Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

યચ્ચાવહાસાર્થમસત્કૃતોઽસિ વિહારશય્યાસનભોજનેષુ ।
એકોઽથવાપ્યચ્યુત તત્સમક્ષં તત્ક્ષામયે ત્વામહમપ્રમેયમ્ ॥ ૪૨॥

યત્ ચ અવહાસાર્થમ્ અસત્કૃત: અસિ વિહાર શય્યાસનભોજનેષુ

એક: અથવા અપિ અચ્યુત તત્સમક્ષમ્ તત્ક્ષામયે ત્વામ્ અહમ અપ્રમેયમ્

તત્સમક્ષમ્ - તે તે મિત્રો સમક્ષ

અપિ - પણ

અસત્કૃત:અસિ - અપમાન કર્યું હોય

યત્ - જે કંઈ

તત્ - તે અપરાધની

અપ્રમેયમ્ - અપ્રમેય સ્વરૂપ

ત્વામ્ - આપની

અહમ - હું

ક્ષામયે - ક્ષમા માંગુ છું.

ચ - વળી

અચ્યુત - હે અચ્યુત !

અવહાસાર્થમ્ - વિનોદ માટે

વિહારશય્યાસનભોજનેષુ - વિહાર, શય્યા, આસાન અને ભોજનમાં

એક: - એકલા

અથવા - અથવા

આપના આ મહિમાને નહીં જાણતા મેં ભૂલથી અથવા સ્નેહથી "આ મિત્ર છે" એમ માની "હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા !" એમ જે સંબોધીને કહ્યું છે; તથા હે અચ્યુત! વિહાર, શયન, આસન અને ભોજનમાં, એકલા અથવા કોઈની સમક્ષ પણ હાસ્ય માટે જે આપ અનાદર કરાયા છો, તે (અપરાધ)ને અમાપ એવા આપ પાસે હું મને માફ કરાવું છું. (૪૧-૪૨)

ભાવાર્થ:

હવે અર્જુનની ભાષાનો રણકો બદલાય છે. પ્રાર્થનામાં જ્યાં સુધી ભૌતિક સાંસારિક સુખોની માંગણી હોય ત્યાં સુધી પરમાત્માની સાથેનો સંબંધ સ્થાપિત નહીં થાય. પ્રાર્થના એ માંગણી નથી. પ્રાર્થના એ ધન્યવાદ છે - Thanks Giving છે. - પ્રાર્થનામાં કશું ય મગાય નહીં. તમારી માંગણી જ તમારા અને પરમાત્મા વચ્ચેના સંબંધમાં બાધારૂપ બની જશે. આપણે કાંઈ માંગીએ તેનો અર્થ એ કે તે ચીજ પરમાત્મા કરતા મોટી છે - વધારે કિંમતી છે. પરમાત્મા પાસે ધન માંગો તેનો અર્થ એ કે ધન પરમાત્મા કરતા વધારે મહત્વનું છે. - અને પરમાત્મા તો ધન મેળવવાનું માત્ર સાધન જ છે. પરમાત્માનું મહત્વ તો માત્ર એટલું જ કે તેની મારફતે આપણે જે માંગીએ તે મળી રહે છે. ધનનું મહત્વ એક નંબરનું અને પરમાત્માનું મહત્વ બે નંબરનું છે. આ રીતે આપણે પરમાત્મા પાસેથી કાંઈક લેવા માટે જ તેનું નામ લઇ રહ્યા છીએ - નહીં તો નહીં.

