અર્જુન હવે તદ્દન ઢીલો પડી ગયો છે અને પૂછે છે કે આપ ખરેખર કોણ છો કારણ કે તેના માનવામાં નથી આવતું કે પરમાત્માનું આટલું બધું ભયંકર ઉગ્ર રૂપ હોઈ શકે. એના તો બચારાનાં છકકા છૂટી ગયા છે. એને એમ થાય છે કે મને કાંઈક ભ્રમ પેદા થયો લાગે છે, અગર તો કોક મને બીવડાવે છે, અગર તો કોક મારી પરીક્ષા લે છે, અગર તો કોક મારી સાથે ધોખાબાજી કરતું હશે. તેથી તે પૂછે છે કે તમે ખરેખર પરમાત્મા પરમતત્ત્વ જ છો કે કોણ છો?
ખુબ ગભરાટમાં બોલે છે કે હું આપને હાથ જોડીને નમસ્કાર કરીને કહું છું કે આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને કહો કે આપ આદિ - અનાદિ તત્ત્વ શું છો. અને આપની આ શું પ્રવૃત્તિ છે એટલે કે આપ શું કરવા માગો છો. આપે આ શું માંડયું છે - આપે શું ધાર્યું છે તે મને બિલકુલ સમજાતું નથી. તમે સમસ્ત લોકના મૃત્યુ સ્વરૂપે છો - લોકોને ચાટી ચાટીને ગળી જાઓ છો. આપ આ બધું શું કરો છો તેની સાથે મારે મતલબ નથી. આપ આપની આ બધી પ્રવૃત્તિને સંકેલી લો અને મને સમજાવો કે કેન્દ્રમાં - Essenceane માં - સારમાં - તત્ત્વમાં આપ ખરેખર શું છો તે મારે જાણવું છે.
આપણે બધા પરમાત્માને જાણવા માંગીએ છીએ પરંતુ તેની પ્રવૃત્તિથી બચવા માંગીએ છીએ. ખરેખર તો આ આખો સંસાર જ પરમાત્માની પ્રવૃત્તિ છે - ખેલ છે. આપણે તેનાથી બચવા માંગીએ છીએ અને પરમાત્માને જાણવા માંગીએ છીએ. એટલે કહીએ છીએ કે "હે ભગવન ! અમને સંસારથી છોડાવો અને તમારી પાસે બોલાવી લો" - જાણે કે સંસારમાં પરમાત્મા આપણી પાસે નથી - સંસારથી ક્યાંક દૂર બેઠા હશે. એટલે આપણે કહીએ છીએ કે "હે પ્રભુ ! અમને ભવસાગરમાંથી બહાર કાઢો - આ ભવબંધનમાંથી મુક્ત કરો અને તમારે ગળે અમને વળગાડી દો" - જાણે કે આ બંધનને પરમાત્માએ ગળે નહીં વળગાડ્યુ હોય. આપણે રાડો પાડીએ છીએ કે "હે પ્રભુ! આ બૈરીથી ક્યારે છોડાવશો - આ ધણીથી - આ દીકરાથી હવે ક્યારે છોડાવશો? હે પ્રભુ ! મને જલ્દીથી તમારી પાસે બોલાવી લો" - જાણે કે બૈરી, છોકરા, ધણીમાં પરમાત્મા નહીં બેઠો હોય.
યશોધરાએ બુદ્ધને પૂછ્યું કે તમે મને છોડીને જંગલમાં નાઠા અને જંગલમાં તમને પરમાત્માનો સાક્ષાત્કાર થયો તો તે પરમાત્મા તમને મારામાં ના દેખાયો? તમે બૈરી - છોકરા છોડીને જંગલમાં નાઠા ત્યાં તમને નવું શું મળ્યું? રવીન્દ્રનાથે આ વાત તેમના કાવ્યમાં લખી છે અને બુદ્ધને નિરુત્તર બનાવી દીધા છે - પરંતુ બુદ્ધ કદાચ જવાબ આપી શક્યા હોત કે, તારામાં પણ હું પરમાત્માની ઝાંખી કરી શકત પરંતુ તે વાત હું જંગલમાં તપશ્ચર્યા કર્યા પછી સમજ્યો.
