Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥૨૭॥

ઉચ્ચૈઃશ્રવસમ્ અશ્વાનામ્ વિદ્ધિ મામ્ અમૃતોદ્ભવમ્

ઐરાવતમ્ ગજેન્દ્રાણામ્ નરાણામ્ ચ નરાધિપમ્

(હે અર્જુન !)

ઐરાવતમ્ - ઐરાવત હાથી

ચ - તથા

નરાણામ્ - મનુષ્યોમાં

નરાધિપમ્ - રાજા

મામ્ - મને

વિદ્ધિ - જાણ

અશ્વાનામ્ - ઘોડાઓમાં

અમૃતોદ્ભવમ્ - અમૃત માટે સમુદ્રમંથન કરતા નીકળેલો

ઉચ્ચૈઃશ્રવસમ્ - ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો

ગજેન્દ્રાણામ્ - હાથીઓમાં

ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચૈશ્રવા, હાથીઓમાં ઐરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ.(૨૭)

ભાવાર્થ:

(૨૪) અશ્વાનામ્ ઉચ્ચૈઃશ્રવસમ્

ઘોડાઓમાં ઉચ્ચૈ:શ્રવા ઘોડો પરમાત્માની વિભૂતિ છે. ઉચ્ચૈઃશ્રવસ એટલે જોરથી અવાજ કરનાર અને અમૃતથી ઉત્પન્ન થયેલો - આ તેની વિશેષતાઓને લીધે તે વિભૂતિ ગણાય છે.

(૨૫) ઐરાવતમ્ ગજેન્દ્રાણામ્

હાથીઓમાં ઐરાવત હું છું. ઉચ્ચૈ:શ્રવા અને ઐરાવત બંને સમુદ્રમંથન વખતે સમુદ્રમાંથી નીકળેલા ચૌદ રત્નો પૈકીના છે એ તેમની વિશેષતા છે.

(૨૬) નરાણામ્ ચ નરાધિપમ્

મનુષ્યોમાં રાજા મારી વિભૂતિ છે. કારણ કે સામાન્ય માણસો કરતા રાજામાં અનેક વિશેષતાઓ હોય છે.

ઘોડો - હાથી - રાજા કોઈ પણ કોટિના જીવોમાં જ્યાં અભિજાત્ય (દૈવી સંપત્તિ) પ્રગટ થાય, કોઈ વ્યક્તિત્વ પૂરી ખિલાવટથી ઉપલબ્ધ થાય, તેમાં પરમાત્માની પ્રતીતિ (વિભૂતિ) આસાનીથી કરી શકાય.