Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન્ ।
મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી ॥૨૧॥

આદિત્યાનામ્ અહમ્ વિષ્ણુ: જ્યોતિષામ્ રવિ: અંશુમાન્

મરીચિ: મરુતામ્ અસ્મિ નક્ષત્રાણામ્ અહમ્ શશી

(હે અર્જુન)

મરુતામ્ - (૪૯) વાયુ દેવોમાં

મરીચિ: - મરીચિ (વાયુ) તથા

નક્ષત્રાણામ્ - નક્ષત્રોમાં

શશી - ચંદ્રમા

અહમ્ - હું

અસ્મિ - છું

આદિત્યાનામ્ - (અદિતિના પુત્રો) દેવોમાં

વિષ્ણુ: - વિષ્ણુદેવ

અહમ્ - હું છું.

જ્યોતિષામ્ - પ્રકાશમય પદાર્થોમાં

અંશુમાન્ - કિરણોવાળો

રવિ: - સૂર્ય હું છું.

આદિત્યોમાં વિષ્ણુ હું છું; જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય, વાયુઓમાં મરીચિ અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું. (૨૧)

ભાવાર્થ:

બાળકને સાપ અગર ઘુવડ હાથમાં ઝાલીને ના બતાવી શકાય, પરંતુ તેને તેનું ચિત્ર બતાવીને તેનો કાંઈક ખ્યાલ આપે શકાય. That which cannot be described in words can be made known through symbols. પરમાત્મા અજ્ઞાત છે અને અનિર્દેશ્ય છે. તેને અંગુલિનિર્દેશથી સમજાવવાનો શાસ્ત્રોએ અને સંતોએ પ્રયાસ કરેલો છે. પરમાત્માની આપણને ખબર નથી, અજ્ઞાત છે પરંતુ આપણને જેની ખબર છે તેના આધાર ઉપર તે અજ્ઞાતના સંબંધમાં કાંઈક ઈશારો by symbols - કોઈક પ્રતીક દ્વારા કરી શકાય. દુનિયામ જે પ્રાચીનતમ ભાષાઓ છે તે ચિત્રોવાળી છે. ચીની ભાષા ચિત્રની ભાષા છે. હજુ પણ ચીની ભાષામાં વર્ણક્ષાર નથી. ચીની ભાષા કોઈને શીખવી હોય તો લગભગ ચિત્ર જેવું લાગે અને તેમ છતાં તેનું માત્ર પ્રાથમિક જ્ઞાન થાય.

ભગવાને શ્લોક ૧૯-૨૦ માં મૌલિક ગહન વાત કરી લીધી. પરંતુ અર્જુનની પકડમાં તે વાત આવી નહીં હોય, તેથી હવે પરમાત્મા ચિત્રોનો પ્રયોગ કરે છે અને ચિત્રોના માધ્યમથી અચિન્ત્ય, અનિર્દેશ્ય, અનિર્વચનીય, અવ્યક્ત, અજ્ઞાત પરમાત્મા (અસ્તિત્વ) તરફ સંકેત - ઈશારો (અંગુલિનિર્દેશ) કરે છે અને કહે છે કે.

(૧) આદિત્યાનામ્ અહમ્ વિષ્ણુ:

આ દ્રશ્ય ચરાચર સૃષ્ટિ બ્રહ્માજીના માનસ પુત્ર કશ્યપ ઋષિથી પેદા થઇ. કશ્યપ ઋષિને ૧૩ પત્નીઓ હતી, તે દક્ષ પ્રજાપતિની દીકરીઓ હતી તે બધી લોકમાતાઓ કહેવાય છે. આ તેર પત્નીઓ પૈકી એક પત્ની - અદિતિને બાર દીકરાઓ હતા તે વિવસ્વાન - અર્યમા - પુષા - ત્વષ્ટા - સવિતા - ભગ - ધાતા - વિધાતા - વરુણ - મિત્ર - ઇન્દ્ર અને ત્રિવિક્રમ (વામન) હતા. આ બાર દીકરાઓ બાર આદિત્યો ગણાય છે આમાં વિષ્ણુ ત્રિવિક્રમના નામે થયા અને તે ઠીંગણા હોવાથી તે વામન કહેવાયા. ભગવાન કહે છે કે આ

બાર આદિત્યોમાં હું વિષ્ણુ છું.

