તે સમયે અર્જુને અનેક પ્રકારે વિભાગ પામેલા સમગ્ર જગતને દેવોના દેવ ભગવાન શ્રીકૃષ્ણના તે શરીરમાં એક સ્થળે રહેલું જોયું. (૧૩)
ભાવાર્થ
આ શ્લોકમાં ત્રીજો પડદો ખૂલતા એક જ સમયે અનેક પ્રકારથી વિભક્ત થયેલા પૃથક પૃથક થયેલા સંપૂર્ણ જગતને એક જ જગ્યાએ સ્થિત થયેલું જોયું. પહેલું ઐશ્વર્ય - પછી પ્રકાશ - પછી એકતા - ઐક્ય - અદ્વૈત જોયું. જ્યાં સુધી જગતમાં વિધવિધ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિઓ વગેરે પૃથક પૃથક દેખાય છે ત્યાં સુધી અનેકતા દેખાવાની. માટી - લોખંડ - સોનુ પૃથક પૃથક દેખાય ત્યાં અનેકતા દેખાય પરંતુ જયારે પરમાત્માના ઐશ્વર્યને ખ્યાલમાં રાખીને આત્માના પ્રકાશમાં જોઈએ ત્યારે "સમલોષ્ટાશ્મ કાંચન:" (ગીતા - ૧૪/૨૪) માટી, પથ્થર અને સોનામાં સમદ્રષ્ટિ પેદા થાય. સોનુ અને માટીમાં ભેદ નથી એવું કહેનારા કહેવાતા (So called) અભેદવાદીઓ ત્યાગીઓ પણ "હું સોનાને અડતો નથી" એમ કહેતા હોય છે ત્યારે પણ તેમના મગજમાં સોનામાં અને માટીમાં ભેદ સૂક્ષ્મ રીતે બેઠેલો જ છે. કારણ કે તો પછી "હું માટીને પણ અડતો જ નથી" એમ કહેવામાં શું વાંધો છે? સોનુ અને માટી જેની દ્રષ્ટિમાં સમાન છે તેને ફક્ત સોનાને જ નહીં અડવાના સોગંદ કેમ લેવા પડે છે. તે ઉપરથી ખ્યાલ આવે કે તે હજુ “સમલોષ્ટાશ્મ કાંચનઃ” વાળી ગુણાતીત અવસ્થાને પામ્યો નથી. હજુ તેને પારમાર્થિક સત્તાનો અનુભવ થયો નથી. હજુ તે માત્ર વ્યવહારિક સત્તામાં જ અટવાય છે.
જગતની જે મૌલિક એકતા છે તેનો અનુભવ થશે ત્યારે જ જગત એક છે (તત્ર એકસ્થમ્ જગત્ કૃત્સ્નમ્) અને તે જ ઈશ્વરના સગુણ સાકાર દેહનો એક ભાગ છે. (એકાંશેન સ્થિતો જગત્ ) તેનો અનુભવ થશે. ત્યાં સુધી જગત એક નહીં પરંતુ અનેક રૂપે દેખાશે. જયારે જગતમાં દેખાતા તમામ અલગ અલગ રૂપો - આકારોનું જે કોન્સ્ટીટ્યુઅન્ટ (Constituent) - બધાંયને બનાવનાર ઉપાદાન - નિમિત્ત કારણ જે અવ્યક્ત રૂપે દરેકમાં વ્યાપ્ત છે તે એક જ ઈશ્વર છે તેવું જયારે સમજાશે ત્યારે જ (તત્ર એકસ્થમ્ જગત્ કૃત્સ્નમ્) બધું ઈશ્વરમય દેખાશે.
પરમ પ્રકાશ (જ્ઞાન) થયા પછી જ અદ્વૈતનો અનુભવ થાય - તે પહેલા નહીં. અદ્વૈત એ કોઈ સિદ્ધાંત નથી - કોઈ ફિલોસોફી નથી - કોઈ વાદ નથી કે જે તમે તર્કથી સમજી શકો કે બધું એક જ છે. જ્યાં તર્ક હોય ત્યાં હંમેશા બે હોય - દ્વૈત હોય. તર્ક હંમેશા વસ્તુઓનું વિભાજન કરીને બતાવે છે, તે જોડી ના શકે - ભેગા ના કરી શકે. અદ્વૈતનો અનુભવ અંતિમ અનુભવ છે.