Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૧

વિશ્વરૂપદર્શન યોગ

રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વેઽશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ।
ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસઙ્ઘા વીક્ષન્તે ત્વાં વિસ્મિતાશ્ચૈવ સર્વે ॥ ૨૨॥

રુદ્રાદિત્યા: વસવ: યે ચ સા:ધ્યા: વિશ્વે અશ્વિનૌ મરુત: ચ ઉષ્મપા: ચ

ગન્ધર્વયક્ષાસુરસિદ્ધસંઘા વીક્ષન્તે ત્વામ્ વિસ્મિતા: ચ એવ સર્વે

હે પ્રભો !

ઉષ્મપા: - (ઉનું ભોજન કરનારા) પિતૃઓ

ચ - તથા

ગન્ધર્વયક્ષ - ગંધર્વો, યક્ષો

અસુરસિદ્ધસંઘા: - રાક્ષસો તથા સિદ્ધોના સમૂહ

સર્વે એવ - તે બધા જ

વિસ્મિતા: - વિસ્મિત થઈને

ત્વામ્ - આપને

વીક્ષન્તે - જુએ છે.

યે - જે

રુદ્રાદિત્યા: - અગિયાર રુદ્રો, બાર સૂર્યો

ચ - તથા

વસવ: - આઠ વસુઓ

ચ - તથા

સાધ્યા: - સાધ્ય દેવો

વિશ્વે - વિશ્વદેવો

અશ્વિનૌ - બે અશ્વિનકુમારો

ચ - તથા

મરુત: - વાયુદેવો

*વળી રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો, મૃતો, ઉષ્મપા - પિતૃઓ તથા ગંધર્વ, યક્ષ, અસુર અને સિદ્ધોના સમૂહો સર્વે વિસ્મિત થઇ આપને જુએ છે. (૨૨)

ભાવાર્થ:

હવે અર્જુન આગળનું સ્વરૂપ દેખે છે કે જ્યાં એકાદશ રુદ્રો - દ્વાદશ આદિત્યો - આઠ વસુઓ - સાધ્યગણો - વિશ્વદેવ અશ્વિનીકુમારો - મરુદગણ - પીતરોનો સમુદાય તથા ગંધર્વો, યક્ષો, રાક્ષસો, અને સિદ્ધગણોનો સમુદાય તમામ વિસ્મય પામીને પરમાત્મા સામે જોઈ રહ્યા છે. કોઈની સમજણમાં નથી આવતું કે આ બધું શું છે.

જ્યાં દ્વંદ્વ ખોવાઈ જાય ત્યાં સમજણ પણ ખોવાઈ જાય અને માત્ર વિસ્મય જ રહી જાય. જ્યાં સુધી આપણને તમામ દ્વંદ્વોને અલગ અલગ કરીને જોવાની ટેવ છે ત્યાં સુધી અક્કલ ચાલે અને જયારે તમામ દ્વંદ્વોને એકત્ર રીતે દેખવા મળે ત્યાં અક્કલ ખતમ થઇ જાય અને ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. અક્કલની દીવાલો તૂટી જાય ત્યારે અંદર અને બહારનું શૂન્યવકાશ (આત્મા) એક થયેલું દેખાય અને આ બહાર અને અંદરની એકતામાં જ ભય તિરોહિત થઇ જાય છે.

દ્વૈતાદ્ ભયમ્ | તત્ર કો મોહઃ કઃ શોકઃ એકત્વમ્ અનુપશ્યતઃ |

આ સંસાર ચારે બાજુ દ્વંદ્વ છે. સંસારને હોવાનો ઢંગ જ વિપરીત દ્વંદ્વો વગર અસંભવ છે. જન્મ અને મૃત્યુનો વિરોધ જે તણાવ (tension) પેદા કરે છે તે તણાવ (tension)નું નામ જ સંસાર છે. સંસાર એક અશાંત અવસ્થા છે. કારણ કે તેમાં વૈપરિત્ય દ્વંદ્વ સદાકાળ મોજુદ છે. તમે પણ જો એકલા આત્મા જ હો તો તમે સંસારમાં નહીં રહી શકે અને જો તમે માત્ર શરીર જ હો તો તમે પણ સંસારમાં નહીં રહી શકો - માટી, રાખ જ થઇ જાઓ. પરંતુ તમારી અંદર શરીર અને આત્માનું દ્વંદ્વ જે એકબીજાથી વિપરીત ગુણધર્મવાળું છે તેથી આ દ્વંદ્વના તણાવમાં - (tension) માં તમારું અસ્તિત્વ છે. આખા જીવનનું ચક્ર દ્વંદ્વના આધાર ઉપર ચાલે છે. જે ક્ષણે આ દ્વંદ્વ શાંત થઇ જશે તે જ ક્ષણે તમે આ સંસારની બહાર થઇ જશો અને અદ્વૈતમાં - નિર્દ્વંદ્વમાં પ્રવેશ થશે. પરંતુ અદ્વૈત એ જીવન નથી. બ્રહ્મ છે. અદ્વૈત જીવન નથી કારણકે ત્યાં મૃત્યુ નથી. જ્યાં મૃત્યુ નથી ત્યાં જીવનનો કોઈ અર્થ નથી. સંસારનું સમગ્ર અસ્તિત્વ દ્વંદ્વાત્મક છે. જીવનની આખી ગતિ દ્વંદ્વથી જ છે. જ્યાં દ્વંદ્વ સમાપ્ત થઇ જાય ત્યાં ગતિ બંધ જ પડી જાય. જ્યાં વાદ પેદા થાય કે તત્ક્ષણ વિવાદ પેદા થવાનો. જ્યાં સુધી જીવનનો મોહ છે ત્યાં સુધી મૃત્યુનો ભય રહેવાનો જ.

