કેમ કે હે પાર્થ ! ગમે તેવા પાપયોનીવાળા હોય અથવા સ્ત્રીઓ, વૈશ્યો કે શુદ્રો હોય, તેઓ પણ મારો આશ્રય કરી પરમ ગતિ પામે છે. (૩૨)
ભાવાર્થ:
આ શ્લોકમાં 'અપિ' શબ્દનો બે વખત પ્રયોગ કરીને ભગવાને ઊંચી નીચી જાતિના કારણે થનારી વિષમતાનો પોતાનામાં સર્વથા અભાવ બતાવ્યો છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયોની અપેક્ષાએ હીન ગણાતી સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર તથા તેમનાથી પણ હીન ગણાતી ચંડાળ વગેરે કોઈ પણ જાતિ હોય તો પણ મારી તેમાં ભેદબુદ્ધિ નથી. મારે શરણે આવીને કોઈ મારી ભક્તિ કરે તેને હું પરમગતિ આપું છું.
સ્ત્રીજાતિની શુદ્ર શબરીને ભગવાન રામે કહ્યું કે -
કહ રઘુપતિ સુનુ ભામિની બાતા, માનઉ એક ભગતિ કર નાતા
જાતિ પાતી કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ
ભગતિ હીન નર સોહઇ કૈસા, બિનુ બારિદ જળ દેખિયે જૈસા
પૂર્વ જન્મોના પાપોના કારણે ચંડાલ આદિ યોનિઓ 'પાપયોનિ' મનાય છે. તે સિવાય શાસ્ત્રો અનુસાર હુણ - ભીલ - ખસ - યવન વગેરે મ્લેચ્છ જાતિને પણ 'પાપયોનિ' મનાય છે. પરંતુ પ્રભુની ભક્તિ માટે કોઈ પણ જાતિ અગર વર્ણની વ્યક્તિને રુકાવટ નથી. તેમાં તો માત્ર શુદ્ધ પ્રેમની જ આવશ્યકતા છે.
શ્રીમદ ભાગવતમાં ભગવાન કહે છે કે :
ભક્ત્યહમેકયા ગ્રાહ્ય: શ્રદ્ધ્યાત્મ પ્રિય: સતામ્ |
ભક્તિ: પુનાતિ મન્મિષ્ઠા સ્વપાકાનપિ સંભવાત્ ||
(શ્રીમદ્ ભાગવત - ૧૧/૧૪/૨૧)
આ શ્લોકમાં 'પાપયોનયઃ' શબ્દ સ્ત્રી, વૈશ્ય, અને શુદ્રના વિશેષણ તરીકે નથી વાપર્યો. કારણ કે વૈશ્યોની ગણના દ્વિજોમાં કરેલી છે. વૈશ્યોને વેદો ભણવાનો તથા યજ્ઞાદિ વૈદિક કર્મો કરવાનો અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યોની સ્ત્રીઓને પણ પોતાના પતિની સાથે યજ્ઞાદિ વૈદિક કર્મોમાં અધિકાર છે. શુદ્રોની અપેક્ષાએ 'પાપયોનિ' ગણાતા ચંડાલ વગેરે જાતિને પણ ભગવાનની ભક્તિના પ્રતાપે પરમગતિ મળે છે. તે ભક્તિની વિશેષતા છે.
શ્રીમદ્ ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે :
કિરાતહૂણાંદ્રપુલિન્દપુલ્કશા આભીરશુમ્ભા યવનાઃ ખસાદયઃ ।
યેऽન્યે ચ પાપા યદપાશ્રયાશ્રયાઃ શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ ॥
( શ્રીમદ્ ભાગવત - ૨/૪/૧૮ )
મામ્ વ્યપાશ્રિત્ય એટલે કે મારા શરણે આવેલા. એટલે કે ૨૪ માં શ્લોકમાં કહ્યા મુજબ ભક્ત મારી ઉપર પૂર્ણ વિશ્વાસ કરીને પરમાત્માના પ્રત્યેક વિધાનમાં સંતુષ્ટ રહે. પ્રભુના નામ - રૂપ - ગુણ લીલા વગેરેનું નિરંતર શ્રવણ - કીર્તન - ચિંતન કરે - પરમાત્માને જ પોતાની ગતિ - ભર્તા - પ્રભુ માનીને શ્રદ્ધા ભક્તિપૂર્વક તેમનું પૂજન કરે - તેમની આજ્ઞાનું પાલન કરે - અને પોતાના સમસ્ત કર્મ પરમાત્માને સમર્પિત કરે.