Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥૯॥

મચ્ચિત્તા: મદ્ગતપ્રાણા: બોધયન્તઃ પરસ્પરમ્

કથયન્ત: ચ મામ્ નિત્યમ્ તુષ્યન્તિ ચ રમન્તિ ચ

મામ્ - મારા

કથયન્ત: - (ગુણ પ્રભાવનું) કથન કરતા

તુષ્યન્તિ - (તેઓ) સંતોષ પામે છે.

ચ - અને

રમન્તિ - આનંદ કરે છે.

ચ - અને બીજાને પણ આનંદ કરાવે છે.

મચ્ચિત્તા: - મારામાં એકાગ્ર ચિત્તવાળા

મદ્ગતપ્રાણા: - મારામાં પ્રાણોને અર્પણ કરનારા

નિત્યમ્ - નિરંતર

પરસ્પરમ્ - એકબીજાને

બોધયન્તઃ - બોધ કરતા

ચ - તથા

તેઓ મારામાં ચિત્તવાળા, મારામાં પ્રાણવાળા, પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતા સદા સંતોષ પામે છે તથા આનંદી રહે છે. (૯)

ભાવાર્થ:

મચ્ચિત્તા: - મારામાં એકાગ્રચિત્તવાળા - ચેતનાની બે અવસ્થાઓ છે - એક દોડતી અવસ્થા અને એક સ્થિર ઉપરામ અવસ્થા.

  • ચેતનાની દોડતી અવસ્થાનું નામ મન - ચિત્ત.

  • ચેતનાની ઉપરામ અવસ્થાનું નામ આત્મા.

    જેમ પવનની દોડતી સ્થિતિનું નામ વંટોળિયો અને પવનની ઉપરામ સ્થિતિનું નામ વાયુ (તત્ત્વ). ચેતનાની દોડતી સ્થિતિનું નામ મન. - મન એટલે કામના અને વાસનાનું જાળું - Bundle of desires - જયારે કામના - વાસનાથી ચેતના ઘેરાઈ જાય ત્યારે મન સંસારના ભૌતિક ઇન્દ્રિયજન્ય વિષયો તરફ દોડયા જ કરે. જયારે વાસના - કામનાનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે મનનો લય થાય અને તે વખતે ચેતનાની ઉપરામ સ્થિતિ થાય ત્યારે આત્મરતિ - આત્મતૃપ્તિ - આત્મસંતુષ્ટિ થાય, તે અવસ્થામાં "મચ્ચિત્તા:" થઇ શકાય.

જ્યાં સુધી મનોમય કોષમાં અધ્યાસ હોય - મનની સાથે ઘેરું તાદાત્મ્ય (identity) રહે ત્યાં સુધી મચ્ચિત્તા: થઇ શકાય નહીં. મનની અનેક ચિત્તવૃતિઓ હોય છે. જેમ પાણી સ્વાભાવિક રીતે જ નીચાણ બાજુ ઢોળાતું હોય છે. તેમ મનનો સ્વાભાવિક ઢોળાવ સંસાર બાજુ જ હોય છે. પાણીને ઉપર ચઢાવવું હોય તો જેમ ડંકી મુકવી પડે છે, તેમ મનને પરમાત્મા બાજુ વાળવા માટે ધ્યાનયોગની પ્રક્રિયા કરવી પડે છે.

ધ્યાનયોગની ક્રિયા એટલે મનને સ્થિર કરવાની ક્રિયા. જયારે વાસનાઓ - કામનાઓનો ક્ષય થઇ જાય ત્યારે જ મનનો લય થઇ જાય - મન સમાપ્ત થઇ જાય - મન અમન થઇ જાય ત્યારે જ તે ચેતના પરમાત્મામાં લાગે - પરમાત્માની ઝલક અનુભવાય. જ્યાં સુધી મન જીવતું રહે ત્યાં સુધી તે સંસારમાં જ લગાતાર રહે. શરીર મરે છતાં પણ જો મન ના મરે તો મન બીજું શરીર પકડે અને બીજો સંસાર ઉભો કરે.

તનડો મરે પણ મનડો મરે નહીં, (તો) મનડો મર્યા વિના અર્થ સરે નહીં.

