યાદવોમાં વાસુદેવ (કૃષ્ણ) અને પાંડવોમાં અર્જુન હું છું; મુનિઓમાં પણ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું. (૩૭)
ભાવાર્થ:
(૬૧) વૃષ્ણીનામ્ વાસુદેવ:અસ્મિ
(૬૨) પાણ્ડવાનામ્ ધનંજયઃ
આગળના શ્લોકોમાં પોતાની વિભૂતિઓ અને પ્રતીકો બતાવતા બતાવતા હવે ફેરવી ફેરવીને કૃષ્ણે પોતાને અને અર્જુનને બંનેને પણ પરમાત્માની વિભૂતિના પ્રતીક બતાવ્યા.
વૃષ્ણીવંશીઓમાં જો તારે દેખવો હોય મને અગર તારે દેખવો હોય પ્રભુને તો હું તારી સામે જ ઉભો છું. વૃષ્ણીવંશીઓમાં હું (કૃષ્ણ) વાસુદેવ છું.
જ્યાં પણ શ્રેષ્ઠતાનું ફૂલ ખીલે ત્યાં તને મારા દર્શન થશે. તારે પાંડવોમાં પરમાત્મા જોવો હોય તો તું ખુદ પોતાને જ જોઈ લે. પાંડવોમાં હું તારામાં જ છું.
કૃષ્ણ આ પ્રમાણે ધીરે ધીરે અર્જુનને એ પ્રતીક પાસે લઇ આવે છે, જ્યાં તે ખુદ પોતાને પોતાનામાં જ દેખી શકે. જેને તું ખોળી રહ્યો છું તે તું જ છે. જેની તું તલાશ કરે છે તે તું તલાશ કરનારની અંદર જ છુપાયેલો છે અને જેની તરફ તું દોડી રહ્યો છે તે ક્યાંય બહાર નથી, પરંતુ દોડનારની અંદર જ છુપાયેલો છે અને જે કસ્તૂરીની સુવાસ તને ખેંચી રહી છે અને તને આકર્ષિત કરી રહી છે તે તારી નાભીમાં જ છે. જગતમાં તમામ પદાર્થ - પ્રાણી - વસ્તુ - વ્યક્તિઓમાં જ્યાં શ્રેષ્ઠતાના દર્શન થાય તેમાં પરમાત્માની ઝલક જોવાની દ્રષ્ટિ કેળવાય તો આખરે માણસ પોતાની અંદર પણ પરમાત્માની ઝલક પામી શકે અને ત્યારે તે અંતર્મુખ થઈને આત્મજ્ઞાનને - બ્રહ્મજ્ઞાનને ઉપલબ્ધ થઇ શકે, જે તેના જીવનનું અંતિમ ચરમ લક્ષ્ય છે.
જેને પોતાની અંદર પરમાત્મા નહીં દેખાય તેને પરમાત્મા ક્યાંય નહીં દેખાય. જેને ઘરમાં તથા પાડોશમાં ઉભેલા માણસોમાં નહીં દેખાય તેને જળચર - સ્થળચર - નભચર પ્રાણીઓ, પશુ-પક્ષીઓમાં પરમાત્મા નહીં દેખાય અને જેને પશુ - પક્ષીઓમાં પરમાત્મા નહીં દેખાય તેને વૃક્ષ વગેરે વનસ્પતિઓમાં તથા માટી, પથ્થર, લાકડું વગેરે જડ સૃષ્ટિમાં અને તેમાંથી બનાવેલી મૂર્તિઓમાં પરમાત્મા કેવી રીતે દેખાય?
જેને પોતાની અંદર પરમાત્મા દેખાશે તેને બહાર બધે જ પરમાત્મા દેખાશે, ત્યારે તમામ શુભ - શ્રેષ્ઠમાં જ પરમાત્મા દેખાશે એટલું જ નહીં, પરંતુ અશુભ - નિકૃષ્ઠમા પણ પરમાત્મા જ દેખાશે. કારણ કે શુભ - અશુભ, સજ્જન - દુર્જન, સુખ - દુઃખ બધાય દ્વંદ્વોમાં હું જ અને હું જ નિર્દ્વંદ્વ બેઠેલો છું.
(૬૩) મુનીનામ્ અપિ વ્યાસ: અહમ્ - મનનાત્ મુનિ:| જે મનન કરે તે મુનિ.
સ્થિતધિ: મુનિ: ઉચ્યતે || (ગીતા ૨/૫૬)
સ્થિતપ્રજ્ઞને મુનિ કહેવાય. ગીતા સહિત મહાભારત - ભાગવત વગેરે ૧૮ પુરાણો તથા બ્રહ્મસૂત્રના રચયિતા સ્થિતપ્રજ્ઞ અને મનનશીલ હોવાથી વ્યાસ મહામુનિ ગણાયા.
વ્યાસોચ્છિષ્ટમ જગત્ સર્વમ |
આખું જગત વ્યાસનું એઠું. દુનિયામાં એવું કશું જ નથી કે વ્યાસ ના બોલ્યા હોય અને દુનિયાના તમામ જ્ઞાનીઓ - કવિઓ - મુનિઓ - વિદ્વાનો - સંતો જે કોઈ જે કાંઈ બોલ્યા છે તે વ્યાસનું જ બોલેલું (એઠું) બોલ્યા છે. વેદોનાં વિસ્તાર કરવાથી વ્યાસ કહેવાયા. તે પરમાત્માના અંશાવતાર છે. કૃષ્ણ દ્વૈપાયન અને બાદરાયણ તે તેમના ચરિતાર્થનાં નામો છે તે શુકદેવજીના પિતા છે.
(૬૪) કવીનામ્ ઉશના કવિઃ
કવિ એટલે ક્રાંતદર્શિ (સર્વજ્ઞ) - પંડિત બુદ્ધિમાન. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ઉશ એટલે પ્રેમ (પરમાત્મા) તેના ગુણ ગાનાર ઉશનસ. ગીતા અધ્યાય - ૮/૯ માં પરમાત્માને કવિ કહ્યા છે.
શુક્રાચાર્ય - ભાર્ગવોના અધિપતિ - સંજીવની વિદ્યાના જાણકાર - અસુરોના પુરોહિત - દેવયાનીના પિતા - યયાતિના સસરા - તે આ ઉશનસ કવિને પરમાત્માની વિભૂતિ ગણાવ્યા છે.