Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અર્જુન ઉવાચ ।
સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ ।
રક્ષાંસિ ભીતાનિ દિશો દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ઘાઃ ॥ ૩૬॥

સ્થાને હૃષીકેશ તવ પ્રકીર્ત્યા જગત્ પ્રહૃષ્યતિ અનુરજ્યતે ચ

રક્ષાંસિ ભીતાનિ દિશ: દ્રવન્તિ સર્વે નમસ્યન્તિ ચ સિદ્ધસઙ્ઘાઃ

અર્જુન બોલ્યો:

દિશ: - દિશાઓમાં

દ્રવન્તિ - દોડે છે.

ચ - અને

સર્વે - સઘળા

સિદ્ધસઙ્ઘાઃ - સિદ્ધોના સમૂહો

નમસ્યન્તિ - નમસ્કાર કરે છે.

સ્થાને - (એ) યોગ્ય જ (છે)

હૃષીકેશ - હે અંતર્યામી !

તવ - આપના

પ્રકીર્ત્યા - કીર્તનથી

જગત્ - જગત

પ્રહૃષ્યતિ - આનંદ પામે છે.

અનુરજ્યતે - પ્રેમવશ થાય છે. (તથા)

ભીતાનિ - ભય પામેલા

રક્ષાંસિ - રાક્ષસો

હે ઇન્દ્રિયોના નિયંતા ! આપના કીર્તનથી જગત અતિ હર્ષ પામે છે અને (આપનામાં) પ્રેમવાળું બને છે અને રાક્ષસો તો (તમારું આ સ્વરૂપ જોઈને) ભયભીત થઈને આમતેમ દિશાઓમાં ભાગી જાય છે. તથા સર્વે સિદ્ધ લોકોના સમુદાયો આપને નમસ્કાર કરી રહ્યા છે. આ બધું આપને યોગ્ય જ છે. (૩૬)

ભાવાર્થ:

સ્તુતિમાં અર્જુન કહે છે કે -

હે ઋષિકેશ ! આપના નામ અને પ્રભાવના કીર્તનથી (પ્રકીર્ત્યા) જગત અત્યંત હર્ષિત થાય છે - અનુરાગને પ્રાપ્ત થાય છે. જયારે ભયભીત થયેલા રાક્ષસ લોકો બધી દિશાઓમાં નાસભાગ કરે છે - તથા સિદ્ધગણોનો સમુદાય તમને નમસ્કાર કરે છે - તે બધું યોગ્ય જ (સ્થાને) છે. It is all in the fitness of things. કોઈ આપના નામથી હર્ષિત થાય છે અને કોઈ આપના નામથી ભયભીત થાય છે. - બંને વાત બરાબર છે.

જિન્હકી રહી ભાવના જૈસી.

કારણ કે જે લોકોએ મરવાના જ ધંધા કર્યા છે તેમને માટે આપ વિધ્વંશરૂપ બની ગયા છો. તેઓ તો તમને જોઈને ભયભીત થાય છે. પરંતુ જે લોકો આનંદને - પરમ અવસ્થાને ઉપલબ્ધ થવાને લાયક બન્યા છે - જેની અંદર નવીનતાનું સર્જન થઇ રહ્યું છે તે લોકો આપને જોઈને હર્ષિત થાય છે. અહીં અર્જુનને ભય અને હર્ષ બંને થઇ રહ્યા છે.

આપણને પણ ભય અને હર્ષ બંને થવાના, કારણ કે આ જગતમાં દેવતાઓને અલગ અને રાક્ષસોને અલગ અલગ ખોળવા મુશ્કેલ છે. દરેક વ્યક્તિ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનું મિક્સર છે. - પરંતુ પરમાત્માના નામ અને પ્રભાવના કીર્તનથી (પ્રકીર્ત્યા) આપણે હર્ષિત થઇ શકીએ છીએ. કારણ કે અધ્યાત્મમાં કીર્તનનો એ જ અર્થ છે કે તેનાથી આપણે એક નામના સહારે - એક ગીતના સહારે - એક ધૂનના સહારે - એક નૃત્યની ગતિના સહારે આપણામાં જે એક મનુષ્ય હોવાના હોશ છે તે ખોવાઈ જાય છે અને જે પરમાત્મા હોવાના હોશ છે તે તરફ આપણી ગતિ થાય છે. કીર્તન વખતે માણસ પોતાની જાતને ભૂલી જાય કે હું પુરુષ છું કે સ્ત્રી છું તો જ કીર્તન કર્યું ગણાય. કીર્તન તો પ્રભુની પાછળ પાગલ થયેલાઓનો માર્ગ છે - જેને પોતાની જાતને અને બાહ્ય પરિસ્થિતિઓને ભૂલી જવાની પૂરેપૂરી તૈયારી હોય. કીર્તન બુધ્ધિમાનોનું કામ નથી. આપણે અત્યંત (જરાક વધારે પડતા) બુદ્ધિશાળી થઇ ગયા છીએ, તેથી આપણી કીર્તનની કળા ખોવાઈ ગઈ છે. નરસિંહ - મીરા જેણે બુદ્ધિને ગીરો મૂકી દીધી છે (પરમાત્માના ચરણમાં) તેવા લોકો જ કીર્તન કરી શકે, બાકીના બીજા તો માત્ર રાગડા જ તાણે છે અને તાબોટા જ પડે છે.