જે મને અજન્મા, અનાદિ, અને લોકોના મહેશ્વરરૂપે જાણે છે, તે મનુષ્યો મૂઢતારહિત હોઈ સર્વ પાપોથી છૂટે છે. (૩)
ભાવાર્થ:
શ્રુતિ કહે છે - અહમ્ એવ આસિત્ એવ અગ્રે !
બધાયની ઉત્પત્તિ પહેલા એક માત્ર હું જ હતો. તે પ્રમાણે જે મને અનાદિ, અજન્મા અને લોકમહેશ્વર એમ તત્ત્વે કરીને સમજે તે જ જ્ઞાનવાન પુરુષ તમામ પાપોથી મુક્ત થઇ શકે. કુંભાર જેવી રીતે ઘડા બનાવે છે તેવી રીતે ઈશ્વર જગતને ઘડવા બેસતો નથી. પરંતુ ઈશ્વર પોતે જ જગતરૂપે અભિવ્યક્ત થાય છે. He is not the creator, but creativity himself - એક નૃત્યકાર જેવી રીતે નૃત્યનું સર્જન કરે છે, તેવી રીતે ઈશ્વર જગતનું સર્જન કરે છે. નૃત્યકાર હોય તો જ નૃત્યનું સર્જન થાય. પરંતુ નૃત્ય બંધ થઇ જાય પછી પણ અને નૃત્ય શરુ થતા પહેલા પણ, નૃત્યકાર તો હોવાનો જ.
ગોટલો આંબો બનાવતો નથી, પરંતુ ગોટલો પોતે જ આંબો બની જાય છે. આંબો નહોતો જન્મ્યો ત્યારે પણ આંબો ગોટલામાં જ સૂક્ષ્મરૂપે રહેલો હતો. મોર કળા કરે તે પહેલા પણ મોર હતો અને કળા પૂરી થયા પછી પણ મોર તો હોવાનો જ. આ જગત પરમાત્માની કળા છે - નૃત્ય છે - સર્જન છે - જે નહોતું અને નહીં હોય ત્યારે પણ પરમાત્મા તો અખંડ રીતે હોય જ. આ જગતનું નિમિત્તકારણ અને ઉપાદાન કારણ બંને પરમાત્મા જ છે. અભિન્નનિમિત્તો-પાદાનકારણ: ઈશ્વર:
શ્રુતિ કહે છે - યથોર્ણનાભિ: સૃજતે ગૃહણતે ચ. જેવી રીતે ઊર્ણનાભિ એટલે કે કરોળિયો (પરમાત્મા પદ્મનાભના નામે ઓળખાય છે.) પોતાનામાંથી જ જાળ પ્રગટ કરે છે તે પહેલા અને પોતાનામાં જ પાછી વિલીન કરે છે તે પછી પણ કરોળિયો તો હોય જ. દાંત આવતા પહેલા પણ હું તો હતો જ અને દાંત ગયા પછી પણ હું તો રહેવાનો જ. કોઈ પણ દાંતને મારી ઉત્પત્તિનું ભાન નથી. આ પ્રમાણે જે મને અજન્મા, અનાદિ અને તમામ લોકનો મહાન ઈશ્વર તત્ત્વે કરીંને જાણે તે તમામ પાપથી મુક્ત થઇ જાય.
પ્રશ્ન : માત્ર જાણવાથી જ પાપ મુક્ત થવાય?
જવાબ : હા
પ્રશ્ન : કેવી રીતે?
જવાબ : જે ક્ષણે તમે તત્ત્વે કરીને અનુભૂતિપૂર્વક જાણી લેશો કે પરમાત્મા અનાદિ અજન્મા છે તે જ ક્ષણે તમને સમજાઈ જશે કે, હું પણ અજન્મા - અનાદિ છું, અનંત છું અને ત્યારે સમજાશે કે આ જગતના તમામ પ્રાણી - જીવો - મનુષ્યો અનાદિ, અનંત અને અજન્મા છે અને તેમની સાથે સારા - નરસા સંબંધો બધા આ અશાશ્વત જગતમાં માત્ર ખેલ છે - અભિનય માત્ર છે. દરેક જન્મ અને મૃત્યુ વખતે જન્મ પહેલા પણ હું તો હતો જ અને મૃત્યુ પછી પણ હું હોવાનો જ છું, તો પછી દરેક જન્મમાં અને આ જન્મમાં પણ મેં જે કાંઈ ભૌતિક સુખો મેળવ્યા - ભોગવ્યા તેની કોઈ કિંમત નથી. બધા મિથ્યા જ થયા. અને આવું તત્ત્વે કરીને જ્ઞાન થતાની સાથે, જ્ઞાન કાંઈપણ પાપ કરી શકે જ નહીં. પછી તો તમારું એકેએક કર્મ લીલામાત્ર બની જાય. લીલા એટલે ખેલથી વધારે તેનું કોઈ મૂલ્ય નથી. ખેલમાં કરેલા કર્મ ખેલ પતી ગયા પછી બંધનકર્તા નથી. પછી તો જન્મ (ખેલમાં ઉતરવું) અને મૃત્યુ (ખેલ પૂરો થયે પડદા પાછળ જવું) બંને આનંદદાયક બની જાય. પછી તો being ની કિંમત રહે - doing ની કોઈ કિંમત ના રહે.
