મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી; કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું. (૨)
ભાવાર્થ:
દેવો, મહર્ષિઓ વગેરે કોઈ પણ મારા પ્રભાવને (મારી ઉત્પત્તિને) જાણતા નથી, કારણ કે હું તે બધાની ઉત્પત્તિની પહેલાનો છું. ઝાડનું થડિયું - ડાળાં - પાંખડાં - ફૂલ - પાન - ફળ વગેરે જયારે ઉત્પન્ન થયા તે પહેલાનો તેમનું બીજ (ગોટલો) તો હતો જ. જેનું આદિ (ઉત્ત્પત્તિ) તેમના કોઈ ફળ - ફૂલ - પાંદડા - ડાળાં જાણી શકે જ નહીં. પરમાત્મા તો જગતનો મૂળ આધાર છે જે બધાયની પહેલાના છે. ભગવાન કહે છે.
વેદો, ઉપનિષદો અને આર્ષદ્રષ્ટા ઋષિઓએ અનેક યુક્તિઓ કરીને અને પુરાણો તથા શાસ્ત્રોમાં સાધુ સંતોએ અનેક જાતના દ્રષ્ટાંતો - દાખલાઓ - ઉપમાઓ - અલંકારો - રૂપકો - પ્રતીકો વગેરે આપીને પરમાત્માનું સ્વરૂપ સમજાવવા અનેક પ્રકારના પ્રયાસ કરવા કૃપા કરી છે. માટે તેમની ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કોઈ પણ પ્રકારના તર્ક વિતર્કમાં પડયા સિવાય માણસ પોતાની તમામ ઇન્દ્રિયો તથા મન, બુદ્ધિ, ચિત્તને સ્થિર કરીને અહંકાર છોડીને જાણવા પ્રયત્ન કરે તો તેને પરમાત્માનું સ્વરૂપ 'બહૂનામ્ જન્મનામ્ અંતે' અનેક જન્મો પછી ભગવદ્દકૃપા થાય તો જ સમજાય.
પરમાત્માનું સ્વરૂપ બરાબર યથાર્થ (exact) રીતે સમજાવવા માટે કોઈ પણ દ્રષ્ટાંત, દાખલાઓ કે ઉપમા પૂરેપૂરી રીતે તો બંધબેસતું આવે જ નહીં. દરેક ઉપમા, દ્રષ્ટાંત અગર દાખલો કાંઈકને કાંઈક - થોડે ઘણે અંશે પણ ટૂંકો જ પડવાનો, કારણ કે પરમાત્મા અનંત છે તેને અંતવાળા દાખલા, દ્રષ્ટાંતો પરિપૂર્ણ રીતે ના સમજાવી શકે. પરમાત્મા અમાપ - unlimited છે, તેને કોઈ પણ ફૂટપટ્ટીનું માપ અગર ઉપમા બંધ બેસતા ના જ આવે. પરમાત્માના મુકાબલામાં પરમાત્મા જેવી બીજી કોઈ વસ્તુ છે જ નહીં. છતાં પણ ઘણા આશ્વર્યજનક સંકેતો દ્વારા મહાપુરુષો તેનું લક્ષ્ય કરાવે છે અને તેનું આશ્વર્યવત્ વર્ણન કરે છે, વાસ્તવમાં પરમાત્મા વાણીનો વિષય જ નહીં હોવાથી સ્પષ્ટ શબ્દોમાં વાણી દ્વારા તેનું વર્ણન થઇ શકતું નથી.
Unlimited Brahman cannot be described by limited words.
જે કહે છે કે મેં પરમાત્માને (બ્રહ્મને) જાણ્યો છે તે જૂઠો છે. તેણે બ્રહ્મને જાણ્યો જ નથી. જેણે બ્રહ્મને ખરેખર જાણ્યો છે તે તો "મેં બ્રહ્મને જાણ્યો છે." તેવું બોલી જ શકતો નથી. મૂંગો જ થઇ જાય છે.
યતો વાંચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ
ભર્તૃહરિએ પણ આ વાતની કબૂલાત કરી છે
યદા કિંચિતજ્ઞોહં દ્વિપ ઇવ મદાન્ધ: સમભવમ
તદા સર્વજ્ઞોઽસ્મી ઇતિ અભવત્ અવલિપ્તં મમ મનઃ।
યદા કિંચિત્ કિંચિત્ બુધજન સકાશાત્ અવગતમ
તદા મૂર્ખોઽસ્મી ઈતિ જ્વર ઇવ મદો મે વ્યપગતઃ॥
(વૈરાગ્ય શતક)
જયારે હું થોડુંક થોડુંક જાણતો થયો ત્યારે "હું સર્વજ્ઞ છું" એવો અહંકાર મને પેદા થયો, પરંતુ જયારે હું જ્ઞાની પુરુષોના ચરણમાં બેસીને કાંઈક સમજવા માંડયો ત્યારે મને ખબર પડી કે હું મહામૂર્ખ છું અને તે જ ક્ષણે મારો અહંકાર, જેમ પરસેવો વળીને તાવ ઉતરી જાય તેમ ઉતરી ગયો.
આ શ્લોકમાં ભગવાન કહે છે કે "મે પ્રભવમ્ ન વિદુઃ" મારી ઉત્પત્તિ કોઈ જ જાણતું નથી. માછલીને સમુદ્રની ઉત્પત્તિની શી ખબર પડે? મોજાને સમુદ્રની ઉત્પત્તિની શી ખબર પડે? સાગર ખુદ પોતે ઉઠીને કહે કે હું કેવડો છું તો તેનું વક્તવ્ય બરાબર, પરંતુ સાગરની મોટામાં મોટી માછલી જો સાગરનું માપ બતાવે તો પણ તે અધૂરું જ. ગમે તેટલા વેદશાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ કરીને પણ બ્રહ્મનું પૂરેપૂરું વર્ણન કરી શકો નહીં. વેદોના ગમે તેટલા અર્થ કરો તો પણ અધૂરા જ રહે.