ભારતીય ચિંતનમાં બ્રહ્મા સર્જનનું પ્રતીક છે, મહેશ વિસર્જનનું પ્રતીક છે. સર્જન અને વિસર્જનની વચમાં જે લાબું અસ્તિત્વ છે તેની સારસંભાળ અને વ્યવસ્થા રાખવા માટે જે ઉર્જા છે તેનું પ્રતીક વિષ્ણુ છે. પરમાત્માની આ ત્રણ મૌલિક શક્તિઓ છે, તેનું પ્રતીક અગર શબ્દચિત્ર તે બ્રહ્મા - વિષ્ણુ - મહેશ છે. આ Trinity છે. તમામ ધર્મોએ એક નહીં તો બીજા રૂપે આ “Trinity” નો સ્વીકાર કરેલો છે.

ખ્રિસ્તી ધર્મ તેને

(૧) God the Father (૨) God the Son (૩) Holy Ghost ને નામે ઓળખે છે.

વૈજ્ઞાનિકો તેને

(૧) Electron (વિધાયક), (૨) Proton (વિનાશક) અને (૩) Neutron (તટસ્થ) ને નામે ઓળખે છે.

સૃજન એક ક્ષણમાં થાય છે. વિસર્જન પણ એક ક્ષણમાં થાય છે જયારે અસ્તિત્વનો લાંબો વિસ્તાર અને વ્યવસ્થા વિષ્ણુના હાથમાં છે, તેથી બધા અવતારો વિષ્ણુના મનાય છે જે એક વિરાટતમ ઉર્જા છે. અસ્તિત્વનો ફેલાવ અને જીવનનું કેન્દ્રીય તત્વ સંભાળનાર વિષ્ણુ તે હું છું. વિષ્ણુ મારી વિભૂતિ છે, જેની મારફતે તું મને સમજી શકીશ અને પામી શકીશ.

(૨) જ્યોતિષામ્ અંશુમાન્ રવિ: અહમ્

સૂર્ય - ચંદ્ર - તારાગણ - નક્ષત્ર - વિદ્યુત - અગ્નિ વગેરે જેટલા જેટલા પ્રકાશ પ્રદાન કરનારા જ્યોતિષમાન તેજસ્વીઓ છે. તેમાં સોનેરી કિરણોવાળો સૂર્ય હું છું. (રવિ:) સૂર્ય મારી વિભૂતિ છે. તેની ભક્તિ મારફતે પણ તું મને જાણી શકીશ, પામી શકીશ.

સમસ્ત અસ્તિત્વના વિરાટ રૂપને ધ્યાનમાં રાખીએ તો સૂર્ય બધાંયથી નાનામાં નાનું Unit છે. પૂરેપૂરા અસ્તિત્વમાં પ્રાથમિક Unit સૂર્ય છે. આપણો સૂર્ય બહુ જ Mediocre મધ્યમવર્ગીય છે, જો કે પૃથ્વી કરતા તો તે સાઈઠ હાજર ઘણો મોટો છે, પરંતુ બીજા પણ અનેક મહાસૂર્યો છે. જેના મુકાબલામાં આપણો સૂર્ય કાંઈ વિસાતમાં નથી. રાત્રે આપણને જે તારા દેખાય છે તે પણ સૂર્ય છે, પરંતુ તે અત્યંત દૂર હોવાથી નાના દેખાય છે. સૂર્યપ્રકાશની ઝડપે જઈએ તો પૃથ્વી ઉપરથી સૂર્ય ઉપર પહોંચતા સાડા નવ મિનિટ થાય. અત્યારે આપણી પાસે જે ગતિની ઝડપ ઉપલબ્ધ છે તે Maximum ઝડપે જઈએ તો તો આખી જિંદગી દોડીએ તો પણ સૂર્ય સુધી ના પહોંચીએ. સૂર્યકિરણની ઝડપ એક સેકન્ડની ૧,૩૬,૦૦૦ માઈલ છે, તેમ છતાં સૂર્ય આપણાથી નજીકમાં નજીકનો તારો છે. આથી સૂર્યકિરણને પૃથ્વી ઉપર આવતા માત્ર સાડા નવથી દસ મિનિટ લાગે છે, પરંતુ સૂર્યથી ઉપરનો જે નજીકમાં નજીક તારો છે. ત્યાં જો સૂર્યપ્રકાશની ઝડપે જઈએ તો ચાર વરસ લાગે અને સૂર્યકિરણની ઝડપે જતા એટલી ગરમી પેદા થાય છે કે જે વાહનમાં જઈએ તે વાહન અને તેમાં બેસનાર વ્યક્તિ તે સૂર્યકિરણ બની જાય.

અત્યાર સુધી વૈજ્ઞાનિકોને ફક્ત ત્રણ જ અબજ સૂર્યનો પત્તો લાગ્યો છે અને તે પણ આપણી શોધખોળની મર્યાદા છે. બાકી અસ્તિત્વને તો કોઈ મર્યાદા જ નથી, અસીમ છે. આ ત્રણ અબજ સૂર્યોમાં કેટલાક સૂર્ય તો એવા છે કે જેના કિરણોને આપણી પૃથ્વી ઉપર આવતા અબજો વર્ષ લાગી જાય - સૂર્યકિરણની ઝડપથી આવે તો પણ.

