Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

અનાદિમધ્યાન્તમનન્તવીર્યમનન્તબાહું શશિસૂર્યનેત્રમ્ ।
પશ્યામિ ત્વાં દીપ્તહુતાશવક્ત્રં સ્વતેજસા વિશ્વમિદં તપન્તમ્ ॥ ૧૯॥

અનાદિમધ્યાન્તમ્ અનન્તવીર્યમ્ અનન્તબાહુમ્ શશિસૂર્યનેત્રમ્

પશ્યામિ ત્વામ્ દીપ્તહુતાશવક્ત્રમ્ સ્વતેજસ વિશ્વમ્ ઈદમ્ તપન્તમ્

દીપ્તહુતાશવક્ત્રમ્ - પ્રજ્વલ્લિત અગ્નિમય મુખવાળા (તથા)

સ્વતેજસ - પોતાના તેજથી

ઈદમ્ - આ

વિશ્વમ્ - જગતને

તપન્તમ્ - તપાવતા

પશ્યામિ - (હું) જોઉં છું.

ત્વામ્ - આપને

અનાદિમધ્યાન્તમ્ - ઉત્પત્તિ, સ્થિતિ અને નાશરૂપ વિકારોથી રહિત

અનન્તવીર્યમ્ - અપાર પરાક્રમવાળા (અને)

અનન્તબાહુમ્ - અનેક હાથોવાળા,

શશિસૂર્યનેત્રમ્ - ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા

આપને આદિ, મધ્ય અને અંત વિનાના, અનંત શક્તિવાળા, અનંત બાહુવાળા, ચંદ્ર-સૂર્ય રૂપ નેત્રોવાળા, પ્રદીપ્ત અગ્નિરૂપ મુખવાળા અને પોતાના તેજથી આ વિશ્વને તપાવી રહેલા હું જોઉં છું. (૧૯)

ભાવાર્થ:

આ શ્લોકમાં બીજું રૂપ શરુ થાય છે - ઉપરના ૧૮ માં શ્લોકમાં બતાવેલું પહેલું રૂપ સુંદર - મોહક - મનોહર અને આકર્ષક દેખાયું. હવે બીજું રૂપ દેખાય છે તે જીવનને તપાવે તેવું - ભયકંર - અગ્નિમુખવાળું - મૃત્યુ જેવું વિકરાળ - વિનાશકારી સ્વરૂપ દેખાય છે.

અર્જુન કહે છે - આપના અનંત મુખ પ્રજ્વલિત અગ્નિરૂપ છે અને દરેક મુખમાં આગ સળગી રહી છે. આભા નહી - પ્રકાશ નહીં - આગ. પહેલા ઐશ્વર્યની આભા દેખી, પછી સૂર્યનો પ્રકાશ દેખ્યો - હવે અગ્નિનો અનુભવ થાય છે. મુખમાં અગ્નિની લપેટો નીકળે છે જે આખા જગતને તપાયમાન કરે છે કે જે ત્રણે લોકને તપાવીને ભસ્મીભૂત કરી શકે.

જીવન એ વિપરીત દ્વંદ્વોની જોડ છે - dialectical દ્વંદ્વાત્મક છે - એક છેડે જન્મ છે તો બીજે છેડે મૃત્યુ છે. એક છેડે પ્રેમ - સુખ - સફળતા છે તો બીજે છેડે ઘૃણા - દુઃખ - નિષ્ફળતા છે. અને આ દ્વંદ્વોના આધાર ઉપર આખા જીવનની ગતિ છે. (એક્સેલરેટર અને બ્રેક આ બે વિપરીત દ્વંદ્વોની વચમાં મોટરકારની ગતિ છે.) તેમાં જે પ્રીતિકર હોય તે બચી જાય અને જે અપ્રીતિકર હોય તે સમાપ્ત થઇ જાય તેવું આપણે ઇચ્છીએ છીએ અને તેથી જ પ્રીતિકર સુખની આશા ઈચ્છા સેવતા સેવતા આપણે દુઃખના ખાડામાં ગબડીએ છીએ.

આપણે સમજતા નથી કે પ્રીતિકર સુખ અને અપ્રીતિકર દુઃખ બંને જોડાયેલા જ હોય છે અને તે બંને સાથે જ આવે. કાં તો બંનેને છોડો કાં તો બંનેને પકડો. માત્ર એકને જ - પ્રીતિકર સુખને જ પકડીને અપ્રીતિકર દુઃખને છોડવા જાઓ તો તે ના બને. કારણ કે બંને વિપરીત દ્વંદ્વો એકબીજાથી જોડાયેલા જ છે. અને તે બંને સાથે જ આવવાનાં. સુખની પાછળ દુઃખ આવે જ. સુખનો પડછાયો જ દુઃખ છે. બંને દ્વંદ્વો જીવનના અનિવાર્ય હિસ્સા છે. ટેકરો કરો તો તેની બાજુમા જ ખાડો પડવાનો. ટેકરો કરો અને ખાડો પૂરાઈ જાય તેવું ના બને. ખાડો પૂરવો હોય તો ટેકરાને ખતમ કરવો જ પડે. અને તો પછી સમતળ ભૂમિ જ રહે, જ્યાં ખાડો અને ટેકરો બંને સમાપ્ત થઇ જાય. કાળા વાદળામાં જ વીજળીની ચમક દેખાય. જીવનની બધી ચમક મૃત્યુની પૃષ્ઠભૂમિમાં જ દેખાય. દ્વંદ્વ એ જ જીવનનું સ્વરૂપ છે.