મારી પ્રકૃતિનો આશ્રય લઈને પ્રકૃતિને વશ હોવાથી પરતંત્ર એવા સમસ્ત ભૂતોના સમુદાયને હું વારંવાર સર્જુ છું. (૮)
ભાવાર્થ:
જગત એક વ્યસ્વસ્થા છે. એક Cosmos છે - Chaos નથી. અહીં જે કાંઈ થઇ રહ્યું છે તે પ્રયોજનપૂર્વક છે એનું કાંઈક ગંતવ્ય છે - Goal છે - કાંઈ Aim છે. Aimless નથી. તેની પાછળ કોઈ સુનિયોજિત હાથ છે. કોઈ Powerful organizer છે. જગતની ઉત્ત્પત્તિ - સ્થિતિ - લય કશુંય accidental નથી. સાંયોગિક જેવું દેખાય છે પરંતુ સાંયોગિક (accidental) નથી, બધું જ કાર્ય કારણથી આબદ્ધ છે. જેમ શરીરમાં બધા અંગોની એક organic unity છે તેમ સમગ્ર વિશ્વમાં પણ એક organic unity છે. વૃક્ષ ઉગે છે, આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી દોડે છે, નદીઓ સાગર તરફ વહે છે આ બધી અલગ અલગ ઘટનાઓની વચમાં એક અંતર્વ્યવસ્થા વ્યાપ્ત છે. આ અંતર્વ્યવસ્થાનું નામ ઈશ્વર છે. ઈશ્વર કોઈ વ્યક્તિ નથી - અંતર્વ્યવસ્થા છે. સમસ્ત પ્રાણી - પદાર્થ, વસ્તુ - વ્યક્તિની વચમાં આ અંતર્વ્યવસ્થા (ઈશ્વર) અદ્રશ્ય છે. શરીરની અંતર્વ્યવસ્થા - organic unity તૂટી જાય ત્યારે શરીરને paralysis થઇ જાય તેમ જગત જયારે અંતર્વ્યવસ્થાને (ઈશ્વરને) ચુકી જાય - ભૂલી જાય ત્યારે જગતને paralysis (પક્ષાઘાત) થઇ જાય છે.
આખું જગત એક અંતર - સંયોગ, અંતર - સંબંધ છે. આખું જગત એક પરિવાર છે. હું ઈશ્વરને માનુ છું એનો અર્થ એ કે હું આ જગતને એક પરિવાર રૂપે જોઉં છું, ઈશ્વરનો અર્થ એક organization તેમાં કશું જ અકારણ નથી. Every effect has a cause. જગત effect છે. તેનું cause પરમાત્મા છે. He is the cause of all causes. સર્વકારણ કારણ: ઈશ્વર: | જમીનના ઇંચે ઇંચ ઉપર, પ્રકૃતિના ઇંચે ઇંચ ઉપર, વિશ્વના ઇંચે ઇંચ ઉપર બનાવનારની છાપ છે. એક નાના બીજમાં આખા વૃક્ષની blue print - વ્યવસ્થા છે. માતાના ગર્ભમાં પડેલા નાના બુંદમાં એક પુરા વ્યકતિની blue print વ્યવસ્થા પડેલી છે. એવી જ રીતે આખા જગતની બ્લ્યુ પ્રિન્ટ પૂર્ણ વ્યવસ્થા એક અતિ સૂક્ષ્માતિસૂક્ષ્મ મૂળ વ્યવસ્થા અણુમાં પડેલી છે. તે અણુનું નામ પરમાત્મા છે.
બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે. પરંતુ તે જયારે પ્રગટ થાય ત્યારે જ બીજના અસ્તિત્વની ખબર પડે. તેમ જગતનું પ્રગટ થવું તે જ પરમાત્માના અસ્તિત્વની સાબિતી છે - ભલે બીજ (પરમાત્મા) અદ્રશ્ય રહે.
કલ્પના અંતમાં બધું મારી પ્રકૃતિને પ્રાપ્ત થાય છે એટલે કે કલ્પના અંતમાં તમામ ભૂત (becoming) અંતતઃ ઈશ્વરીય થઇ જાય છે. મારી પ્રકૃતિમાં લય થઇ જાય છે. મારો જે સ્વભાવ છે - મારુ જે હોવાપણું છે - મારુ જે અસ્તિત્વ છે, અંતમાં બધું તેમાં લીન થઇ જાય છે. કલ્પનો અંત માત્ર સમાપ્તિ નથી, તેનો અર્થ પૂર્ણતા પણ છે અને દરેક પૂર્ણતા સમાપ્તિ છે. પરંતુ દરેક સમાપ્તિ પૂર્ણતા નથી હોતી. કલ્પના પ્રારંભમાં હું તેને ફરીથી રચું છું એટલે કે નિર્માણ કરું છું.
