રુદ્રોમાં શંકર હું છું. યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું. વસુઓમાં પાવક (નામનો વસુ) હું છું અને પર્વતોમાં મેરુ હું છું. (૨૩)
ભાવાર્થ:
આ શ્લોકમાં બીજી ચાર વિભૂતિઓનું પરમાત્મા વર્ણન કરે છે.
(૯) રુદ્રાણામ્ શંકર ચ અસ્મિ
હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષાકપિ, શંભુ (શંકર) કપર્દી, રૈવત, મૃગવ્યાધિ, શર્વ અને કપાલી આ અગિયાર રુદ્રોમાં શંકર મારી વિભૂતિ છે. શંકર મૃત્યુના દેવતા છે અને તેથી જ તે નવા જન્મના પ્રદાતા પણ છે. મૃત્યુ જીવનની પરિપૂર્ણતા છે, અંત નથી. મૃત્યુ જીવનનો મિત્ર છે. જીવન શું છે તે નહીં સમજવાથી મૃત્યુ શત્રુ દેખાય છે. મૃત્યુ પણ જીવનનો અંતરંગ ભાગ છે. તેમાં જ જીવનનો વિકાસ છે, Growth છે. શંકર તે બ્રહ્મા અને વિષ્ણુથી વિપરીત નથી. વિનાશ (પ્રલય) તે સર્જન અને સ્થિતિનું વિરોધી નથી. જન્મની પહેલી ક્ષણથી જ મૃત્યુની ક્ષણની શરૂઆત થાય છે. મૃત્યુ જન્મની સહગામિની છે. બનવું અને મટવું - સર્જન અને સંહાર બે નથી. એક જ પ્રક્રિયાના બે અંગ છે. સમસ્ત સર્જન વિનાશને પેદા કરે છે અને સમસ્ત વિનાશ નવા સર્જનને જન્મ આપે છે. નોન યુકલીડની જ્યોમેટ્રી કહે છે કે બધી લીટીઓ ગોળાકાર છે. કોઈ લીટી સીધી નથી. જીવનની તમામ ગતિ વર્તુળાકાર છે. સંસારનો અર્થ છે - The Wheel - ફરતું ચક્ર. Non Stop. સંસારચક્રની બહાર છલાંગ મારે તે મુક્ત.
મૃત્યુ અંત નથી, પરંતુ એક ગહન વિશ્રામ છે. મૃત્યુના ઘણા ફાયદા છે. માહાત્મ્ય છે. નિદ્રા પણ એક અલ્પકાલીન મૃત્યુ છે. જેને બિલકુલ નિદ્રા ના આવે તે જીવતો ના રહી શકે. રાત્રે જે વધારેમાં વધારે ગાઢ નિદ્રામાં જઈ શકે તેનું જીવન દિવસે વધારે પ્રફુલ્લિત રહે.
જન્મ અને મૃત્યુ જીવનના બે પગ છે, જે વારાફરતી ઉપડે તો જ જીવનમાં ગતિ આવે.
દરેક પૂરક શ્વાસ જન્મ છે દરેક રેચક શ્વાસ મૃત્યુ છે, જે વારાફરતી ચાલે છે, તે બેની વચમાં જીવન જીવાય છે.
જીવન થાક છે, શ્રમ છે, તણાવ છે. મૃત્યુ વિરામ છે, વિશ્રામ છે.
સમુદ્રમાં એક મોજું ઉપડે તે જન્મ અને સમુદ્રમાં વિલય પામે તે મૃત્યુ. બંનેનું મૂળ કારણ સમુદ્ર પરમાત્મા.
શંકરને વિનાશના - પ્રલયના - જીવનના છેલ્લા અધ્યાયના અધ્યક્ષ - સભાપતિ માન્યા છે, પરંતુ શંકરના વ્યક્તિત્વને આપણે નટરાજ - તાંડવ નૃત્ય કરતા - નાચતા, કૂદતા, શંખ બજાવતા - રસભીના બડાપ્રેમી - બડા આસક્ત - પાર્વતીને ખોળામાં બેસાડે તેવા પ્રેમી આસક્ત તરીકે ચીતર્યા છે.
બધા વિરોધી દ્વંદ્વો સંયુક્ત થઈને આખું જીવન નિર્મિત કરે છે. જીવન એક સતત સંતુલન છે. શંકરનું આકર્ષણ જીવનનું આકર્ષણ છે, પરંતુ મૃત્યુના દેવતા છે. જીવન આમંત્રણ છે, પરંતુ આખરે મૃત્યુની ગોદ જ વિશ્રામ બને છે. આખા જગતનો વિકાસ જ દ્વંદ્વાત્મક છે, ડાયાલેક્ટિકલ છે - દ્વંદ્વનો અર્થ બે નહીં, વિપરીત બે નહીં, પરંતુ અંદરથી ઊંડાણમાં જોડાયેલા છે. જેવી રીતે નદીના બે કિનારા નદીના તળિયે પૃથ્વીથી જોડાયેલા છે.