અત્યાર સુધીમાં અનાદિકાળના અસ્તિત્વના ભૂતકાળમાં એવા કેટલાય અસંખ્ય સૂર્યોના કિરણો આપણી પૃથ્વી આગળ થઈને પસાર થઇ ગયા કે જયારે આપણી પૃથ્વીનું અસ્તિત્વ જ નહોતું અને હવે પછી પણ અનંતકાળના અસ્તિત્વના ભવિષ્યમાં એવા કેટલાય અસંખ્ય સૂર્યના કિરણો આપણી પૃથ્વી આગળ થઈને પસાર થઇ જશે, જયારે આપણી પૃથ્વીનું અસ્તિત્વ જ નહીં હોય. એટલે ભૂતકાળમાં તે પસાર થઇ ગયેલા અને ભવિષ્યમાં પસાર થનારા કિરણોને આપણી પૃથ્વી સંબંધી કોઈપણ ખબર નહીં હોય અને નહીં હોવાની.

દરેક સૂર્યનો, એકે એક સૂર્યનો પોતપોતાનો સૌર પરિવાર હોય છે. પૃથ્વી - ચંદ્ર - મંગળ - બૃહસ્પતિ એ બધા એક સૂર્યનો પરિવાર છે અને તે બધા સૂર્યમાંથી પેદા થયેલા અને સૂર્યમાંથી છૂટા પડેલા હોય છે. સૂર્યના ટુકડા હોય છે એક સૂર્ય નષ્ટ થતાની સાથે તેનો આખો પરિવાર નષ્ટ થાય છે. અને એક સૂર્ય પેદા થતા તેનો બધો પૂરો પરિવાર નિર્મિત થાય છે. જે દિવસે આપણો સૂર્ય નષ્ટ થઇ જશે તે દિવસે આપણા સૂર્યનો પરિવાર પણ નષ્ટ થઇ જશે. આ પ્રમાણે સમગ્ર અસ્તિત્વમાં (પરમાત્મામાં) પ્રત્યેક ક્ષણે અસંખ્ય કરોડો સૂર્યો નવા નવા અસ્તિત્વમાં આવે છે અને પ્રત્યેક ક્ષણે અસંખ્ય કરોડો સૂર્યો પરિવાર સહિત નષ્ટ થતા હોય છે અને તત્કાલ બીજા અસંખ્ય કરોડો નવા સૂર્યો પરિવાર સહિત નિર્મિત થતા હોય છે. જ્યાં જયારે એક સૂર્ય પરિવાર સહિત નષ્ટ થતો હોય છે, ત્યારે તેમાંથી નીકળેલી છૂટી પડેલી ઉર્જા બીજે સંગઠિત થઈને નવો સૂર્ય પેદા થતો હોય છે. આપણો સૂર્ય લગભગ ચાર અબજ વર્ષથી પ્રકાશ આપે છે. દરરોજ તેનો પ્રકાશ થોડો થોડો ક્ષીણ થતો જાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે આશરે ચાર હજાર વર્ષ પછી આપણા સૂર્યની ઇંધણ (fuel) કદાચ ખલાસ થઇ જશે અને તે ઠંડો થઇ જશે, બુઝાઈ જશે અને તે વખતે તેનો આખો પરિવાર આપણી પૃથ્વી સહિત નષ્ટ થઇ જશે.

આવા વિરાટ અસ્તિત્વ (પરમાત્મા)ની દ્રષ્ટિએ સૂર્ય નાનામાં નાનું unit છે. પરંતુ આપણા અને અર્જુનના અનુભવમાં સૂર્ય ઘણો જ મોટો છે. બધું જ સાપેક્ષ (Relative) છે. બટ્રૉન્ડ રસેલે લખેલી વાર્તા 'એક ધર્મગુરુનું દુ:સ્વપ્ન " (Nightmare of a Theologian) વાંચી જાઓ. અત્યંત વિરાટ અસ્તિત્વની વાત અર્જુનના મગજમાં ના ઉતરે એટલા માટે કૃષ્ણ અર્જુનને સમજાય એવડું સૂર્યનું પ્રતીક રજૂ કરીને તે મારફતે વિરાટ અસ્તિત્વ તરફ સંકેત ઈશારો કરે છે એ જ પ્રમાણે અગ્નિ - વિદ્યુત પણ પ્રતીક બની શકે કારણ કે તે પણ સૂર્યનો જ અંશ છે. સમસ્ત પ્રકાશિતોમાં સૂર્ય હું છું એમ કહીને કૃષ્ણે વિરાટ તરફ એક તુલનાત્મક ઈશારો માત્ર કર્યો છે.

(૩) મરીચિ: મરુતામ્ અસ્મિ

વાયુ દેવતાઓમાં મરીચિ હું - શ્રેષ્ઠતમ તીવ્ર ગતિવાળો દેવતા છું. બધા નક્ષત્રોમાં શ્રેષ્ઠતમ નક્ષત્ર - ચંદ્રમા હું છું. વેદોમાં સામવેદ હું છું. દેવોમાં શ્રેષ્ઠદેવ ઇન્દ્રિય હું છું. બધી ઇન્દ્રિયોમાં શ્રેષ્ઠ ઇન્દ્રિય મન હું છું. આ બધા પ્રતીક છે.

સર્વ ભૂતોનું બીજ હું છું. એવી કોઈ વસ્તુ આ વિશ્વમાં નથી કે જે ઈશ્વરથી વિરહિત હોય. ઈશ્વરની શક્તિથી જ સર્વ પદાર્થ બન્યા છે. એટલા માટે પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરની વિભૂતિ છે, તો પણ જ્યાં ઈશ્વરનો વિશેષ પ્રભાવ છે તેને આપણે સામાન્ય રીતે વિભૂતિ કહીએ છીએ, એક 'ભૂતિ' હોવા પણું (becoming) છે, બીજી 'વિભૂતિ' છે. 'ભૂતિ' નો અર્થ થવું હોવું. સુખ, વિજય, ધન, ઐશ્વર્ય - મહત્વ - શક્તિ વગેરે - 'વિભૂતિ' એટલે વિશેષ પ્રભાવિત થવું. વિશેષ સુખ, મોટો દિગ્વિજય, વિશેષ ઐશ્વર્ય, વિશેષ મહત્વ, મોટી વિલક્ષણ શક્તિ વગેરે. ઈશ્વરની ભૂતિ - અર્થાત ઈશ્વરની સત્તા તો અણુએ અણુમાં પ્રત્યેક પ્રાણી પદાર્થ વસ્તુ વ્યક્તિમાં છે જ. પરંતુ તેના વિશેષ પ્રભાવનો અનુભવ તો મનુષ્ય થોડા પદાર્થોમાં કરી શકે છે એને વિભૂતિ કહેવાય છે. ઈશ્વર સર્વત્ર સમભાવે હોય છે. કીડીમાં, મચ્છરમાં પણ પરંતુ માણસ એને એ પ્રમાણે ઓળખી શકતો નથી. એટલે જ્યાં અધિક પ્રભાવ દેખાય છે ત્યાં જ તે ઈશ્વરની સત્તાનો અનુભવ કરે છે. ઈશ્વરની ભૂતિ (સત્તા) તો પ્રત્યેક વસ્તુમાં છે. એટલે જેટલા પદાર્થ - પ્રાણી - વસ્તુ - વ્યક્તિ છે તે તમામ ઈશ્વરની વિભૂતિઓ છે. વિશ્વમાં પદાર્થ અનંત છે. એટલા માટે ઈશ્વરની વિભૂતિઓ પણ અનંત છે. સર્વનું બીજ ઈશ્વર છે અને એનો વિસ્તાર (Total expansion) આ વિશ્વ છે. એટલે સમસ્ત વિશ્વ જ એની દિવ્ય વિભૂતિ છે, પરંતુ જેને આ પ્રમાણે દેખાતું નથી અને એનો પ્રભાવ સમજાતો નથી તેને સમજાવવા માટે સંક્ષેપમાં દિગ્દર્શન રૂપે અહીં કેટલીક મુખ્ય મુખ્ય વિભૂતિઓ ભગવાન ગણાવે છે.

મરુદ ગણોમાં મરીચિ એટલે કે વાયુદેવ હું છું. પુરાણોમાં ઓગણપચાસ મરુદ ગણો બતાવ્યા છે. કશ્યપ મુનિની પત્ની દીતિથી ઓગણપચાસ મરુદ ગણો પેદા થયેલા. મરીચિ શબ્દ જળવાચક છે, જે હવા વરસાદ લાવે તે મરીચિ છે, તે પરમાત્માની વિભૂતિ છે.

(૪) નક્ષત્રાણામ્ અહમ્ શશી

તમામ તારા નક્ષત્રોમાં હું ચંદ્ર છું. વિશેષતા એ છે કે ચંદ્રના પ્રકાશમાં શીતળતા છે અને તેનાથી વનસ્પતિઓને પોષણ મળે છે.

પુષ્ણામિ ચ ઔષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ॥ ગીતા - ૧૫/૧૩॥

ચંદ્ર પૃથ્વીનો તદ્દન નજીકનો તારો છે.