Shri Hirabhai Thakkar - Books - Karma No Siddhant, Theory of Karma -  કર્મનો સિદ્ધાંત

શ્રી પરમાત્મને નમઃ

અધ્યાય ૧૦

વિભૂતિયોગ

યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ॥૩૯॥

યત્ ચ અપિ સર્વભૂતાનામ્ બીજમ્ તત્ અહમ્ અર્જુન

ન તત્ અસ્તિ વિના યત્ સ્યાત્ મયા ભૂતમ્ ચરાચરમ્

અહમ્ - હું (છું)

યત્ - (કેમ કે) જે

ચરાચરમ્ - ચેતન કે જડ

ભૂતમ્ - કોઈ પ્રાણી

મયા વિના - મારાથી

સ્યાત્ - રહિત હોય

તત્ ન અસ્તિ - તે નથી

ચ - વળી

અર્જુન - હે અર્જુન

યત્ - જે

સર્વભૂતાનામ્ - સર્વ ભૂતોના

બીજમ્ - કારણ

તત્ - તે

અપિ - પણ

વળી, હે અર્જુન ! સર્વ ભૂતોનું જે બીજ છે તે પણ હું છું; તેવું કોઈ સ્થાવર - જંગમ ભૂત નથી કે જે મારા વિના હોય. (૩૯)

ભાવાર્થ:

(૬૯) યત્ ચ અપિ સર્વભૂતાનામ્ બીજમ્ તત્ અહમ્

જે તમામ ભૂતોની ઉત્ત્પતિનું કારણ છે, તે હું જ છું. કારણ કે એવું કોઈ ચર, અચર, જડ - ચેતન ભૂત (becoming) નથી કે જે મારાથી રહિત હોય.

હું તમામનું નિમિત્ત અને ઉપાદાન કારણ છું.

ઉપનિષદ કહે છે:

યથોર્નનાભિઃ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામોષધયઃ સંભવન્તિ

યથા સતઃ પુરુષાત્ કેશ લોમાનિ તથાક્ષરાત્ સંભવતિ ઇહ વિશ્વમ્॥ (મુંડક ઉપનિષદ 1.1.7)

(૧) જેવી રીતે કરોળિયો પોતાના પેટમાં રહેલી જાળને બહાર કાઢીને પોતે પોતાની મેળે પોતાને રાચવા માટે જાળ રચે છે, તે જાળમાં તે પોતે રાચે છે અને પછી પોતે જ પોતાની મેળે પોતાની અંદર સમાવી લે છે. તેવી રીતે પરબ્રહ્મ પરમેશ્વર પોતાની અંદર સૂક્ષ્મરુપથી લીન થયેલા જડ - ચેતનરૂપ જગતને સૃષ્ટિના આરંભમાં નાના પ્રકારથી ઉત્પન્ન કરીને ફેલાવે છે અને પ્રલયકાળે પોતાની અંદર પોતે જ લીન કરી દે છે. (ગીતા - ૯/૭-૮)

(૨) જેવી રીતે પૃથ્વીમાં જે જે પ્રકારના અન્ન, વૃક્ષ, લતા, ઘાસ, વગેરે ઔષધિઓના બીજ પડે છે તે પ્રકારની ભિન્ન ભિન્ન ભેદોવાળી ઔષધિઓ તેમાં ઉત્પન્ન થઇ જાય છે. તેમાં પૃથ્વીનો કોઈ પક્ષપાત નથી. તેવી જ રીતે જીવોના નાના પ્રકારના કર્મરૂપ બીજને અનુસાર પરમાત્મા તેમને ભિન્ન ભિન્ન યોનિઓમાં ઉત્પન્ન કરે છે. તેથી પરમાત્મામાં કોઈ પ્રકારની વિષમતા અગર નિર્બળતાનો દોષ નથી. (બ્રહ્મસૂત્ર - ૨/૧/૩૪)

