છળ કરનારાઓમાં જુગાર અને તેજસ્વીઓમાં તેજ હું છું; (જીતનારાઓનો) વિજય, (નિશ્ચય કરનારાઓનો) નિશ્ચય અને સત્ત્વવાળાઓનું સત્ત્વ હું છું. (૩૬)
ભાવાર્થ:
(૫૬) દ્યૂતમ્ છલયતામ્ અહમ્
છળ કરનારાઓમાં દ્યુત (જુગાર) હું છું. જિંદગી એક જુગાર છે. જેમાં દરેક વ્યક્તિ હાર ખાઈને જ મૃત્યુને ભેટે છે. મરતી ક્ષણે જે પીડા થાય છે તે મૃત્યુની નહીં, પરંતુ વ્યર્થ ગયેલા જીવનની પીડા થાય છે. ખરેખર તો જીવનમાં બધું જ છળ છે. જુગારમાં બધા જ જીતતા દેખાય છે છતાં કોઈ જીતીને બહાર નીકળ્યો નથી. બહાર નીકળતી વખતે બધા હારીને જ બહાર નીકળતા હોય છે. આ એનું છળ છે. હથેળીમાં ચાંદ દેખાડે, પરંતુ મળે કાંઈ નહીં. યયાતિ રાજા, ભર્તૃહરિ જેવા અનેકને જિંદગીના જુગારનો અને તેના છળનો અનુભવ થયો છે.
જુગારમાં જીતનાર માણસ જ્યાં સુધી ભયકંર - હાર, પછાડ ખાતો નથી, ત્યાં સુધી તે જુગારની બહાર નીકળી શકતો જ નથી. આ જુગારનું છળ છે. જુગાર એ જિંદગીનું પ્રતીક છે. જુગાર એકલાથી નથી ખેલાતો. તેમાં બીજાઓની જરૂર પડે. જે લોકો અંતર્મુખ થઈને ધ્યાનની એકલતાને એકાંતતાને ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી તે જીવનના જુગારમાંથી અનેક જન્મ સુધી બહાર ના નીકળી શકે. દરેક મૃત્યુ વખતે માણસ બધું જ ગુમાવીને જાય છે. આખી દુનિયાને જીતનાર આખરે ભિખારીના વેશમાં મરે છે. છળનું શુદ્ધતમ રૂપ જુગાર છે. જિંદગીના જુગારનું છળકપટ જે તત્ત્વે કરીને સમજે, તે ભગવદ્ભાવ તરફ જલદીથી વળી શકે.
(૫૭) તેજસ્વિનામ્ તેજ અહમ્
પ્રભાવશાળી પુરુષોનો પ્રભાવ હું છું.
(૫૮) (જેતૃણામ્) જય: અસ્મિ
જીતનારાઓનો વિજય હું છું.
(૫૯) (વ્યવસાયીનામ્) વ્યવસાય: અસ્મિ
નિશ્ચય કરનારાઓનો નિશ્ચય હું છું.
(૬૦) સત્ત્વવતામ્ સત્ત્વમ્ અહમ્
સાત્ત્વિક પુરુષોનો સાત્ત્વિક ભાવ હું છું.
આ તેજ (પ્રભાવ), વિજય, વ્યવસાય (નિશ્ચય) અને સાત્ત્વિકતા આ ચાર ગુણો ભગવદ્પ્રાપ્તિમાં સહાયક છે. અને આ ગુણોનું જેનામાં પ્રાધાન્ય હોય તેણે તેના માટે અહંકાર નહીં કરતા તે ગુણો તેને પરમાત્માના વરદાન - ભેટરૂપે મળ્યા છે તેમ માનીને ભગવદ્દ ભાવ કેળવવો.