ભગવાન કહે છે - જેઓ નિત્ય મારામાં મન જોડી મારા પરાયણ થઇ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું (૧૨/૨). હું સર્વ ભૂતોમાં સમાન છું. મારો (કોઈ) દ્વેષપાત્ર નથી કે પ્રિય નથી; તો પણ જેઓ મને ભક્તિ વડે જ ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તેઓમાં છું (૯/૨૯). માત્ર અનન્ય ભક્તિ વડે જ મને તત્ત્વે કરીને જાણી શકાય, મને જોઈ શકાય અને મારામાં પ્રવેશ કરી શકાય. અનન્યભક્તિ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં (૧૧/૫૪).
માનસ રામાયણમાં ભગવાન બોલ્યા છે :
મમ ગુણ ગાવત પુલક શરીરા, ગદગદ ગીરા નયન બહ નીરા.
એકલું શબ્દોમાં "રામ રામ" બોલવાનું નહીં. ભાવપૂર્વક શબ્દરહિત ભજન. રાત્રે આકાશમાં વાદળની ભયંકર ગર્જનાથી પણ જેની નીંદ તૂટે નહીં એવી ગાઢ નિદ્રામાં સૂતેલી માતા તેના પડખામાં સૂતેલું તેનું નાનું બાળક જરાક જ કુરમુર-ચેચુ કરે ત્યાં જ તે માતાનો હાથ અનાયાસે બાળક ઉપર પડે તેવી સતત ભાવની દશાનું નામ ભક્તિ - ભજન.