તમે મરી જાઓ એટલે કે મન મરી જાય - ઉપરામ થાય. મન મરી ગયા પછી પણ શરીર પ્રારબ્ધ પૂરું થતા સુધી ચાલુ રહે તો માણસ સદેહે મચ્ચિત્તા: થઈને ભગવદ્ભાવ અનુભવે - એ જ બ્રાહ્મીસ્થિતિ.

એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ।

સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥

(શ્રીમદ્ ભગવદ્ ગીતા - ૨/૭૨)

મનને પરમાત્મામાં લગાવવું - મચ્ચિત્તા: થવું - એટલે મનને શૂન્ય કરવું - અમન કરવું - વાસના - કામના રહિત કરવું. તમારો જગત સાથેનો - સંસાર સાથેનો સંબંધ એ સંબંધનું નામ મન છે. મન અમન થવાની સાથે જ - મનની સંસાર પ્રત્યેની દોટ સમાપ્ત થતાની સાથે જ - વાસના, કામનાનો સંપૂર્ણ ક્ષય થતાની સાથે જ - ચેતના અનાયાસે ઓટોમેટિક પરમાત્મ સ્થિતિને પ્રાપ્ત થઇ જ જાય. કારણ કે એ જ એની અસલ સ્થિતિ છે. નિસ્પંદ અવસ્થા - નિર્વિચાર અવસ્થામાં જ તે "તુષ્યન્તિ ચ રમન્તિ ચ" સંતુષ્ટ રહે છે અને પરમાત્મામાં રમણ કરે છે.

મદ્ગત પ્રાણા:

મન અમન થયા પછી જ પરમાત્મ ભાવની પ્રાપ્તિ શક્ય છે. સંસારના ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરવાની કામનાઓ અને વાસનાઓ હટે તો જ મન અમન થાય. ભૌતિક પદાર્થો - સુખોને પ્રાપ્ત કરવા હોય તો દોડો દોડો. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો તદ્દન થોભી જાઓ, રુક જાઓ. મનને (ચેતનાની દોડતી સ્થિતિને) અમન કરી દો એટલે કે અંતર્મુખ થઇ જાઓ. પરમાત્મામાં એ જ માણસ મન લગાવી શકે, જેનું મન સમાપ્ત થઇ ગયું હોય તે જ. જ્યાં સુધી મન મોજૂદ છે ત્યાં સુધી મન સંસારમાં જ રહેવાનું. મન એટલે જ સંસાર. મનને તમે પરમાત્મામાં લગાવી શકો જ નહીં. જ્યાં સુધી મન મોજૂદ છે ત્યાં સુધી તે પરમાત્મામાં લાગે જ નહીં. "મારુ મન પરમાત્મામાં લાગતું નથી" એ ફરિયાદ જ બેકાર છે. જયારે મન અમન થઇ જાય - શૂન્ય થઇ જાય ત્યારે જે બાકી રહે તે જ આત્મા (પરમાત્મા). ત્યારે મનનો આત્મામાં લય થઇ ગયો ગણાય. મન ઉપરામ થતા જ આત્માના આનંદની ઝલક અનુભવાય અને ત્યારે જ "મદ્ગત પ્રાણા:" પણ થવાય. મન ઉપરામ થતા જ પ્રાણ આત્મામાં સમર્પિત થઇ જાય. સમર્પણ આપોઆપ અચાનક જ ઘટિત થાય તે "મદ્ગત પ્રાણા:" કહેવાય.

બોધયન્તઃ પરસ્પરમ્ કથયન્ત: ચ મામ્ નિત્યમ્

મચ્ચિત્તા: મદ્ગતપ્રાણા: થયેલા માણસની પછી તેના વ્યવહારની એકે એક ક્રિયામાં પરમાત્માનો બોધ - પરમાત્માનું કથન પ્રગટ થાય. પછી તેને ભગવાનનો બોધ અને કથન લાઉડ સ્પીકર ઉપર બરાડા પાડીને, કાંસીજોડા કૂટીને અને ઢોલકાં વગાડીને જાહેર ના કરવું પડે. તેના જીવનની એકેએક ક્રિયામાં ભગવાનનો બોધ અને કથન જાહેર થાય અને તેમાં જ તેઓ "તુષ્યન્તિ ચ રમન્તિ ચ".