આવું આ મારુ વિકરાળ રૂપ જોઈ તને દુઃખ ના થાઓ અને અતિ મૂઢ ભાવ ના થાઓ. તું ભયરહિત અને પ્રસન્ન મનવાળો થઇ મારુ તે જ આ રૂપ સારી રીતે જો. (૪૯)
ભાવાર્થ
પરમાત્માનું વિકરાળ રૂપ જોઈને અર્જુનને વ્યાકુળતા ના થાય અને મૂઢભાવ ના આવે એટલા માટે તેને ભયરહિત પ્રીતિયુક્ત મનવાળો કરવા માટે પરમાત્માએ શંખ - ચક્ર - ગદા - પદ્મધારી સગુણ સાકાર ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું જેથી અર્જુનને રાહત શાંત્વના મળે.
વિરાટનો અને વ્યક્તિનો સંબધ મા - બેટા જેવો છે. બાપ - બેટા જેવો નથી. આપણે વિરાટ (પ્રકૃતિ)માંથી પેદા થયા છીએ અને તેની જ લહેરો - તરંગો છીએ. અને તેનાથી જ આપનું વ્યક્તિત્વ છે. ગર્ભમાં બાળક પોતાનો શ્વાસ પણ નથી લેતું. માથી જ તે જીવે છે. માનો પ્રાણ એનો પ્રાણ છે. મા - બેટાનો સંબંધ છે તેવો જ અસ્તિત્વનો આપણી સાથે સંબંધ છે. પ્રકૃતિ (અસ્તિત્વ - વિરાટ) આપણને દુઃખી કરવા માંગતી નથી. જીવન (પ્રકૃતિ) તો આપણને પુરી સુવિધા - અવસર - સામર્થ્ય આપે છે. પરંતુ આપણે દુઃખી થઈએ છીએ તે આપણી ગરબડ છે. અર્જુનની ખરા હૃદયની માંગણી કૃષ્ણે સાકાર રૂપ ધરીને પૂર્ણ કરી.