ષનો રસ્તો પકડવો પડે છે. મનુષ્યયોનિ cross road છે. પશુને પણ જો મુક્ત થવું હોય તો મનુષ્યયોનિ મારફતે જવાય. દેવો પણ સીધે સીધા મોક્ષમાં ના જાય. તેમને મનુષ્ય યોની મારફતે મોક્ષ માર્ગ પકડવો પડે. મનુષ્ય કરતા દેવો પાસે સુખ વધારે છે - શક્તિ વધારે છે - આયુષ્ય વધારે છે - ભૌતિક વાસનાઓ તૃપ્ત કરવાના સાધનો વધારે છે, બધું જ વધારે છે. પરંતુ મુક્તિનો ઉપાય નથી - તેથી તેમને મોક્ષ પ્રાપ્ત કરવા મનુષ્ય યોનિમાં પાછા આવવું જ પડે. - મનુષ્ય જન્મ જ મોક્ષનું દ્વાર છે. ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે મનુષ્ય જન્મ તો 'સ્વર્ગ - નરક - અપવર્ગ નિસરણી' નિસરણી છે. જેની મારફતે તમે ધારો તો દેવ થઇ શકો, ધારો તો દાનવ થઇ શકો અને ધારો તો મુક્ત પણ થઇ શકો.
માત્ર મનુષ્યની જ આત્મામાં મુક્ત થવાની આત્યંતિક ઘટના ઘટી શકે છે. પરમ સ્વતંત્રતા અને પરમાત્માદર્શન માત્ર મનુષ્ય દેહથી જ થઇ શકે. પશુયોનીમાં નર્યું નર્યું દુઃખ જ હોય તો દેવયોનિમાં નર્યું નર્યું સુખ જ હોય, પરંતુ બંને અજ્ઞાનમાં છે. સુખ અને દુઃખથી પર આનંદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિની ક્રાંતિકારી ઘટના માત્ર મનુષ્ય યોનિમાં જ સંભવિત છે. મનુષ્ય ધારે તો તે પશુયોનીમાં નીચે ગબડી શકે અગર તો દેવયોનિમાં ઊંચે ચઢી શકે અને ધારે તો આ ઊંચે નીચે ચક્કર મારતાં મારતાં જન્મમરણરૂપી ચક્ડોળની બહાર છલાંગ મારીને મુક્ત પણ થઇ શકે. He can directly plunge into Brahman - પોતાનું અંતિમ ગંતવ્યસ્થાન (point of no return) પરમાત્માને પ્રાપ્ત કરી શકે અને પુનર્જન્મ (Shunting)ની બહાર નીકળી જઈ શકે છે.
પરમાત્મા પ્રાપ્તિમાં જ અદ્વૈતનો અનુભવ થાય છે. બાકીની ત્રણ પૂજાઓ - દેવપૂજન, પિતૃપૂજન, ભૂતપ્રેત પૂજન. એ બધી આસક્તિજન્ય પૂજાઓ છે. તેથી તે પૂજાઓનું ફળ પણ ક્ષણિક (અંતવત) હોય છે અને તે દ્વૈતમાંથી છુટકારો કરાવી શકતું નથી.