પરંતુ પોતાના આ (સ્થૂળ) ચક્ષુથી જ તું મને જોવા સમર્થ નથી, (માટે) હું તને દિવ્ય ચક્ષુ આપું છું; (તેનાથી) મારો ઈશ્વરીય યોગ તું જો. (૮)
ભાવાર્થ:
ઈશ્વર એક છે, માટે રૂપ પણ એક જ હશે એમ અર્જુન માનતો હશે. તેનો સંદેહ પૂર્ણ રીતે દૂર કરવા માટે ભગવાન કહે છે કે મારા સેંકડો - હજારો - લાખો અને કરોડો રૂપો છે. લાખો આદિત્યો આકાશમંડળમાં છે. તે બધા સૂર્યો ઈશ્વરના જ રૂપો છે. પૃથ્વી - અગ્નિ - વાયુ - અંતરિક્ષ - દ્યો - નક્ષત્ર - ચંદ્રમા અને સૂર્ય વગેરે આઠ વસુ, બધા રુદ્ર અર્થાત દરેક પ્રકારના પ્રાણ, મેઘમંડળમાં જણાતા અને શબ્દ કરનારા મેઘ, ૪૯ પ્રકારના મરૂત ગણ, વાયુઓ, અશ્વિનીદેવ, તારાઓ બધા ઈશ્વરના જ રૂપો છે. આ જગતમાં જેટલા જેટલા આશ્વર્યો છે તે બધા અવ્યય આત્માના જ ઈશ્વરીય રૂપો છે. સૂર્યની મહત્તા, જીવનું હલન-ચલન, જળનો પ્રભાવ, પૃથ્વીની ઉત્પન્ન કરવાની શક્તિ એવા લાખો કરોડો આશ્વર્યો આ વિશ્વમાં પ્રતિક્ષણ થઇ રહ્યા છે. તે બધી ઘટનાઓ અને અપૂર્વ ચમત્કારો બધા પરમેશ્વરના જ રૂપો છે અને તે બધા ઈશ્વરના જ ભાવો છે. અર્જુન એક જ ઈશ્વરનું એક જ રૂપ જોવા માંગતો હતો, ત્યારે પરમાત્મા ઈશ્વરના અનંત અનેક રૂપો હોવાનું સ્પષ્ટ વર્ણન કરે છે.
એક ઈશ્વરના અનેક રૂપ કેવી રીતે હોઈ શકે ? આ જગતની તમામ વિવિધતાઓ અને પરસ્પર વિરોધી ભાવો બધા એક જ આત્માના છે, તે કેવી રીતે મનાય? પાણી અને અગ્નિ બંને પરસ્પર વિરોધી ભાવો એક જ ઈશ્વરના રૂપ હોઈ શકે? જ્ઞાન અને અજ્ઞાન, શૂરતા અને ભીરુતા, ઉદારતા અને કૃપણતા, દયા અને કપટ બધા એક જ ઈશ્વરના ભાવ હોઈ શકે? તે સમજાવવા માટે ભગવાન કહે છે કે.
ઇહ એકસ્થં જગત કૃત્સ્નમ સચરાચરં મમ દેહે પશ્ય ||
પરમાત્માના દેહમાં બધા તત્ત્વોની ભિન્નતા નહીં, પરંતુ એકરૂપતા છે. તમામ દ્વંદ્વો એક જ નિર્દ્વંદ્વમાં એક જ રૂપે સમાયેલ છે. મોટરકારમાં પરસ્પર વિરોધી બ્રેક અને એક્સલેટર એક જ કારનાં અનિવાર્ય અંગો છે. બંગલામાં રસોડું અને જાજરૂ બંને અનિવાર્ય છે. ઈશ્વરના બ્રહ્માંડ દેહમાં બધા દ્વંદ્વોની Organic unity છે. જેમ ભારતીય - Indian માં બધા હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈનનો સમાવેશ થાય છે, તેમ શરીરમાં આંખ, કાન, નાક, જીભ, દાંત, બધા અવયવોની વિભિન્નતા હોવા છતાં પણ "હું પણા" ની એકરૂપતામાં બધા ભેદભાવો ભૂંસાઈ જાય છે. અનંત વસ્તુઓમાં એક જ તત્વ ભરેલું છે એટલું જ નહીં, પરંતુ વસ્તુઓની અનેક્તા વાસ્તવિક નથી પરંતુ એક જ તત્ત્વ વિવિધ વસ્તુઓના રૂપો લઈને વિશ્વરૂપ બનીને આપણી સામે ખડું છે તેવો અનુભવ થાય તે દિવ્ય દ્રષ્ટિનો અનુભવ છે. નરસિંહ કહે છે :
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે
વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનકકુંડળ મહી ભેદ ન્હોયે
ઘાટ ઘડયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.
