Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

દ્રોણં ચ ભીષ્મં ચ જયદ્રથં ચ કર્ણં તથાન્યાનપિ યોધવીરાન્ ।
મયા હતાંસ્ત્વં જહિ મા વ્યથિષ્ઠા યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્ ॥ ૩૪॥

દ્રોણમ્ ચ ભીષ્મમ્ ચ જયદ્રથમ્ ચ કર્ણમ્ તથા અન્યાન્ અપિ યોધવીરાન્

મયા હતા: ત્વમ્ જહિ મા વ્યથિષ્ઠા: યુધ્યસ્વ જેતાસિ રણે સપત્નાન્

તથા :-

અન્યાન્ અપિ - બીજા પણ

યોધવીરાન્ - વીર યોદ્ધાઓને

ત્વમ્ - તું

જહિ - માર,

મા વ્યથિષ્ઠા: - ગભરાઈશ નહીં

યુધ્યસ્વ - યુદ્ધ કર

રણે - યુધ્દમાં (તું)

સપત્નાન્ - શત્રુઓને

જેતાસિ - (જરૂર) જીતીશ

મયા - મેં

હતાન્ - મારેલા (છે) તેવા

દ્રોણમ્ - દ્રોણાચાર્ય

ચ - અને

ભીષ્મમ્ - ભીષ્મ પિતામહ

ચ - તથા

જયદ્રથમ્ - જયદ્રથ

કર્ણમ્ - કર્ણ

તથા - તથા

દ્રોણ, ભીષ્મ, જયદ્રથ અને કર્ણ તેમ જ બીજા યોદ્ધાઓને મેં હણેલા જ છે. તેમને તું હણ. વ્યથિત ન થા. યુદ્ધ કર, રણમાં તું શત્રુઓને જીતીશ. (૩૪)

ભાવાર્થ:

ભગવાન પોતાની ઓળખાણ આપતા કહે છે કે અત્યારે આ સમયે હું તમામ પ્રતિપક્ષીઓને નષ્ટ કરવા માટે જ પ્રવૃદ્ધો (પ્રગટ) ઉપસ્થિત થયો છું. અને તેને માટે જ પ્રવૃત થયો છું. એટલે તું યુદ્ધ કરવા હા પડે તો પણ અને તું યુદ્ધ છોડીને સંન્યાસ લઈને નાસી જાય તો પણ (ઋતે અપિ ત્વામ્ - in spite of you.) આ લોકો જીવતા રહેવાના નથી જ, કારણ કે મારાથી તે લોકો ક્યારનાય હણાઈ ચૂકેલા છે. તારે તો ફક્ત મારેલાઓને જ મારવાના છે તેમાં તારે કાંઈ જ ધાડ મારવાની નથી. તેમના મોતનું કારણ તું નથી થવાનો. તેમના મોતનું કારણ તો હું છું. તારે તો માત્ર નિમિત્ત જ થવાનું છે. તું ખોટો કર્તાપણાનો અહંકાર લઈને બેઠો છું. કારણ કે અત્યારે આ લોકોનું મોત નિયત થયેલું છે - નિશ્ચિત થયેલું છે. અત્યારે આ સમયે હું મહાકાલ સ્વરૂપે પ્રગટ પ્રવૃદ્ધ થયેલો છું. આ પણ મારુ જ એક સ્વરૂપ છે. જે વિધ્વંશનું સ્વરૂપ છે. મારા ત્રણ સ્વરુપો મુખ્ય છે. એક સૃજનનું, બીજું રક્ષણનું અને ત્રીજું વિધ્વંશનું.

સૃજન રક્ષન હરન વિશ્વમ્ ધત્તે સંજ્ઞામ્ ક્રિયોચિતમ્ (શ્રીમદ્ ભાગવત)

અત્યારે મારુ આ ત્રીજું વિધ્વંશનું સ્વરૂપ પ્રગટ થયેલું છે. થોડા જ વખતમાં આ લોકો કાળના મુખમાં કોળીઓ થઇ જવાના છે. પરંતુ તને આ ભવિષ્યનું દ્રશ્ય થોડું અગાઉથી જોવા મળી ગયું. ખરેખર તો ભવિષ્ય કોઈને નિશ્ચિત બનાવ બનતા પહેલા અગાઉથી જોવા મળતું જ નથી. પરંતુ આ તો મારી કૃપાથી તને ભવિષ્યનું દ્રશ્ય, તેનો પ્રિ-વ્યુ, તને અગાઉથી જોવા મળી ગયો. ભવિષ્ય એટલે - જે ઘટના બન્યા પહેલા અગાઉથી જોવા ના મળે તેને ભવિષ્ય કહેવાય. અગાઉથી નહીં તેનો અર્થ એ નહીં કે તે નથી. અગાઉથી તે હોવું જ જોઈએ, તો જ તે ભવિષ્યમાં દેખાય - ભલે અત્યારે ના દેખાતું હોય. એક માણસ વૃક્ષની ટોચે બેઠો હોય તેને છેટેથી નેળીયામાંથી ગાડું આવતું હોય ત્યારે પણ દેખાય (ભવિષ્ય), ઝાડની નીચે ગાડું આવે ત્યારે પણ દેખાય (વર્તમાન) અને ત્યાર પછી દૂરદૂર આગળના નેળીયામાં ગાડું જતું હોય ત્યારે પણ (ભૂતકાળ) દેખાય. પરંતુ ઝાડની નીચે બેઠેલા માણસને ભવિષ્યમાં આવનારું ગાડું ના દેખાય. માત્ર વર્તમાનમાં જ ઝાડ નીચે આવેલું ગાડું દેખાય અને ભૂતકાળમાં તે ગાડું આવીને જતું રહ્યું તેમ તે કહી શકે - દેખી શકે નહીં.