પરમાત્મા પાસે પ્રાર્થનામાં કાંઈ મંગાય જ નહીં. તમારે કઈ વસ્તુની જરુરીયાત છે તે પરમાત્મા બરાબર જાણે જ છે. અને તે તો તમને વગર માગ્યે આપે જ છે. તમારે તો ફક્ત તેણે આપેલી વસ્તુઓથી સંતોષ માનીને તેને માટે કૃતજ્ઞતાપૂર્વક તેનો ઉપકાર જ માનવો તે જ ખરી પ્રાર્થના કહેવાય. તમારી પ્રાર્થનામાં અનુગ્રહનો ભાવ છે. પ્રાર્થનામાં શિકાયત - ફરિયાદ ના હોય. પ્રાર્થના જો માંગણીના રૂપમાં થાય તો સમજવું કે તમે પ્રાર્થનાનો ભાવ - રહસ્ય સમજ્યા જ નથી. હજુ તમારું મન સંસારમાં જ છે. - પરમાત્મામાં નથી. જે માણસ માંગવાનું છોડી દે તે જ અને તો જ તે પરમાત્મામાં પ્રવેશ કરી શકે. કાંઈ પણ માંગવું નહીં - સુખ પણ નહીં - મોક્ષ પણ નહીં - માંગણી જ ઉપદ્રવ છે - બાધક છે. માંગણી કરનારું જે મન છે તે મન પ્રાર્થનામાં રહે જ નહીં.

સાધારણ રીતે આપણે પ્રાર્થનાને માગણીનું રૂપ આપી દીધું છે. કાંઈક માંગણી કરવી હોય તો જ આપણે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થનાનો અર્થ માગણ - માંગણી કરનારો - એવો કરીએ છીએ. આપણી પ્રાર્થના ભિખારીની પ્રાર્થના છે. ભિક્ષાપાત્ર લઈને ભગવાન સામે ઉભા રહેવાના આપણા ઢંગ છે. આવી પ્રાર્થનામાં શુદ્ધ ભક્તિ નથી. પ્રાર્થના કાંઈ કરવાની ચીજ નથી. માંગણી કરવાની નથી. તેમાં desire - વાસના ના હોય. પ્રાર્થના તો એક આંતરિક મનોદશા છે - ભાવદશા છે - A State of mind. You cannot do a prayer — you can be in it. પ્રાર્થના કરાતી નથી - થાય છે. માંગણી કરનારું મન ભિખારી છે. વાસનાયુક્ત છે. જેની ને તેની પાસે - ગમે તેની પાસે - બધાયની પાસે માંગે - ક્યાંયથી ના મળે તો ભગવાન પાસે માંગે.

વાસનાની દોડતી સ્થિતિમાં પ્રાર્થના ના થાય. મનની ઉપરામ સ્થિતિમાં જ શુદ્ધ પ્રાર્થના પ્રગટ થાય. એવી ક્ષણ આવે કે જયારે વાસનાની દોટ બિલકુલ બંધ થઇ જાય - મન તદ્દન ઉપરામ - નિર્વિષયી - સ્થિર થઇ જાય, તે વખતે જે આનંદનો ભાવ ઉત્પન્ન થાય - પ્રાણના કણેકણમાં શાંતિ ફેલાઈ જાય - એક એક રોમ પુલકિત થઇ જાય - છેક ઊંડાણમાં કેન્દ્રમાં એક ભનક અનન્તના સ્વરમાં સંભળાય ત્યારે શુદ્ધ પ્રાર્થનાનો ઉદય થાય. આપણે ભક્તિ ગીતો ગાઈએ છીએ અને મીરા - સુરદાસ પણ ગાતા હતા. આપણે કાંઈક માંગવા માટે ગાઈએ છીએ જયારે મીરા સુરદાસને કાંઈક અલભ્ય વસ્તુ મળી ગઈ છે તેના આનંદના ઉદ્રેકમાં તેઓ ગાય છે એટલો ફરક છે. હૃદયમા આનંદનો - કૃતજ્ઞતાનો ઝરો ઉભરાય ત્યારે મીરા નૃત્ય કરે છે. હૃદયના ભાવ વગર માત્ર ધન પ્રાપ્ત કરવા જ નૃત્ય કરવાથી મીરા બની જવાતું હોય તો બધી નર્તકીઓ - નાચનારીઓ મીરા બની જાય અને બધા તંબુરા વગાડનારા ભિખારીઓ સુરદાસ બની જાય.