દિવ્યદ્રષ્ટિ - જ્ઞાનચક્ષુ
આંધળાને પ્રકાશ દેખાય નહીં તેને અંધારું પણ દેખાય નહીં. પ્રકાશ જોવા માટે આંખ જોઈએ. કાનથી પ્રકાશ ના દેખાય. સ્પર્શેન્દ્રિયથી પ્રકાશનો સ્પર્શ ના થઇ શકે. નાકથી પ્રકાશ ના પરખાય. જીભથી પ્રકાશ ના ચાખી શકાય. આંખ સિવાય બીજી કોઈ પણ જ્ઞાનેન્દ્રિયથી પ્રકાશ અગર અંધકારનો અનુભવ ના થઇ શકે. અંધારાનો અનુભવ પણ આંખનો જ અનુભવ છે. આંધળાને અંધકારનો પણ અનુભવ નથી. તમને અંધકારનો અનુભવ થાય છે કારણ કે તમે આંધળા નથી. તમને પ્રકાશનો અનુભવ થાય છે, તેથી જ તમને પ્રકાશથી વિપરીત અંધારાનો અનુભવ થાય છે.
એવી જ રીતે ઈશ્વર છે કે નથી તે સવાલ જ નથી. કારણ કે જ્યાં સુધી પરમાત્માને જોવા માટેની સૂક્ષ્મ આંખ તમારી પાસે નથી ત્યાં સુધી પરમાત્મા છે કે નહીં તે સવાલ ઉઠાવાય જ નહીં. પરમાત્મા નથી તેવું કહેનારા તથાકથિત કહેવાતા (so called) આસ્તિકો પણ એકદંરે આંધળા જ છે. અને તેથી તેઓ નાનપણથી ઠોકી બેસાડેલા પરંપરાગત સંસ્કારોને લીધે અગર તો કશાક ભય કે પ્રલોભનને લીધે પરમાત્મા છે તેમ બોલતા હોય છે અને તે પ્રકારે તેઓ પણ કાંઈક ભ્રમમાં, કાંઈક માનસિક સંમોહનમાં અગર તો અંધવિશ્વાસમાં અટવાઈ ગયેલા હોય છે. જેને પરમાત્મા છે તેવું નથી દેખાતું તેને પરમાત્મા નથી તેવું પણ નહીં દેખાય. પ્રકાશ ના દેખાય તેના આગળ પ્રકાશ છે તેવું સાબિત કરવાની જરૂર નથી. જેને પ્રકાશ જોવા માટેની આંખ જ નથી, તેઓ તો પ્રકાશ છે જ નહીં (ઘુવડની માફક) તેવું કહીને પોતાના અંધાપાને ઢાંકવાનો અને પોતાના અહંકારને તે રીતે પુષ્ટ કરવાનો પ્રયાસ કરતા હોય છે.
ઘુવડ બધાએ ઠરાવ કીધો અજવાળું નહીં થાશે
સૂરજ જેવું કાંઈ નથી ભાઈ ના રહેશો વિશ્વાસે
દુનિયા આંધળી રે - (પુનિત)
પ્રકાશ છે કે નહીં તે ચર્મચક્ષુના અનુભવનો વિષય છે તેવી રીતે ઈશ્વર છે કે નહીં તે જ્ઞાનચક્ષુના અનુભવનો વિષય છે તેમાં બીજા બધા સાધનો બેકાર છે. તેથી અર્જુનને તેની પાત્રતાનો ખ્યાલ કરીને પરમાત્મા તેને જ્ઞાનચક્ષુ - દિવ્યચક્ષુ આપે છે. તે પાત્રતા કેળવ્યા સિવાય, સુપાત્ર અધિકારી થયા સિવાય ગમે તેને મળે નહીં, (તેથી જ દુર્યોધન - કર્ણ - ભીષ્મ - દ્રોણ વગેરે બધા જ ત્યાં જ મોજૂદ હતા છતાં તેઓ વિશ્વરૂપ દર્શન કરી શક્યા નહીં.) સુપાત્ર અધિકારી થવા માટે પ્રણિપાતેન - પરિપ્રશ્નેન - સેવયા (ગીતા - ૪/૩૪) શ્રદ્ધા, તત્પરતા -સંયતેન્દ્રિય થવા પુરુષાર્થ કરવો પડે.