રોડ ઉપર અડધો કિલોમીટર ચાલ્યા પછી એક હોસ્પિટલ દેખાય. બીજો અડધો કિલોમીટર ચાલ્યા પછી એક લાયબ્રેરી દેખાય. ત્રીજો અડધો કિલોમીટર ચાલ્યા પછી પોસ્ટ ઓફિસ દેખાય, ચોથો અડધો કિલોમીટર ચાલ્યા પછી એક મંદિર દેખાય. તેનો અર્થ એ કે રોડ ઉપર ચાલવાની શરૂઆત કરી તે પહેલાના આ હોસ્પિટલ, લાયબ્રેરી, પોસ્ટ ઓફિસ, મંદિર વગેરે ભવિષ્યના ગર્ભમાં હતા જ અને જેમ જેમ યાત્રા ચાલતી ગઈ તેમ તેમ તે ભૂતકાળમાં વિલીન થતા ગયા.

અર્જુનને તો માત્ર નિમિત્ત જ થવાનું છે, બાકી આ વિધ્વંશનું કારણ તો મહાકાળ (ઈશ્વર) છે. નિમિત્ત અને કારણમાં શું તફાવત?

(૧) કારણ એટલે જેના વગર ઘટના ઘટિત ના થાય.

(૨) નિમિત્ત એટલે જેના વગર પણ ઘટના ઘટિત થઇ શકે

(૩) નિમિત્ત બદલી શકાય - કારણ બદલી શકાય નહીં.

દા.ત. દૂધ ગરમ કરવામાં અગ્નિ કારણ છે. અગ્નિ વગર દૂધ ગરમ થઇ શકે જ નહીં, જયારે તપેલી નિમિત્ત છે. તપેલી ના હોય તો વાડકામાં અગર તો પવાલામા અગર તો લોટામાં પણ ગરમ થઇ શકે.

ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરેના મોતમાં કાળ મહાકાળ (પરમાત્મા) કારણ છે અને અર્જુન નિમિત્ત છે. મહાકાળ (કારણ) હોય તો જ તેમનું મૃત્યુ (કાર્ય) સંભવે - અર્જુન (નિમિત્ત) હોય તો પણ અને ના હોય તો પણ.

એક મિલિટરીમેન ડંફાસ મારતો હતો કે મેં રણમેદાનમાં સેંકડો માણસોના પગ કાપી નાખ્યા. માત્ર પગ જ કાપી નાખ્યા કારણ કે તેમના માથા તો કપાઈ ગયેલા હતા. એટલે કે તેઓ મરેલા જ પડ્યા હતા. અર્જુનને તો ફક્ત મરેલાઓને જ મારવાના છે. માત્ર નિમિત્ત જ બનવાનું છે. He has only to be the last straw on the camel’s back.

અર્જુન ! તને તો મફતના ભાવમાં જશ અને રાજ્ય મળે છે. તું નિયતિનો સ્વીકાર કર અને જે થવાકાળ છે - જેમ થવા બેઠું છે તેમ થવા દે. તું તેમાં આડ નાખીશ અને નાસી જઈશ તો પણ આ લોકો બીજા કોઈ નિમિત્તે પણ મરવાના જ છે અને તેમાં તારું કાંઈ નહીં ચાલે અને તું ઉલટો કાયરમાં અને મૂર્ખમાં ખપીશ.

કૌરવો તેમના પાપે મર્યા તેથી પરમાત્માને મહાકાળ વિધ્વંશકારી સ્વરૂપે પ્રગટ થઈને કારણ બનવું પડ્યું અને અર્જુનને માત્ર નિમિત્ત જ બનાવ્યો. બાકી પરમાત્મા પોતાને (બ્રહ્મને) તો અર્જુન પ્રત્યે કોઈ પક્ષપાત નથી તો કૌરવો પ્રત્યે પણ કોઈ દ્વેષભાવ નથી. માણસ માત્ર તેના કર્મોથી દુઃખ પામે છે, તેમાં નિયત સમય (કાળ - ઈશ્વર - controller ) કારણ બને છે અને કોઈને નિમિત્ત બનાવીને તેની મારફતે તેને સુખદુઃખ પહોંચાડે છે તેમાં પરમાત્માને તો

સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ । ( ગીતા - ૯/૨૯)

ભીષ્મ, દ્રોણ વગેરે સાત્વિક વૃતિવાળા હોવા છતાં માર્યા ગયા કારણ કે તેમણે પાપીઓનો પક્ષ લીધો.