કારણ કે સર્વ યજ્ઞોનો ભોક્તા અને પ્રભુ હું જ છું: આમ જેઓ મને સત્યસ્વરૂપે જાણતા નથી, આથી તેઓ (બીજાને ઉપાસી સંસારમાં) પડે છે. (૨૪)
ભાવાર્થ:
જે લોકો મને 'સર્વયજ્ઞાનામ્ ભોક્તા ચ પ્રભુ' તરીકે તત્ત્વે કરીને નથી ઓળખાતા (તત્ત્વેન ન અભિજાનન્તિ) તે લોકોનું પતન થાય છે (ચ્યવન્તિ) એટલે કે જન્મમરણના ચક્કરમાં પડે છે.
હું તમામ યજ્ઞોનો ભોક્તા છું. ગમે તે દેવનો યજ્ઞ કરો, ગમે તે દેવને ફૂલ ચઢાવો અગર તે દેવોની સ્તુતિ કરો તે બધું મને જ પ્રાપ્ત થાય છે કારણ કે સમસ્ત અસ્તિત્વનું કેન્દ્ર હું છું. પ્રાણીમાત્રનું સમસ્ત જીવન મારી આસપાસ ઘૂમે છે. તેથી તમે ગમે તે દેવની પરિક્રમા કરો તે મારી જ પરિક્રમા છે. આવું નહિ સમજનારા લોકો વારંવાર જન્મમરણના ચક્કરમાં ભમે છે અને તેમનો વિકાસ થતો નથી. એકના એક ચક્કરમાં ઘૂમ્યા કરવું તે વિકાસ નથી. આ ચક્કરની બહાર નીકળે તો જ વિકાસ થાય - તો જ ભગવદ્પ્રાપ્તિ થાય.
ગીતા વિકાસવાદી - Evolutionary છે. મન અને તેના વિકારો Repetitive છે અને તે કામનાઓ - વાસનાઓના વિકારોની પુનરુક્તિ જન્મ જન્માન્તરથી કર્યા કરે છે મનમાં રહેલી કામનાઓ - વાસનાઓ જ પુનર્જન્મનું કારણ છે. મન ચોવીસે કલાક અને ચોરાસી લાખ યોનીઓમા યંત્રવત કામનાઓ અને વાસનાઓની આસપાસ ઘૂમ્યા જ કરે છે તે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા દેતું નથી. અને તે જ પરમાત્મા તરફના વિકાસને રોક્યા કરે છે. આહાર - નિદ્રા - ભય - મૈથુન આ વિકારોને દરેક જન્મમાં મન પુનરુક્તિ (Repeat) કરાવ્યા કરે છે. તે પરમાત્માના તત્ત્વને ઓળખાવા દેતું નથી. (ન અભિજાનન્તિ અત:ચ્યવન્તિ) તેથી ચક્કરમાં ભમ્યા કરે છે - પતન પામે છે. પુનર્જન્મનું આ રહસ્ય ભારતીય ધર્મો સિવાય બીજા કોઈ ધર્મો સમજી શક્યા નથી. (જુઓ ગીતા - ૮/૧૬)