આપણી આંખોને પ્રાકૃત આંખો કહે છે કારણ કે તેનાથી પ્રાકૃતિક પદાર્થો (Matter - by product of પ્રકૃતિ) દેખી શકાય છે. તેનાથી દિવ્યતા દેખાય નહીં. જયારે કોઈ માણસ પરમાત્માને પૂરેપૂરો સમર્પિત થઇ જાય છે, ત્યારે સમર્પણની ક્ષણમાં જ તેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઇ જાય છે - "હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું." (દિવ્યં દદાપિ તે ચક્ષુ:) એમ કહેવું તે પણ ભાષાની ભૂલ છે. કૃષ્ણ જે સામે જ ઉભા છે તે ખુદ પોતે જ પરમાત્મા છે કે નહીં તે સવાલ જ નથી. ખરેખર તો જે કૃષ્ણ અગર તો તેની મૂર્તિમાં જો તમને પરમાત્મા જ દેખાય તો તુરત જ સમર્પણ સહેલાઈથી ઘટિત થાય અને સમર્પણ જો સહેલું બની જાય તો તમને કોઈ પણ પ્રાણી - પદાર્થ - વસ્તુ - વ્યક્તિ અગર પથ્થરમાં પણ પરમાત્મા જ દેખાય. તેનું નામ દિવ્યદ્રષ્ટિ.
દિવ્યદ્રષ્ટિનો અર્થ - કોઈ પણ માધ્યમ વગર માત્ર અંદર અંતરઆકાશમાં દેખનારો હોય તે. આંધળો માણસ પણ રાત્રે સ્વપ્ના જોઈ શકે છે અને બહેરો માણસ પણ સ્વપ્નમાં અવાજ સાંભળી શકે છે. કારણ કે જોનારો અને સાંભળનારો મોજૂદ છે. તેથી પ્રાકૃત આંખ, કાનની જરૂર નથી. વિરાટ પરમાત્મા બુદ્ધિ, મન કે વાણીનો વિષય ન નથી.
માનસ રામાયણમાં ભગવાન શંકર કહે છે -
રામ અતકર્ય બુદ્ધિ મન બાની, મત હમાર અસ સુનહુ ભવાની.
વિજ્ઞાન બુદ્ધિનો વિસ્તાર છે, પરંતુ બુદ્ધિ પણ આ વિરાટનો જ અંશ છે અને અંશ કદાપિ પૂર્ણને જોઈ શકે નહીં. તમારા બે હાથથી તમે અનેક વસ્તુઓને ઉંચકી શકો - ઉપાડી શકો, પરંતુ તેનાથી તમે તમારા આખા શરીરને ઊંચું ના કરી શકો. કારણ કે તમારા હાથ તમારા શરીરના અંશમાત્ર છે. મોટા મોટા દાર્શનિકોએ ઈશ્વરના હોવાપણાના - ઈશ્વરના અસ્તિત્વના અનેક પ્રમાણો જે રજૂ કર્યા છે તે બધા વિરોધાભાસી (paradoxical) દેખાય છે અને તે તમામ પ્રમાણોનું નાસ્તિકો ખંડન કરી શકે તેમ છે. પરંતુ એવું કોઈ પણ પ્રમાણ નથી કે જે ઈશ્વરના હોવાપણાને પરિપૂર્ણતયા, પરિપૂર્ણ રીતે (beyond any shadow of doubt) સિધ્ધ કરી શકે કારણ કે ઈશ્વર અપ્રમેય છે.
શ્રુતિર્ભિન્ના સ્મૃતિભિન્ના, નૈકો મુનિઃ યસ્ય મતં પ્રમાણમ્।
રામચરિત માનસમાં મુનિ વાલ્મિકી ભગવાનને કહે છે -
રામ સરૂપ તુમ્હાર બચન અગોચર બુદ્ધિ પર.
અબિગત અકથ અપાર નેતિ નેતિ નિત નિગમ કહ.
(અયોધ્યા કાંડ - દોહા ૧૨૬)
જગુ પેખન તુમ્હ દેખનિહારે, બિધિ હરિ શંભુ નચાવનિહારે.
તેઉ ન જાનહિ મરમુ તુમ્હારા, ઔરુ તુમ્હહિ કો જાનનિહારા.
સોઈ જાનઈ જેહિ દેહુ જનાઈ, જાનત તુમ્હહિ તુમ્હઈ હોઈ જાઈ.
તુમ્હરિહિ કૃપા તુમ્હહિ રઘુનંદન, જાનહિ ભગત ભગત ઉર ચંદન.
ચિદાનંદમય દેહ તુમ્હારી, બિગત બિકાર જાન અધિકારી.