સંસાર તમારા જ કર્મનો વિપાક છે. તમે જ તમારી મેળે તમારા જ કર્મો દ્વારા તમે તમારા સંસારનું નિર્માણ કર્યું છે - તમે જ તમારો સંસાર તમારી જાતે ઉભો કર્યો છે અને હવે પાછા તમે સંસારમાંથી મને છોડાવો એવી પરમાત્મા પાસે માંગણી કરો છો.
કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ( ગીતા - ૧૫/૨)
અર્જુન કહે છે કે આપની પ્રવૃત્તિની મને સમજણ પડતી નથી પરંતુ હું આપના તત્ત્વને જાણવા માંગુ છું.
વિજ્ઞાતુમ્ ઈચ્છામિ ભવન્તમ્ આદ્યમ્ |
તમામ પ્રવૃત્તિના આદિ પુરુષ પરમ તત્વ આપ કોણ છો?
યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી | (ગીતા - ૧૫/૪)
તે મારે જાણવું છે. પરંતુ પરમ તત્વ તો શૂન્ય છે અને શૂન્યને દેખવાની ક્ષમતા તો ઘણી મુશ્કેલ છે. એ તો
અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા | (ગીતા - ૧૫/૩)
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં | (ગીતા - ૧૫/૪)
શૂન્ય જયારે પ્રવૃત્તિ બને છે ત્યારે તે આપણી પકડમાં આવે છે. આપણે કોઈને કહીએ કે એવું કરો કે હું આપનું મૌન સાંભળી શકું તો તે મુશ્કેલ થઇ જાય, તેના જેવી આ વાત છે. મૌન સાંભળવું હોય તો તમારે શૂન્ય થઇ જવું પડે. શૂન્ય થઇ જઈને તમે રમણ મહર્ષિ પાસે જાઓ તો જ તેમનું મૌન તમને સંભળાય. મૌન સાંભળવું હોય તો તમારે મૌન થવાની કળા શીખવી પડે.
અર્જુન કહે છે કે આપના તત્ત્વમાં હું આપને જોવા માંગુ છું પરંતુ તત્ત્વને તો તે જ જોઈ શકે જે પોતે તત્ત્વ થવા રાજી હોય - શૂન્ય થવા માટે રાજી હોય - અને તે જ આ જગતમાં શૂન્યને પણ જોઈ શકે. જ્યાં સુધી તમારી શૂન્ય થવાની તૈયારી નથી ત્યાં સુધી તમને પ્રવૃત્તિ જ દેખાવાની. ઘણી વખત આપણે સંસારને પ્રવૃત્તિની જાળ કહીએ છીએ અને સંન્યાસને નિવૃત્તિ કહીએ છીએ - નિવૃત્તિ એટલે પ્રવૃત્તિથી હટી જવું તે - બાકી સંસાર તો પ્રવૃત્તિની જ જાળ છે. તેમાંથી તમે ગમે તેટલા ભાગવા પ્રયત્ન કરો તો પણ તમે સંસારની બહાર નીકળી શકો જ નહીં. જ્યાં જુઓ ત્યાં પ્રવૃત્તિ જ પ્રવૃત્તિ - સંસાર જ સંસાર. ક્યાંક બજારની પ્રવૃત્તિ - ક્યાંક વૃક્ષોમાં પક્ષીઓનો કિલકિલાટ - ક્યાંક નદીમાં વહેતા પાણીનો ખળખળ અવાજ - પરંતુ આ બધી એની જ પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિની બહાર જવાનો કોઈ ઈલાજ છે જ નહીં.
પ્રવૃત્તિની બહાર જવાનો એક જ ઉપાય - વાસનાના ક્ષય સહિત ભક્તિભાવ પૂર્વક નિષ્કામ કર્મ. માણસને વાસના બાંધે છે, પ્રવૃત્તિ નથી બાંધતી. કોઈપણ કર્મ પાપ અગર પુણ્ય નથી. કર્તાના ભાવ પ્રમાણે કોઈપણ કર્મ પાપ અગર પુણ્ય કહેવાય છે. કર્તાપણાનો અહંકાર અને કર્મફળની વાસના સંસારના બંધનનું કારણ છે. જેની વાસનાનો ક્ષય થઇ ગયો તે અચાનક શૂન્ય થઇ જાય છે અને જે શૂન્ય થઇ જાય છે તે જ તત્ત્વને જાણી શકે છે. વાસનાથી જ અંતઃકરણનું શૂન્ય ખંડિત થઇ જાય છે.