પરમાત્મા પાસેથી કાંઈ પણ જરા પણ મેળવવાની ઈચ્છાથી જો તમે ભગવાનના ગુણ ગાશો તો તે ખુશામત ગણાશે. પરમાત્માને તમારી ખુશામતની જરૂર નથી. પરમાત્મા પાસે કૃપાની માંગણી પણ નહીં કરવી કારણ કે તે કરુણાનો સાગર છે. અને તે વગર માગ્યે પણ કૃપા સદાકાળ કરે જ છે.

મનની ઉપરામ અવસ્થામાં - વાસનારહિત અવસ્થામાં ઝાડ નીચે એકાંતમાં બેઠા બેઠા ભગવદ્અનુગ્રહનો ભાવ પેદા થાય તો ત્યાં પણ પરમાત્મા પ્રગટ થાય - નહીં તો મંદિરમાં ગમે તેટલા રાગડા તાણો - તાબોટા પાડો - કાંસીજોડા કૂટો તો પણ પ્રગટ નહીં થાય.

રામ - કૃષ્ણ વગેરે ભગવાન ઘણા વખત પહેલા પ્રગટ થઇ ગયા અને હવે કેમ થતા નથી? આ પ્રશ્ન ખોટો છે. અત્યારે પણ પ્રગટ થાય છે. પ્રગટ જ છે અનેક રૂપોમાં. પરંતુ આપણી પાસે તેમને ઓળખવાની દ્રષ્ટિ નથી. પરમાત્મા રામ અને કૃષ્ણના રૂપમાં હતા ત્યારે પણ તમે હતા જ. પરંતુ તમે તેમને ઓળખી શક્યા નહીં. સગી ફોઈનો છોકરો શિશુપાલ, સગો વેવાઈ દુર્યોધન, સગો મામો કંસ - અરે ! અયોધ્યાનો ધોબી પણ તેમને ઓળખી શક્યો નહીં. પરમાત્માને ઓળખવાની દ્રષ્ટિ હોય તો આજે પણ તમને તમામ રૂપોમાં - આકારોમાં તે દેખાય, રામ - કૃષ્ણના સમયમાં તમે હોત તો પણ જો દ્રષ્ટિ ના હોત તો તમે તેમને ના ઓળખી શકત. એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું છે કે -

અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।

પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥ (ગીતા - ૯/૧૧)

એક જ વખત જો તમને પરમાત્માની ઝલક મળી જાય તો પછી તમને બધાંયમાં પરમાત્મા દેખાય. વૃક્ષમાં અને પથ્થરમાં પણ પરમાત્મા દેખાય. પરંતુ માણસમાં પણ જો તમને પરમાત્મા નહીં દેખાય તો તમને પથ્થરની મૂર્તિમાં કદાપિ પરમાત્મા નહીં દેખાય. રામ અને કૃષ્ણ ખુદ પરમાત્મા જ હતા કે કેમ? - તે પ્રશ્ન જ અલગ છે. પરંતુ તમારા હૃદયમાં જો નિર્મળ દ્રષ્ટિથી પરમાત્મ ભાવ પેદા થયો હશે તો સાધારણ મનુષ્યમાં પણ તમને રામ અને કૃષ્ણની ઝલક મળી જશે. મુખ્ય વાત નિર્મળ દ્રષ્ટિ જોઈએ. આંધળા આગળ તમે ગમે તેટલા દીવા કરો અને બહેરા આગળ તમે ગમે તેટલા વાજિંત્રો વગાડો તો તે બધું વ્યર્થ છે.

દ્રષ્ટિ નહીં હોય તો તમારી પાસે અઢળક સંપત્તિ હશે તો પણ તમને નહીં દેખાય. તમને રામમાં અને કૃષ્ણમાં પરમાત્મા ના દેખાતા હોય તો તેની ફિકર નહીં કરતા પરંતુ તમારી પાસે પરમાત્માને જોવાની આંખ છે કે નહીં તેની ચિંતા કરો. અને દરેકમાં પરમાત્મા દેખાય તેવી આંખ (દિવ્ય દ્રષ્ટિ) પ્રાપ્ત થાય તેને માટે પુરુષાર્થ કરો. જે દિવસે તમને એવી દિવ્ય આંખ (દિવ્ય દ્રષ્ટિ) પ્રાપ્ત થશે તે દિવસે તમને રામમાં તો શું રાવણમાં પણ પરમાત્મા દેખાશે. તે દિવસે એવી કોઈપણ વસ્તુ - વ્યક્તિ - પ્રાણી કે પદાર્થ નહીં હોય કે જેમાં તમને પરમાત્મા ના દેખાય.

મનને ક્યાં સ્વરૂપમાં કેન્દ્રિત કરવું તે પ્રશ્ન પણ નકામો છે. આખરે તો મનને કેન્દ્રિત કરવા કરતા મનને વિસર્જિત કરવાનું છે. મનને કેન્દ્રિત કરશો તો પણ મન તો રહેવાનું જ. ધ્યાન - પ્રાર્થના - પૂજા તમામ સાધનોનું અંતિમ લક્ષ્ય તો મનનો લય કરવાનું છે. - વિસર્જન કરવાનું છે - લીન કરવાનું છે. - બિંદુ સિંધુમાં જેમ લીન થઇ જાય તેમ તમે વિરાટમાં - નિરાકારમાં ખોવાઈ જાઓ - ડૂબી જાઓ - મટી જાઓ - વિસર્જિત થઇ જાઓ. Melting - Melt થઇ જાઓ - તે ધ્યાનનું અંતિમ ફળ છે. બુંદ રહેવાની નહીં પરંતુ સમુદ્ર બની જવાની ભાવદશા પ્રાપ્ત થાય તે અંતિમ લક્ષ્ય છે. ધ્યાનમાં સ્વરૂપ - મૂર્તિ આવી જાય તેની ચિંતા નહીં - આવે તો પ્રેમથી આવવા દો તેને હટાવવાની ચેષ્ટા કરવી નહીં, પરંતુ તેમાં એકાગ્ર થવું જ પડે તે ફરજીયાત નથી. ધીરે ધીરે તે સ્વરૂપ - મૂર્તિ એની મેળે હટી જશે - અને ત્યારે તમે નિરાકારમાં આપોઆપ ડૂબી જશો - અને સંસાર સમાપ્ત થઇ જશે. માટે સ્વરૂપ - મૂર્તિને પકડી રાખીને ત્યાં અટકી ના જશો. થોડા હજુ આગળ જાઓ - આગળ જાઓ - જતા જતા લીન થઇ જશો, જ્યાં દ્રષ્ટા - દ્રશ્ય - દર્શન, જ્ઞાતા - જ્ઞાન - જ્ઞેય, ધ્યાતા - ધ્યાન - ધ્યેય એક થઇ જશે.

અર્જુન માફી માંગે છે કે હું આપને અત્યાર સુધી મારા મામા વસુદેવજીના દીકરા માનતો હતો - વળી સુભદ્રાના ભાઈ તરીકે હું આપને મારા સાળા માનતો હતો, ઉપરાંત હું આપને મારા જેવા લૌકિક માણસ તરીકે મારા મિત્ર માનતો હતો. પરંતુ અત્યાર સુધી આપનો આવો દિવ્યાતિદિવ્ય મહિમા નહીં જાણતો હોવાથી મારા પ્રમાદ અગર પ્રણયને લીધે મેં આપને હઠપૂર્વક હસી - મશ્કરીમાં વિહાર - શય્યા - આસન - ભોજન વગેરે પ્રસંગોમાં મેં આપને “અલ્યા કૃષ્ણ, અલ્યા હે યાદવ, અલ્યા દોસ્ત” એ પ્રમાણે સંબોધન કરીને એકલા હો ત્યારે પણ તથા બીજાઓની રૂબરૂમાં પણ મેં આપને અપમાનિત કરેલા તે બધા અપરાધ માટે હું આપની ક્ષમા માંગુ છું.