નર તનુ ધરેહુ સંત સુર કાજા, કહહુ કરહુ જસ પ્રાકૃત રાજા.
રામ દેખિ સુની ચરિત તુમ્હારે, જડ મોહહિ બુધ હોહિ સુખારે.
તુમ્હ જો કહહુ કરહુ સબુ સાઁચા, જસ કાછીઅ તસ ચાહીઅ નાચા.
પૂછેહું મોહિ કી રહૌ કહ, મૈં પૂછત સકુચાઉં.
જહ ન હોહુ તહ દેહુ કહી, તુમ્હહિ દેખાવૌ ઠાઉ.
(અયોધ્યા કાંડ - ૧૨૭)
અગસ્ત્ય ઋષિ ભગવાનને કહે છે.
તુમ્હરેઈ ભજન પ્રભાવ અધારી, જાનઉ મહિમા કછુક તુમ્હારી.
ઉમરિ તરૂ બિસાલ તવ માયા, ફલ બ્રહ્માંડ અનેક નિકાયા.
જીવ ચરાચર જંતુ સમાના, ભીતર બસહિ ન જાનહિ આના.
તે ફલ ભચ્છક કઠિન કરાલા, તવ ભય ડરત સદા સોઉ કાલા.
(માનસ - અરણ્ય કાંડ દોહા ૧૨)
ઇશ્વર કોઈ ભણવાની કે સાંભળવાની ચીજ નથી. જો કાનથી પરમાત્માનો પત્તો લાગતો હોત તો કૂતરા - ઘોડાને આપણા કરતા વહેલો પત્તો લાગી જાત. કારણ કે આપણા કરતા અનેક ગણું વધારે તેઓ સાંભળી શકે છે. આપણા કરતા વધારે તેજસ્વી અને તીક્ષ્ણ દ્રષ્ટિવાળા અને મજબૂત હાથવાળા અનેક પશુ, પક્ષી, પ્રાણીઓ છે. આપણા કરતા અનેક ગણો સ્વાદનો અને સુગંધનો અનુભવ કરનાર પક્ષીઓ અને જાનવરો છે. મધમાખી પાંચ માઈલ દૂરથી ફૂલની સુગંધને પકડી શકે છે. આપણી પાસે જે ઇન્દ્રિયો છે તેનાથી સ્થૂળ પદાર્થોને પણ પૂરા પકડી શકાતા નથી. તો સૂક્ષ્માતિસૂક્ષ્મ અસીમ પરમાત્માને કેમ પકડાય?
આપણી કોઈ ઇન્દ્રિય અસીમ નથી. આપણું જીવન પણ અસીમ નથી. આપણું જીવન થર્મોમીટરની બાર જ ડિગ્રીની વચમાં (૯૩ ડિગ્રી થી ૧૦૫ ડિગ્રી) છે. તેનાથી જરાક નીચું કે ઊંચું જાય તો તમે સમાપ્ત ‘હરિ ૐ તત્ સત્’ થઇ જાઓ. પરમાત્મા એટલે પરમ જીવન. વિરાટ અસ્તિત્વને આપણા આવા નાના ક્ષુદ્ર જીવનમાં કેમ સમજાય? કોઈ પણ માણસ સમજ્યા વગર માત્ર બોલી નાખે કે ઈશ્વર છે અગર તો ઈશ્વર નથી તો તે બંને મૂર્ખ છે. ડાહ્યો માણસ તો એ વિચાર કરે કે ઈશ્વરનો અર્થ શું છે - વિરાટ, અસીમ, અનંત અને મારુ શું ગજું. આવી મારી ક્ષુદ્ર સ્થિતિમાં અને એ વિરાટ અસ્તિત્વ ઈશ્વરમાં કોઈ સંબંધ બની શકે? અને જો ના બની શકે તો હું વિરાટની ફિકર છોડી દઉં અને મારી સ્થિતિમાં પરિવર્તન કરું કે જેથી કરીને સંબંધ બની શકે.
દ્રષ્ટિ બદલવાની જરૂર છે. સંસારથી દ્રષ્ટિ હટાવીને પરમાત્માની સન્મુખ થવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. જે તમારે જાતે જ કરવો પડે. અને તો જ પરમાત્માની કૃપાના અપાત્ર મટીને પાત્ર - સુપાત્ર બની શકાય અને તો જ ભગવદ્અનુગ્રહથી દિવ્યદ્રષ્ટિ એની મેળે આપોઆપ પ્રાપ્ત થશે. પુરુષાર્થ કર્યા વગર કશુંય મફત મળતું નથી.