(૩) જે પ્રકારે મનુષ્યમાં જીવિત શરીરથી સર્વથા વિલક્ષણ વાળ, રૂંવાટી, નાખ વગેરે પોતપોતાની મેળે ઉત્પન્ન થાય છે અને વધે છે - તેને માટે તેને કોઈ કાર્ય - પ્રયાસ નથી કરવો પડતો એવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માથી આ જગત સ્વભાવથી જ - સ્વાભાવિક રીતે જ સમય પર ઉત્પન્ન થઇ જાય છે અને વિસ્તાર પણ પામે છે તેને માટે પરમાત્માને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એટલા માટે ભગવાને ગીતામાં કહ્યું છે કે "હું આ જગતને બનાવનારો હોવા છતાં પણ અકર્તા જ છું." (ગીતા - ૪/૧૩)

"ઉદાસીનની માફક સ્થિત રહેનાર મને પરમાત્માને આ કર્મ લેપાયમાન કરતા નથી. હું સદા અલિપ્ત જ છું. (ગીતા - ૯/૧૦)

જગતનો સૃષ્ટા અને સૃષ્ટિ અલગ અલગ નથી. સૃષ્ટા પોતે સર્જન કરીને પોતે જ સૃષ્ટિ બની ગયા છે. God is not only the creator of the universe, but He is the creativity itself. મોર - નૃત્યકાર પોતે જ નૃત્યનો સૃષ્ટા અને સર્જન છે. ઈશ્વર એ અસ્તિત્વનો પર્યાયવાચી શબ્દ છે. God exists એટલું જ નહીં, Whatever exists is God. જે કાંઈ છે તે ઈશ્વર છે. અત્યંત નિકટતમ હોવાથી ઈશ્વરનું વિસ્મરણ થઇ ગયું છે. તેથી તેને ખોળવા આપણે બહાર ફાંફા મારવા પડે છે. માછલી સાગરમાં રહેતી હોવાથી તેને સાગર સંબંધી કાંઈ જ માહિતી નથી.

પરમાત્માને પહોંચવા માટેનો રસ્તો કયો? આ સવાલ જ ખોટો છે, પરમાત્માને પહોંચવા માટે કોઈ રસ્તો છે જ નહીં, હોઈ શકે જ નહીં, કારણ કે પરમાત્મા તમારાથી એટલા બધા અત્યંત નજીક છે કે વચ્ચે રસ્તો કરવાની જગ્યા જ નથી. તે એટલા બધા નિકટતમ છે કે તું પોતે જ પરમાત્મા છે. સંસારને પકડવો હોય તો દોડો - દોડો દોડ્યા જ કરો, પરંતુ પરમાત્માને પામવું હોય તો રુક જાઓ, થોભી જાઓ. અંતર્મુખ થઇ જાઓ.

અહં બ્રહ્માસ્મિ |

તત્ ત્વમ્ અસિ |

અયમ્ આત્મા બ્રહ્મ |

સર્વં ખલુ ઇદં બ્રહ્મ।

આ ચાર વેદોનાં ચારેય વાક્યો એક જ વાત કરે છે. જે ખોવાયું હોય તે ખોળવા જવું પડે, પરંતુ જે સદા પ્રાપ્ત જ છે - જે કદાપિ ખોવાયું જ નથી - કદાપિ ખોવાવાનું પણ નથી - જે કદાપિ ખોવાશે જ નહીં - તેને ખોળવાનું રહેતું જ નથી. તે તો માત્ર અનુભવવાનું જ છે. ખોળવા જશો તો ખોળતાં ખોળતાં થાકી જશો અને પછી જે ક્ષણે અટકી જશો (અંતર્મુખ થઇ જશો) ત્યાં જ તે જ ક્ષણે તમને પરમાત્માનો મેળાપ થઇ જશે. ધાર્મિક વિધિઓ, યોગની બધી ક્રિયાઓ, યજ્ઞ - દાન - તપ કર્મ વગેરેના બધા વિધિવિધાનો તે તમામ આખરે તમને થકવવા, અને અટકાવવા - અંતર્મુખ કરવા માટે જ છે. અને તે રીતે આ બધી ધાર્મિક વિધિઓ (Rituals) અને સાધનાઓ નકારાત્મક રીતે ઉપયોગી છે (અનિવાર્ય નથી)