સુખ અને દુઃખ આ બંને દ્વંદ્વોથી પર થવાય તો જ આનંદની અનુભૂતિ થાય. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. જ્યાં સુખદુઃખ બંને એકબીજાનો છેદ ઉડાડી દે છે. સંસારમાં જ્યાં પણ દ્વંદ્વ દેખો ત્યાં ચુનાવ (choice) નહીં કરતા. ચુનાવ (choice) કરે તે સંસારી. ચુનાવ જ ના કરવો - Choicelessnessનું નામ સંન્યાસ, જેમાં Total - સંપૂર્ણ acceptability. બંને દ્વંદ્વોનો એકી સાથે સ્વીકાર કરે તે સ્થિતિનું નામ સંન્યાસ - ભક્તિ - નિષ્કામ કર્મયોગ

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ । (ગીતા - ૨/૩૮)

સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ । (ગીતા - ૧૨/૧૮)

(જુઓ ગીતા - ૨/૫૬ - ૫૭, ૧૨/૧૭-૧૮-૧૯, ૧૪/૨૨ -૨૩-૨૪-૨૫)

પછી તમે મકાનમાં હો કે બજારમાં હો કે ઓફિસમાં હો કે હિમાલયમાં હો, તેમાં કોઈ ફરક પડતો નથી. દ્વંદ્વોની પાર જવાનું દ્વાર સંન્યાસ. દ્વંદ્વોની અંદર પ્રવેશ કરવાનું દ્વાર સંસાર. આમ જ થવું જોઈએ - આમ તો ના જ થવું જોઈએ એવો દ્વંદ્વાત્મક ભાવ - આગ્રહ રહેશે ત્યાં સુધી તમારી ચિત્તદશા વ્યગ્ર - વિક્ષિપ્ત જ રહેવાની. અંતઃકરણનું ત્રાજવું સમતોલ થશે તો જ દ્વંદ્વ ક્ષીણ થશે અને નિર્દ્વંદ્વ સ્થિતિ પ્રાપ્ત થશે.

નિર્દ્વન્દ્વો હિ મહાબાહો સુખં બન્ધાત્પ્રમુચ્યતે ॥ (ગીતા - ૫/૩)

સુખદુઃખ વગેરે દ્વંદ્વોથી પર થઈને નિર્દ્વંદ્વ થવાના ત્રણ માર્ગ :

એક જ્ઞાનમાર્ગ - જેમાં દ્વંદ્વોને મિથ્યા સમજીને છોડી દે.

બીજો ભક્તિમાર્ગ - જેમાં ભગવદ્ઈચ્છા માનીને બંને દ્વંદ્વોનો સમદ્રષ્ટિભાવથી સ્વીકાર કરી લે.

ત્રીજો કર્મમાર્ગ - જેમાં પોતાના જ કરેલા ક્રિયમાણ કર્મનું ફળ પ્રારબ્ધ (Ripened fruit of his own action) માનીને ભોગવી લે.

*યાવદુષ્ણં ભવેદન્નં યાવદ્શ્રનંતિ વાગ્યતા: |

પિતરસ્તાવદશ્ર્નંતિ યાવન્નોકતા હવિર્ગુણા: ||

સ્મૃતિમાં કહ્યું છે કે, જ્યાં સુધી અન્ન ઉનું હોય અને શ્રાદ્ધમાં જમનાર વેદવેત્તાઓ જ્યાં સુધી વાણીનું મૌન રાખીને જમે છે તથા હવિષ્યાન્નના સારા - નરસા સ્વાદની વાત કરતા નથી ત્યાં સુધી જ પિતૃઓ જમે છે. વળી શ્રુતિમાં કહ્યું છે કે, 'ઉષ્મપા હિ પિતર:' અર્થાત પિતૃઓ ઉષ્ણ અન્નના ભાગી છે આથી જ ઉપલા શ્લોકમાં પિતૃઓને 'ઉષ્મપા' કહ્યા છે.