મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર (ૐ કાર) હું છું. યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને સ્થાવરોમાં હિમાલય હું છું. (૨૫)
ભાવાર્થ:
(૧૬) મહર્ષીણામ્ ભૃગુ: અહમ્
મહર્ષિઓમાં ભૃગુઋષિ હું છું. ભૃગુઋષિ બ્રહ્માના માનસ પુત્ર હતા અને વરુણના શિષ્ય હતા. તૈતરીય ઉપનિષદમાં ભૃગુઋષિના નામ ઉપર એક વલ્લી (અધ્યાય) છે. બીજા ઋષિઓની માફક તે ગૃહસ્થી નહોતા, બ્રહ્મચારી હતા.
(૧૭) ગિરામ્ અસ્મિ એકમ અક્ષરમ્ (ૐ કાર)
ૐ અક્ષર પરમાત્માનું પ્રતીક છે. ધ્વનિશાસ્ત્ર કહે છે કે અ-ઉ-મ આ ત્રણ મૌલિક ધ્વનિઓ છે. બાકીના બધા ધ્વનિઓ તેમનો વિસ્તાર છે. આ ત્રણ બીજ ધ્વનિઓ છે. ૐ અનાહત નાદ છે. ૐ કોઈ મનુષ્ય દ્વારા પેદા થયેલો ધ્વનિ નથી. તે અસ્તિત્વનો ધ્વનિ છે. The sound of existence itself. રાત્રે આજુબાજુ દૂર દૂર સુધી બિલકુલ અવાજ ના હોય ત્યારે, જે સન્નાટો માલૂમ પડે, તેનો પણ પોતાનો ધ્વનિ હોય છે. તેવી જ રીતે માણસના જયારે તમામ પ્રકારના વિચાર - વાસના - કામના અહંકાર શાંત થતા ગહન મૌન છવાય અને અંતઃકરણમાં એક ગાઢ સન્નાટો થાય, ત્યારે તેમાં જે ધ્વનિ સંભળાય તેની નામ ૐ અને તે ધ્વનિમાં પ્રવેશ એ જ પરમાત્મામાં પ્રવેશ.
(૧૮) યજ્ઞાનામ્ જપયજ્ઞ: અસ્મિ
યજ્ઞનો અર્થ કોઈ પણ યોજના - વ્યવસ્થા જેના માધ્યમથી આપણે આપણી અને અસ્તિત્વ (પરમાત્મા)ની વચમાં સેતુ - પુલ - bridge નિર્માણ કરી શકીએ - તેનું નામ યજ્ઞ. અનેક પ્રકારના યજ્ઞો - ક્રિયાકાંડ છે, તેમાં કેટલાક અત્યંત ખર્ચાળ અને પરિશ્રમવાળા છે. જે સાધન સંપન્ન માણસો જ કરી શકે, અને છતાં તેમાં જપયજ્ઞ જેટલું તાદાત્મ્ય ના પામી શકાય. જપયજ્ઞ સામાન્ય માણસ પણ તદ્દન નજીવા ખર્ચમાં કરી શકે અને કાંઈપણ સામગ્રીની વધારે ઝંઝટ વગર પરમાત્મા સાથે વધારેમાં વધારે એકતાન થઇ શકાય - આજના જમાનામાં (કળિયુગમાં) જયારે અણીશુદ્ધ વેદપાઠી વિદ્વાનો - અનુભવી કર્મઠો કર્મકાંડી બ્રાહ્મણો મળતા નથી, ત્યારે ક્રિયાકાંડ વ્યર્થ પાખંડ બની જાય છે. યજ્ઞકુંડીમાં અગ્નિ પેટાવીને ઘી, જવ. તલ હોમવા તે બહિર્મુખી સ્થૂળ ક્રિયા છે, જયારે જપયજ્ઞ સૂક્ષ્મતમ છે અને તે વિરાટની તરફ માણસની ચેતનાને આબદ્ધ કરે છે, ફોકસ કરે છે.
(૧૯) સ્થાવરાણામ્ હિમાલયઃ
હિમાલય ભગવાન શંકર અને પાર્વતીનું નિવાસસ્થાન છે. તેમાં અસંખ્ય અસંખ્ય ઋષિ મુનિઓ ઉગ્ર તપશ્ચર્યા કરીને આત્મસાક્ષાત્કાર કરી શક્યા છે. તેના સંસ્કારો અને પરમાણુઓ ત્યાંના વાતાવરણમાં એટલા બધા છવાઈ ગયેલા છે કે આજે પણ કોઈ સાધક ત્યાં બેસીને સાધના કરે તો થોડા પ્રયત્નથી અને થોડા સમયમાં જ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આત્મસાક્ષાત્કાર કરી શકે/ આ સ્થાનની મહત્તા, પવિત્રતા પરમાત્માની વિભૂતિ છે.