Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ ।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥૩૩॥

અક્ષરાણામ્ અકાર: અસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ

અહમ્ એવ અક્ષયઃ કાલ: ધાતા અહમ્ વિશ્વતોમુખઃ

(તથા)

કાલ: - કાળ

અહમ્ એવ - હું જ (છું)

વિશ્વતોમુખઃ - વિરાટ સ્વરૂપ

ધાતા - સર્વનો ધારણ પોષણ કરનાર

અહમ્ - હું છું.

અક્ષરાણામ્ - અક્ષરોમાં

અકાર: - અકાર

ચ - અને

સામાસિકસ્ય - સમાસોમાં

દ્વન્દ્વઃ - દ્વન્દ્વસમાસ

અસ્મિ - હું છું.

અક્ષયઃ - (કાળોમાં) ક્ષયરહિત

અક્ષરોમાં 'અ'કાર અને સમાસસમુદાયમાં દ્વંદ્વ (સમાસ) હું છું. અક્ષય કાળ હું જ છું. અને સર્વ તરફ મુખવાળો ધાતા - કર્મફલદાતા હું છું. (૩૩)

ભાવાર્થ:

(૪૬) અક્ષરાણામ્ અકાર: અસ્મિ

અક્ષરોમાં હું 'અ' કાર છું.

ૐ માં પહેલો અક્ષર ‘અ’ છે. સ્વરોમાં પહેલો સ્વર ‘અ’ છે. શબ્દસૃષ્ટિમાં તેનું બહુ મહત્વ છે. દરેક વ્યંજનમાં ‘અ’ મળે તો જ પૂરો અક્ષર થાય. બધા સ્વર વ્યંજનોમાં ‘અ’કાર વ્યાપ્ત છે.

(૪૭) દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ

બધા સમાસોમાં દ્વંદ્વ સમાસ હું છું. સંસ્કૃત વ્યાકરણમાં ચાર પ્રકારના સમાસ હોય છે.

(૧) દ્વંદ્વ

(૨) તત્પુરૂષ

(૩) અવ્યયીભાવ

(૪) બહુવ્રીહિ

દ્વંદ્વ સમાસમાં બંને પદોની અર્થની પ્રધાનતા હોવાને લીધે તે અન્ય સમાસોમાં શ્રેષ્ઠ છે, માટે પરમાત્માની વિભૂતિ છે.

(૪૮) અહમ્ એવ અક્ષયઃ કાલ:

કાળના ત્રણ ભેદ છે.

(૧) સમય વાચક કાળ

(૨) પ્રકૃતિરૂપ કાળ - મહાપ્રલય પછી જેટલા સમય સુચ પ્રકૃતિની સામ્યાવસ્થા રહે છે તે પ્રકૃતિ રૂપ કાળ.

(૩) નિત્ય શાશ્વત વિજ્ઞાનાનન્દઘન પરમાત્મા - Eternity

સમયવાચક સ્થૂળકાળની અપેક્ષાએ તો બુદ્ધિની સમજમાં ના આવે તેવો પ્રકૃતિરૂપ કાળ સૂક્ષ્મ અને પર છે. એ પ્રકૃતિરૂપ કાળથી પણ પર પરમાત્મરૂપ કાળ (eternity) અત્યંત સૂક્ષ્મ પરાતિપર અને પરમશ્રેષ્ઠ છે. વસ્તુતઃ: પરમાત્મા દેશકાળથી સર્વથા રહિત છે. પરંતુ જ્યા પ્રકૃતિ અને તેના કાર્યરૂપ સંસારનું વર્ણન કરવામાં આવે છે ત્યાં તમામને સત્તા - સ્ફૂર્તિ આપનાર હોવાને લીધે તે બધાયના અધિષ્ઠાન રૂપ વિજ્ઞાનાનંદઘન પરમાત્મા જે વાસ્તવિક "કાળ" છે.