નિર્માણ પણ વિકાસની એક યાત્રા છે - આ નિર્માણ એક આગલું કદમ છે. મારી ત્રિગુણમયી પ્રકૃતિનો અંગીકાર કરીને, સ્વભાવને વશ થયેલા આ સંપૂર્ણ ભૂત સમુદાયને વારંવાર તેમના કર્મોને અનુસાર હું રચું છું. આ રચના પ્રત્યેકના કર્મને અનુસાર ઘટીત થાય છે - પ્રત્યેક વ્યક્તિ અગર સમસ્ત જગત જયારે પુન: નિર્મિત થાય ત્યારે તે વ્યક્તિ અગર જગતે જે કાંઈ કર્યું, જે કાંઈ પામ્યું, જે કાંઈ અનુભવ કર્યો, જે કાંઈ પ્રગતિનું ફળ મળ્યું તે તમામ ફરીથી બીજ બની જાય. ફરીથી નવનિર્માણ વખતે તે બીજમાંથી જ વ્યક્તિનું વ્યક્તિત્વ અને તમામ પ્રાણી પદાર્થનું નવનિર્માણ થાય છે. આ પ્રમાણે આ જગતની તમામ ગતિ circular - વર્તુળાકાર છે. બાળક વૃદ્ધ થાય છે. પાછો વૃદ્ધ બાળક થાય છે. બીજમાંથી વૃક્ષ થાય છે પાછા એ જ વૃક્ષમાંથી નવા બીજ પેદા થાય છે.
આ નવનિર્માણ - નવ રચના - જગતના તમામ ભૂત પ્રાણી માત્રના કર્માનુસાર થાય છે - આજે તમે જે છો તે તમારા સમસ્ત "કાલ"ની જોડ છો અને આવતી કાલે તમે જે હોવાના તેમાં તમારો અત્યાર સુધીનો સમસ્ત જોડ હોવાનો. તમારું સમસ્ત જીવન તમારા કર્મોનો સાર છે. એક અર્થમાં આ બધી self propagating સ્વચાલિત વ્યવસ્થા છે.
કલ્પનો અર્થ માત્ર બ્રહ્માનો દિવસ એટલો જ નથી. કલ્પ એટલે અમુક કાળમર્યાદા - નિશ્ચિત કાર્યક્રમ - સંકલ્પિત કાર્યની કાળમર્યાદા પ્રમાણે પ્રત્યેક જીવાત્મા પ્રાકૃતિક નિયમ પ્રમાણે વિશ્રામ લઈને "કલ્પાદૌ" બીજા કલ્પની શરૂઆતમાં પોતાની પ્રવૃત્તિ - પ્રગતિને આગળ ધપાવવા કટીબદ્ધ થાય છે અને પોતપોતાના કર્મોને અનુસાર આગળ વધે છે. અને તે પરમાત્માના સંકલ્પ અને પ્રેરણા અનુસાર તેણે વર્તવાનું હોય છે. કલ્પની સમાપ્તિના સમયે સર્વભૂત પ્રકૃતિમાં લીન થાય છે. સંકલ્પિત કાર્યની સમાપ્તિ થતા સર્વભૂત પ્રકૃતિની સ્થિતિને પ્રાપ્ત થાય છે. પ્રકૃતિની અવસ્થા ગુણસામ્યા છે. એમાં કોઈ પ્રકારનું હલનચલન થતું નથી. સર્વ ભૂત પ્રકૃતિમાં લીન થાય છે. તેનો અર્થ નિદ્રામાં લીન થવું, ક્રિયાહીન થવું અને ત્યાર પછી બીજો કાર્યક્રમ તૈયાર રાખવો.
આ શ્લોકમાં પ્રકૃતિ શબ્દના બે અર્થ છે. એક જગ્યાએ મૂળ પ્રકૃતિ - ગુણ સામ્યાવસ્થા - ક્રિયાહીન અવસ્થા એ અર્થ બરાબર છે. બીજી જગ્યાએ પ્રકૃતિ સ્વભાવ - નિજ સ્વભાવ એ અર્થ બરાબર છે. અનેક જીવો આ સૃષ્ટિમાં આવીને પોતાની પરમ ઉન્નતિની પ્રાપ્તિ માટે વિશેષ પુરુષાર્થ કરતા કરતા પરમ ઉત્કર્ષને પ્રાપ્ત થાય છે. આ જ ઈશ્વરનો કલ્પ છે. અર્થાત સંકલ્પ, કલ્પના કે યોજના છે. પોતાની પ્રકૃતિને અનુસાર જ પ્રાણી કાર્ય વ્યવહાર કરે છે. ગાય સાત્વિક છે તે દૂધ આપે છે. વાઘ માંસ ખાય છે અને મારફાડ કરે છે. મનુષ્ય તથા અન્ય પ્રાણી પદાર્થ પોતાની પ્રકૃતિને આધીન હોવાને કારણે પરાધીન છે.
સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥
(ગીતા - ૩/33)
એટલા માટે તો છેવટે ભગવાને અર્જુનને કહ્યું કે -
યદહઙ્કારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥
(ગીતા - ૧૮/૫૯)
સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા ।
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોઽપિ તત્ ॥
(ગીતા - ૧૮/૬૦)
જે કર્મ જેનો સ્વધર્મ છે તે જ કર્મ તેણે કરવું જોઈએ. સાત્વિક પ્રકૃતિવાળાને સાત્વિક કર્મ સોંપવું જોઈએ. તેવી જ રીતે રાજસિક - તામસિક પ્રકૃતિવાળાને તેમની પ્રકૃતિ અનુસાર કર્મ સોંપવામાં આવે તો જ તેઓ તે કર્મ સરળતાથી અને ફળદાયી કરી શકે. એક જ પ્રકારના કાર્યમાં બધાને ઘસડી જવાથી અગર તો તેમને તેમની પ્રકૃતિથી વિરુદ્ધનું કામ સોંપવાથી તે કામ બગાડે.