અનેક પ્રકારની હજારો વિદ્યાઓ આ જગતમાં છે. જિયોલોજી, બાયોલોજી, સાઇકોલોજી, ફિઝિયોલોજી, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, પોલિટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ગણિત, ઍલ્જિબ્રા, જ્યોમેટ્રી, ટ્રિગોનોમેટ્રી, સંગીત, સાહિત્ય, એન્જિનિયરિંગ, આરોગ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરે હજારો વિદ્યા છે. તે તમામ વિદ્યાઓમાં માણસ પૂરેપૂરો પારંગત થઇ જાય, છતાં ખુદ પોતે કોણ છે તે ના જાણે તો બાકીનું બધું જાણેલું વ્યર્થ છે. ગમે તેવો સંગીતજ્ઞ સ્વરવાદનમાં પ્રવીણતા મેળવે, પરંતુ તેના પોતાના આત્માના સ્વર સાથે તાલ ના મિલાવી શકે તો તે વ્યર્થ છે. ગમે તેવા ગમે તેટલા વાદ્ય વાજિંત્રો વગાડી જાણે, પરંતુ સ્વયં પોતાના આત્માની વીણા તૂટેલી હોય તો તેની બધી હોશિયારી બેકાર છે. દસ આંધળા તેમની ગણતરી કરવામાં સ્વયં પોતાને જ ના ગણે તેના જેવો ઘાટ છે. બધી વિદ્યાઓ તે બીજાઓની ગણતરી છે. સ્વયંને છોડીને બાકીની બધી વિદ્યાઓની અંદર એક ગહન અવિદ્યા Spiritual blindness છુપાયેલી છે.
મોટામાં મોટો વૈજ્ઞાનિક અગર સાઈકોલોજીસ્ટ જે બીજાઓના મન સંબંધી બધી હકીકત બતાવી શકે તે ખુદ પોતાના જ મનને સમજી શકતો નથી. અધ્યાત્મવિદ્યા એ એવી વિદ્યા છે જેનાથી માણસ પોતે સ્વયંને; ખુદને જાણી શકે. ટ્રેનમાં બેઠેલો ટિકિટ વગરનો મુસાફર કયા સ્ટેશનથી બેઠો, કયા સ્ટેશને ઉતરવાનો છે, ટ્રેનમાં બેસવાનું પ્રયોજન શું છે વગેરે કાંઈ જ જાણતો ના હોય અને પોતાનું identity card ઓળખપત્ર પણ ખોઈ નાખ્યું હોય તેના જેવી દશા અધ્યાત્મવિદ્યા વિહીનની દશા છે. રામકૃષ્ણ પરમહંસ, કબીર, નાનક, મહંમદ વગેરે બધા તદ્દન અભણ હોવા છતાં તેઓએ અધ્યાત્મવિદ્યા જાણી, જે જાણ્યા પછી તેમને કાંઈ જાણવાનું બાકી રહ્યું નહીં.
મૃત્યુ પછી જે સાથે ના લઇ જઈ શકાય તે જ્ઞાન નહીં, સંપત્તિ નહીં. અગ્નિની લપેટોમાં જયારે શરીર બળી જતું હોય ત્યારે પણ જે સાબૂત રહે તે ખરું જ્ઞાન - ખરી સંપત્તિ - મૃત્યુ પણ જેને નષ્ટ ના કરી શકે. યુનિવર્સિટીઓમાં મળતું જ્ઞાન જીવન ઉપયોગી થઇ શકે, પરંતુ તેનું આત્યંતિક મૂલ્ય (ultimate value) કાંઈ નહીં - વ્યર્થ. જે મૃત્યુથી ડરે છે તે જ મરે છે અને તેને જ મારી નાખી શકાય. સિકંદર પાસે ભયંકર લશ્કર હતું, પરંતુ તે ભારતના એક અધ્યાત્મજ્ઞાની (આત્મજ્ઞાની) સંતને મારી શક્યો નહીં - બલ્કે તેના ચરણમાં નમી પડયો. શ્વેતકેતુ તમામ વિદ્યાઓમાં પારંગત થઇને આવ્યો ત્યારે તેના બાપે એક જ સવાલ પૂછ્યો કે "જેનાથી બધું જાણી શકાય તેને તું જાણે છે? જેને જાણ્યા વગર બાકીનું બધું જાણેલું બેકાર છે તેને તું જાણી લાવ તો જ તું ખરો જ્ઞાની." તમામ વિદ્યાઓ જેનાથી જાણી શકાય તે તત્ત્વને જાણવું તેનું નામ બ્રહ્મવિદ્યા. જાણનારને જાણવો - જ્ઞાનના સ્ત્રોતને જાણવું તે બ્રહ્મવિદ્યા. અંતઃકરણમાં જ્યાં ચેતનાનું કેન્દ્ર છે, જેનાથી આખું જગત અને જગતની તમામ વિદ્યાઓ જાણી શકાય છે તેની પહેચાન - પ્રત્યભિજ્ઞા - પુનરસ્મરણ તેનું નામ બ્રહ્મવિદ્યા - Theosophy. બ્રહ્મવિદ્યા બીજી બધી વિદ્યાઓનું સુવર્ણ શિખર છે. જયારે બીજી બધી વિદ્યાઓ શિખરને ધારણ કરનારી દીવાલો છે. ભારતે સુવર્ણશિખર માટે પુરુષાર્થ કર્યો પરંતુ દીવાલોની ઉપેક્ષા કરી તેથી ભૌતિક ઉન્નતિમાં પાછા પડી ગયા. પશ્ચિમે બીજી બધી વિદ્યાઓનાં ભવ્ય કોટડા ચણ્યાં અને ભૌતિક સુખોના શિખર સુધી પહોંચ્યા, પરંતુ અધ્યાત્મ વિદ્યાના અંતિમ સુવર્ણ શિખરમાં શૂન્ય રહ્યા. India’s religion is not scientific and Western Science is not religious. આ બંનેનું સંતુલન થાય તો જ પૂર્ણ સંસ્કૃતિ વિકસિત થાય.
(૪૫) વાદઃ પ્રવદતામ્ અહમ્
પરસ્પરમાં વિવાદ કરનારાઓમાં તત્ત્વનિર્ણયને માટે કરાયેલો - કરાતો વાદ (તર્ક - ન્યાય) હું છું. બીજાઓને ઉતારી પાડવા - જૂઠા સાબિત કરવા - પોતાના અહંકારની તૃપ્તિ માટે કરેલો વાદ તર્કને કુતર્ક કહેવાય. સત્યની ખોજ માટે જિજ્ઞાસાવૃત્તિથી કરેલો તર્ક - વાદ વિભૂતિ છે. Sophistry - સોફેસ્ટ્રી એટલે વિતંડાવાદને ભ્રષ્ટ તર્ક કહે છે. સાત્ત્વિક વાદ પરમાત્માની વિભૂતિ છે, જેનાથી તત્વબોધ થાય છે.