તમે નાટકમાં સંતનો પાઠ ભજવો કે દુષ્ટનો પાઠ ભજવો, પગાર તો એટલો જ મળવાનો છે. નાટકમાં ઉતરવાનો પગાર મળે છે પછી તે સંતનો પાઠ હોય કે દુષ્ટનો પાઠ હોય. પાઠ કયો ભજવો છો તે કિંમતી નથી. પાઠ કેવો ભજવો છો તે ડાયરેક્ટરને જોવાનું છે. નાટકમાં ગમે તે પાઠ ભજવો, પરંતુ તમે અસલમાં કોણ છો તેની વિસ્મૃતિ ના થવી જોઈએ. પોતાના અસલ સ્વરૂપને (સત - ચિત્ત - આનંદ સ્વરૂપને) જાણી લીધા પછી એવા પરમ જ્ઞાનીને (જગત લીલા માત્ર સમજનારને) પછી કોઈ પાપ અને પુણ્ય રહે જ નહીં.
જ્ઞાનીનાં જીવનમાં પાપ અને પુણ્યની વ્યાખ્યા જુદી છે. આપણે જે કરવું જોઈએ તેને પુણ્ય કહીએ છીએ અને ના કરવું જોઈએ તેને પાપ કહીએ છીએ - જયારે જ્ઞાની જે કરે તે પુણ્ય કહેવાય અને જે ના કરે તે પાપ કહેવાય. ના કરવાનું (પાપ) જ્ઞાની ધારે તો પણ ના કરી શકે અને કરવાનું (પુણ્ય) જ્ઞાની ના કરવાનું ધારે તો પણ તે કર્યા સિવાય રહી શકે જ નહીં. જ્ઞાનમાં પુણ્ય અનિવાર્ય છે. અજ્ઞાનમાં પાપ અનિવાર્ય છે. જ્ઞાનમાં જે કાંઈ થાય તે પુણ્ય. અજ્ઞાનમાં જે કાંઈ થાય તે પાપ. જ્ઞાનમાં (યસ્ય નાહંકૃતો ભાવો - ગીતા - ૧૮/૧૭) કર્તાપણાનો જેમાં બિલકુલ અહંકાર નથી, તેમાં આખી દુનિયાના લોકોની કતલ કરે તો પણ પાપ નથી. જયારે અજ્ઞાનમાં (એટલે કે જ્યાં કર્તાપણાનો અહંકાર ભારોભાર પડેલો છે તેમાં) માણસ મંદિર બંધાવે તો પણ તે પાપ થાય છે. કારણ કે તે વખતે મંદિરમાં મૂર્તિની સ્થાપના કરતા તેના નામની તકતી ચોઢવાનું મહત્વ વધારે હોય છે. પાપ કરીને મેળવેલા પૈસાથી મંદિર બાંધવા વગેરેનું પુણ્ય - દાન પાપ બની જાય છે, કારણ કે મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા નથી, પરંતુ અહંકારની પ્રતિષ્ઠા છે માટે અજ્ઞાની જે કાંઈ પુણ્ય - દાન - તીર્થાટન જે કાંઈ કરે તે અહંકારયુક્ત હોવાથી પાપકર્મ જ બને.
જ્ઞાની પાપ નથી કરતો એમ નહીં - તે પાપ કરી શકતો જ નથી. તે પુણ્ય કરે છે તેમ નહીં - તેનાથી પુણ્ય સિવાય બીજું કાંઈ થઇ શકતું જ નથી.
આ પ્રમાણે મને અજન્મા - અનાદિ વગેરે તત્વજ્ઞાને કરીને સમજનાર પરમજ્ઞાની (અસંમૂઢ:) તમામ પાપોથી મુક્ત થઇ જાય છે.