Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૯

રાજવિદ્યા રાજગુહ્ય યોગ


પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ ॥ ૨૬॥

પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ ય: મે ભક્ત્યા પ્રયચ્છતિ

ત્ અહમ્ ભક્ત્યુપહૃતમ્ અશ્નામિ પ્રયતાત્મનઃ

ભક્ત્યા - ભક્તિભાવથી

પ્રયચ્છતિ - આપે છે.

પ્રયતાત્મનઃ - તે શુદ્ધબુદ્ધિ નિષ્કામ પ્રેમી ભક્તના

ભક્ત્યુપહૃતમ્ - ભાવપૂર્વક અર્પણ કરેલા

તત્ - તે (પત્ર, પુષ્પ - વગેરેને)

અહમ્ - હું (પ્રેમપૂર્વક)

અશ્નામિ - અંગીકાર કરું છું.

ય: - જે (કોઈ)

મે - મને

પત્રમ્ - પત્ર

પુષ્પમ્ - પુષ્પ

ફલમ્ - ફળ (કે)

તોયમ્ - પાણી (જે કંઈ પણ)

જે મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી આપે છે, તે શુદ્ધ ચિત્તવાળાનું ભક્તિપૂર્વક આપેલું હું સ્વીકારું છું.(૨૬)

ભાવાર્થ:

આ શ્લોકનો સ્થૂળ અર્થ કરીએ તો ભગવાન કહે છે કે મને તમે હીરા, માણેક, મોતી નહીં ચઢાવો તો ચાલશે; પરંતુ ભક્તિભાવપૂર્વક, શુદ્ધ બુદ્ધિથી, નિષ્કામભાવથી, પ્રેમપૂર્વક મને સસ્તામાં સસ્તું એક પત્ર - પુષ્પ - ફળ અગર પાણી ચઢાવશો તો પણ હું તે રાજી થઈને સ્વીકારીશ.

પત્રમ્ - મને એક નાનું સરખું તુલસીપત્ર ચઢાવશો તો પણ ચાલશે. મારે મોટા મોટા કેળના પાનની જરૂર નથી. સોનાચાંદીની પાતળી પાંદડીઓથી મને નહિ મઢો તો ચાલશે. તાંદળજાની ભાજીના એક પાંદડાથી મને તૃપ્ત થયાનો ઓડકાર આવશે.

પુષ્પમ્ - મને એક શુદ્ર આકડાનું ફૂલ ચઢાવશો તો પણ ચાલશે. મારી પાસે ગુલાબ, પારિજાતના પુષ્પો ઘણા છે.

ફલમ્ - મને એક નાનામાં નાનું બોર આપશો તો તેનાથી પણ હું ધરાઈ જઈશ. મને મોટા સફરજન કે નારિયળની ભૂખ નથી. મીઠા મોટા ફળવાળા અસંખ્ય કલ્પવૃક્ષો મારા બગીચામાં છે.

તોયમ્ - મને એક ટીપું પાણીનું આપશો તો પણ મારી તરસ છીપશે. બાકી મારા ચરણમાંથી તો આખી ગંગા નદી નીકળી છે અને મોટા મોટા સમુદ્રો પણ પાણીથી છલ્લોછલ્લ મેં ભર્યા છે.

હું તો માત્ર તમારા ભાવનો ભૂખ્યો છું અને તમારા પ્રેમનો તરસ્યો છું.

આ શ્લોકનો એક સૂક્ષ્મ આધ્યાત્મિક અર્થ પણ થઇ શકે.

પત્રમ્ - એટલે વિધાતાએ લખેલા તમારા લેખનું પાનું - એટલે કે તમારું પ્રારબ્ધ મને સમર્પિત કરી દો અને પછી તમારા પ્રારબ્ધમાં જે કાંઈ સુખદુઃખ આવે તે ભગવદ્દપ્રસાદી માનીને ભોગવી લો, જે ભોગવવાનું હું તમોને બળ આપીશ, શક્તિ આપીશ અને તેનાથી તમને છોડાવીશ.

પુષ્પમ્ - એટલે કે તમારું એકેએક નિષ્કામ કર્મ મારી પૂજાનું પુષ્પ બનાવી દો અને તે પુષ્પ મને ચઢાવો એટલે કે અર્પણ કરો. તમારા તમામ લૌકિક નિયત કર્મો નિષ્કામ ભાવથી, યજ્ઞની ભાવનાથી મારા રાજીપા માટે કરો.

પ્રભુના નામના પુષ્પો પરોવી કાવ્યમાળા તું

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।

સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ॥ ગીતા - ૧૮/૪૬॥

ફલમ્ - એટલે કે તમારા તમામ કર્મોનું ફળ પણ મને અર્પણ કરી દો. કારણ કે તમારા તમામ કર્મોના ફળનો દાતા અને ભોક્તા પણ હું જ છું. કર્મફળ મને અર્પણ કરવાથી તેના શુભ - અશુભ ફળથી અને કર્મબંધનથી હું તને મુક્ત કરીશ અને પછી તે કર્મનું ફળ ભોગવવા તારે જન્મમરણનાં ચક્કર નહીં મારવા પડે.

તોયમ્ - એટલે મારા ગુણ ગાતી વખતે અને મારા ચરણમાં માથું મૂકીને મારી પ્રાર્થના - સ્તુતિ કરતી વખતે તારી આંખમાંથી દડદડ આંસુ ટપકે તે આંસુના પાણી (તોયમ) વડે તું મારા ચરણનું પ્રક્ષાલન કરજે.

આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી અને નિષ્કામ પ્રેમથી મને (પરમાત્માના) ભક્તિભાવપૂર્વક અર્પણ કરેલા પત્રં- પુષ્પમં - ફલં - તોયં હું પ્રેમપૂર્વક સ્વીકારીશ.

1

2

3

11

21

12

22

13

23

4

14

24

5

15

25

6

16

26

7

17

27

8

18

28

9

19

29

10

20

30

31

32

33

34