ત્રીસમાં શ્લોકમાં કહ્યું છે કે, "કાલ: કલયતામ્ અહમ્ |" અને આ શ્લોકમાં કહે છે કે "અહમ્ એવ અક્ષય: કાલ:" | આ બંનેમાં ફરક છે. ત્રીસમાં શ્લોકમાં કહે છે કે કાળ ક્ષણે ક્ષણે બદલનારો કાળ છે. ભવિષકાળની ક્ષણ વર્તમાનકાળમાં આવે છે અને તુરત જ તે ક્ષણ ભૂતકાળમાં ચાલી જાય છે. આ પ્રકારે સજીવ દેહધારી મનુષ્યો અને તમામ જળચર - સ્થલચર - નભચર પ્રાણીઓ કાળથી ગ્રસ્ત છે. એટલા માટે ૩૦માં શ્લોકમાં ગણતરી કરનારાઓમાં હું (સમયવાચક) કાળ છું તેમ કહ્યું. આ શ્લોકમાં અક્ષયકાળ - Eternity નું વર્ણન છે, એટલે કે બ્રહ્મની માફક કાળ પણ અનાદિ છે. આ જે મૂળકાળ છે જેને કાલાત્મા પણ કહે છે, તે બ્રહ્મની માફક અક્ષય છે અને તે સમગ્ર વિશ્વથી સંબંધિત છે.

આ અક્ષયકાળ પૃથ્વીના પદાર્થો - પ્રાણીઓ સાથે ક્ષણ ક્ષણ સંબંધ રાખે છે ત્યારે તેને ગણતરી કરનારો કાળ કહે છે અને તે (સમય સૂચક) કાળની એક એક ક્ષણની ગણતરી ચાલી રહેલી છે. જયારે સમસ્ત બ્રહ્માંડની સાથે સંબંધ રાખનાર કાળને તો સમસ્ત બ્રહ્માંડને એક જ વખત ખતમ કરવાનું હોય છે એટલે આ બે કાળ એક બીજાથી ભિન્ન નથી, પરંતુ એક જ કાળના આ બે સ્વરૂપ છે.

આ જગતમાં એક જ ચીજ અક્ષય છે જે ક્ષીણ નથી થતી અને તે સમય - કાળ. આ વિરાટ અસ્તિત્વમાં તમામે તમામ પ્રાણી, પદાર્થ, વસ્તુ, વ્યક્તિ બધું જ સતત બદલાતું જ રહે છે. ક્ષીણ થતું રહે છે. જયારે સમય કદાપિ ક્ષીણ થતો નથી. બધું જ સમયમાં જ (કાળમાં જ) જન્મે છે, જીવે છે, મરે છે. સમયમાં જ (કાળમાં જ) બધી ઉત્પત્તિ - સ્થિતિ - લય સદા સતત ચાલ્યા કરે છે. ભર્તૃહરિ કહે છે, "कालो न यातो वयमेव याताः|" કોઈ કહે છે કે હું સમય પસાર કરું છું. તેને ખબર નથી કે તે પોતે પસાર થઇ રહ્યો છે. સમયની આ શાશ્વતતા છે. Time is eternal. એમાં ક્યારેય ભૂતકાળ નથી, ભવિષ્યકાળ નથી. માત્ર વર્તમાનકાળ જ છે, જેમ આકાશમાં કોઈ દિશા નથી. દિશા નક્કી કરવા માટે કોઈ પદાર્થ જોઈએ અને સમય નક્કી કરવા કોઈ પ્રસંગ (incident) જોઈએ. પદાર્થ અને પ્રસંગ (object and incident) વગર દિશા અને સમયનું ભાન પડે નહીં. પદાર્થ અને પ્રસંગનો ખ્યાલ છોડે તો જ Time and space is eternal એ સત્ય સમજાય. મૃત્યુ પણ એક શાશ્વતતા છે, તેથી આપણે મૃત્યુને કાળ કહીએ છીએ.

(૪૯) ધાતા અહમ્ વિશ્વતોમુખઃ

વિરાટ સ્વરૂપ સર્વનો ધારણ પોષણ કરનાર હું છું.

હું સર્વતોમુખઃ છું એટલે કે બધી જગ્યાએ ફેલાયેલો છું. હું આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છું. તેથી બધાને ધારણ કરું છું.