(૧૦) વિત્તેશ: યક્ષરક્ષસામ્
યક્ષ અને રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું. આ સૂત્ર Capitalistic - પૂંજીવાદી લાગે તેવું છે. અને આજના સમાજવાદી યુગમાં કોઈ અમેરિકી ગુપ્તચર વિભાગે આ સૂત્ર ગીતામાં ઘુસાડી દીધું લાગે છે, પરંતુ તેવું નથી. કુબેરનો અર્થ અસ્તિત્વમાં સૌથી વધારેમાં વધારે ધનવાન માણસ.
આમ એક વાત ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે કે ધન સંપત્તિની ઊંચામાં ઊંચી ટોચ ઉપર પહોંચેલો માણસ ધનથી તદ્દન મુક્ત પણ થઇ શકે છે. ગરીબ માણસ કદાપિ ધનથી મુક્ત નથી થતો, નથી થઇ શકતો. કારણ કે જેની પાસે જે છે તેનાથી તે મુક્ત થઇ શકે. જે નથી તેનાથી તે સદાય આકર્ષિત રહે. દુનિયામાં ધનની પ્રતિષ્ઠાનું કારણ ગરીબી છે. ધનમાં આકર્ષણ નથી, પરંતુ તેનો પુરવઠો ઓછો છે તેથી તેનું આકર્ષણ છે. ગરીબી પુષ્કળ છે, તેના પ્રમાણમાં ધન બહુ જ ઓછું છે. તેથી આકર્ષણ છે. મુક્તિ નથી. જે ગામમાં દરેક માણસ પાસે બબ્બે કાર હોય ત્યાં કારનું નહીં, પરંતુ પગે ચાલવામાં આકર્ષણ રહે. ચોવીસે તીર્થંકરો - મહાવીર, બુદ્ધ વગેરે રાજાઓ અત્યંત ધનવાન હતા, તેઓ ધનથી મુક્ત થવા પ્રેરાઈને સડક ઉપર હાથમાં ભિક્ષાપાત્ર લઈને ઉભા રહી ગયા. બુદ્ધના સંન્યાસીઓને ભિક્ષુ કહેવામાં આવે છે. મહાવીરે કપડાં પણ કાઢી નાખ્યા. ધન હોય અને છતાં તેનાથી મુક્ત ના થાય તે બુધ્ધુ. ધન ના હોય છતાં ધનથી મુક્ત થાય તે મહા બુદ્ધિશાળી.
રાક્ષસોમાં કુબેર. રાક્ષસ એટલે શું તે માનસ રામાયણમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે -
લોભઈ ઓઢન લોભઈ ડાસન (ઉત્તરકાંડ - ૩૯/૧)
રાક્ષસ એટલે અત્યંત લોભી. દેહનો અને દેહને જરૂરી તમામ ભૌક્તિક સુખોનો. જેનો આત્મા જ લોભ (greed) છે. રાક્ષસ કોઈ જાતિ નથી, વ્યક્તિત્વ છે. લોભી વ્યક્તિત્વ છે. લોભી વ્યક્તિ રાક્ષસ - સાક્ષરા: વિપરીતા: રાક્ષસાઃ ભવન્તિ - ભગવાન કહે છે કે રાક્ષસોમાં હું કુબેર છું. જે ધનની પકડની બહાર છે. લોભથી મુક્ત છે. ધનથી યુક્ત, લોભથી મુક્ત. રાક્ષસ જ્યાં સુધી કુબેર ના થઇ જાય ત્યાં સુધી તે પરમાત્મા તરફ ઝુકે નહીં. માત્ર કુબેર ઝૂકી શકે. અત્યંત ધનિક એવા અમેરિકાને ધર્મ - ધ્યાન - ઈશ્વર તરફ ઝુકવાની સંભાવના વધારે છે. They are suffering from plenty. રાક્ષસોમાં હું એક કુબેર છું કે જેની પાસે જરૂરિયાત કરતા અત્યંત અધિક અનંત એટલું બધું છે - કલ્પના બહાર - વાસના-કામનાથી અનેકગણું છે કે, તેની તમામ કામના-વાસના મરી ગઈ છે.
(૧૧) વસૂનામ્ પાવક: ચ અસ્મિ
આઠ વસ્તુઓ - ધર, ધ્રુવ, સોમ, અહસ, અનિલ, અનલ, પ્રત્યૂષ અને પ્રભાસ - તેમાં અનલ એટલે પાવક - અગ્નિ ભગવાનનું મુખ છે. અને દેવોને હવિ પહોંચાડે છે. પાવક પદાર્થોને પકાવે છે, પચાવે છે અને ગંદકીને શુદ્ધ કરે છે. જીવન વ્યવહારમાં અગ્નિની - પાવકની પ્રધાનતા છે. અગ્નિને જોઈને પરમાત્માની દિવ્યતાનું ભાન અને સ્મરણ થાય છે.
(૧૨) મેરુઃ શિખરિણામ્ અહમ્
શિખરયુક્ત સાત પર્વતોમાં મેરુ હું છું. મેરુ પર્વતનું વર્ણન પુરાણ ગ્રંથોમાં આવે છે, પરંતુ તે ક્યાં સ્થિત છે તે કોઈ કહેતું નથી. શિખર યુક્ત સાત પર્વતો ક્યાં ક્યાં છે તે પણ સ્પષ્ટ નથી. મેરુ પર્વતની વિશાળતાનું વર્ણન સાંભળીને પરમાત્માની વિશાળતા અને ભવ્યતાની કલ્પના કરી શકાય.