ત્રણ વેદ જાણનારા તથા સોમરસ પીનારા નિષ્પાપ મનુષ્યો યજ્ઞો વડે મને પૂજી સ્વર્ગ પ્રાપ્તિ ઈચ્છે છે તેઓ પુણ્યના ફળલોક ઇંદ્રલોકને પામી સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. (૨૦)
ભાવાર્થ:
ત્રૈવિદ્યા: એટલે ત્રણેય વેદોમાં વિધાન કરેલા સકામ કર્મો કરનારા
સોમપા: એટલે સોમરસ પીનારા
પૂતપાપાઃ એટલે સ્વર્ગપ્રાપ્તિ માટે પ્રતિબંધક દેવઋણરૂપી પાપથી મુક્ત થયેલા.
સકામ કર્મ કરનારાઓની વિષયસુખ ભોગવવાની વાસના હજુ મટી હોતી નથી, તેથી તે લોકો પૃથ્વી ઉપરના બંગલાથી કંટાળાથી સ્વર્ગમાં મહેલ બાંધવાની ઈચ્છા રાખે છે પત્નીની સેવાથી કંટાળીને અપ્સરાઓની સેવાની ઝંખના રાખે છે અને તેને માટે તેઓ વેદવિહિત શુભકર્મો સકામ ભાવથી કરે છે અને તેથી કરીને તેઓ સ્વર્ગના સુખોને પ્રાપ્ત પણ થાય છે. પરંતુ તે લોકો મને પ્રાપ્ત થતા નથી. મને તો એવા લોકો જ ઉપલબ્ધ થાય છે, જેઓને સ્વર્ગ અને નરકમાં કોઈ ભેદ રહ્યો નહિ. જે દ્વંદ્વથી મુક્ત થયા છે. પાપ અને પુણ્યથી જે પાર ગયા છે, સુખ અને દુઃખથી જે ઉપર ઉઠી ગયા છે તેઓ જ આનંદને એટલે કે મને પ્રાપ્ત થાય છે. જેને દ્વંદ્વોમાં કોઈ ચુનાવ નથી. Choicelessness. જેને જીવન છે તો પણ ધન્યવાદ, મૃત્યુ આવે તો પણ ધન્યવાદ (સ્વાગત) તેઓ મને પ્રાપ્ત થાય. જે સુખમાં ગયા છે તેમને દુઃખમાં આવવું જ પડશે. ઘડિયાળના પેંડ્યુલમની માફક જે સુખની ટોચ ઉપર પહોંચ્યા છે તે દુઃખની યાત્રામાં પ્રયાણ શરુ કરશે જ. દ્વંદ્વમાં મુક્તિ છે જ નહિ.