અર્જુનની આ વાણી અત્યંત આંતરિક છે, મધુર અને મીઠી છે તેનું મન અનેક અનેક પીડાઓ અને અપરાધના ભાવથી ભરાઈ જવાથી તે અત્યંત શરમીંદો પડી ગયો છે. કારણ કે તે કૃષ્ણને અસલ સ્વરૂપમાં ઓળખી શક્યો નહોતો. અને તેથી કૃષ્ણમાં તેનો પરમાત્મભાવ અત્યાર સુધી પેદા થયેલો નહોતો.

આ એકલા અર્જુનની વાત નથી. આપણી પણ આવી જ વાત છે. આપણે પણ આપણા પિતામાં - માતામાં - પત્નીમાં - નોકરમાં - ભૌતિક - સાંસારિક - લૌકિક સંબંધોને જ માત્ર લક્ષમાં રાખીને તેમનામાં રહેલો પરમાત્મભાવ આપણે જોઈ શકતા નથી અને તેથી આપણે અવારનવાર વારંવાર તેમને અનેક પ્રસંગોમાં અપમાનિત કરીએ છીએ. દરેક વ્યક્તિમા જો આપણને પરમાત્મભાવથી જોવાની દ્રષ્ટિ કેળવાય તો તેમની સાથે અત્યાર સુધી આપણે જે કાંઈ દુર્વ્યવહાર કર્યો હોય તેને માટે આપણે શરમથી ઝૂકી જઈએ. દરેક વ્યક્તિમાં પરમાત્મસ્વરૂપ જોવાની દ્રષ્ટિ કેળવાય તો "સર્વભૂતાત્મભૂતાત્મા" અને "સર્વભૂતહિતેરત:" થઇ શકાય. અને અત્યાર સુધીનો તેમના પ્રત્યેનો આપનો દુર્વ્યવહાર અણસમજણપૂર્વકનો લાગવાથી આપણને ગ્લાનિ થાય અને તે બદલ તેમની માફી માંગવાનું આપણને મન થાય.

આ આખું જગત પરમાત્માનું જ સ્વરૂપ છે અને જગતના કોઈ પણ પ્રાણી - પદાર્થ - વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણે કાંઈપણ દુર્વ્યવહાર કરીએ તે પરમાત્મા પ્રત્યે કર્યા બરાબર છે અને તેને માટે હવે આખા જગતની માફી માગ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને હવે પછી "સિયારામ મય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની" એ સિદ્ધાંતથી વર્તન કરો તે જ ક્ષણે તમારા જીવનમાં એક જબરજસ્ત આંતરિક પરિવર્તન આવી જશે અને પછી તમારે કોઈની માફી નહીં માગવી પડે. તમે પછી હૃદયની શાંતિનો અનુભવ કરી શકશો.

પરશુરામે રામ - લક્ષમણને સીતા સ્વયંવર વખતે કટુ વચન કહ્યા તેથી તેમનું હૃદય અપરાધથી લજ્જિત બની ગયું અને તેમણે માફી માંગતા કહ્યું

"અનુચિત બહુત કહેઉ અજ્ઞાતા, છમહુ છમા મંદિર દોઉ ભ્રાતા."

નારદે વિષ્ણુને કટુ વચન કહ્યા પછી જ્ઞાન થતા માફી માંગી અને કહ્યું:

"મૈં કટુ બચન કહે બહુ તેરે, મિટિહહી પાપ કવન બિધિ મેરે"

ત્યારે ભગવાને ઉપાય બતાવ્યો કે

"જપહુ જાઈ શંકર શત નામા, હોઇહિ તુરત હૃદય વિશ્રામા."