મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વેના ચાર સનકાદિ તથા ચૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને લોકમાં આ બધી તેમની જ પ્રજા છે. (૬)
ભાવાર્થ:
મરીચિ, અંગીરા, પુલહ, પુલસ્ત્ય, ક્રતુ, અત્રિ અને વશિષ્ઠ આ સાત મહર્ષિઓ પ્રવૃત્તિ ધર્મના આચાર્યો અને ચાર સનતકુમારો (સનક, સનંદન, સનાતન, અને સનતકુમાર) નિવૃત્તિમાર્ગના આચાર્યો તથા સ્વાયંભૂવ વગેરે ૧૪ મનુઓ - તે બધા ઈશ્વરના માનસપુત્રો છે અને આ લોકમાં જે પ્રજા છે તે બધી તેમનામાંથી થઇ છે એટલે કે આ સૃષ્ટિની તમામ પ્રજા ઈશ્વરમાંથી જ થઇ છે.
આ સર્વ ઈશ્વરમાં માનસભાવ થયા અને તે માનસભાવોથી યુક્ત પ્રજાજન થયા. ઈશ્વરમાંથી જ્ઞાન થયું, અને જ્ઞાનથી યુક્ત જ્ઞાની બ્રાહ્મણો થયા. ઈશ્વરમાંથી નિર્ભયતા થઇ અને તેનાથી યુક્ત નિર્ભય વૃતિવાળા ક્ષત્રિયો થયા. ઈશ્વરમાંથી અહિંસા થઇ અને તે અહિંસા અર્થાત પાલકભાવથી યુક્ત પશુપાલન અને ખેતી, વેપાર કરનારા વૈશ્યો થયા. ઈશ્વરમાંથી તપ થયું અને તેનાથી યુક્ત મહેનતુ કાર્ય કરનારા સેવાભાવી શુદ્રો થયા. આ જ રીતે ઈશ્વરમાંથી ક્રોધ - મન્યુ વગેરે ભાવો પ્રગટ્યા અને તેમાંથી આ ભાવો યુક્ત મનુષ્ય પ્રાણીઓ થયા.
આ રીતે જે અનંત ભાવો છે અને તેનાથી યુક્ત જે તમામ યુક્ત જે તમામ ભૂતો (becomings) છે તે બધાય ઈશ્વરમાંથી બન્યા છે - એટલે તે સર્વ ઈશ્વરની વિભૂતિઓ છે - જે અનંત છે. ભગવાન આગળ કહે છે: